રવિવાર, 13 ઑક્ટોબર, 2019

Happy Birthday Amitabh Bachchan

મારી  પાસે બે કરોડ હોત તો આવી નોકરી થોડો કરતો હોત !!!
આપણી પાસે પાંચ કરોડ હોય તો વ્યાજે મૂકી દઇએ અને પછી એમાંથી જ ઘર ચલાવીએ. !!
બસ, આ થોડા પૈસા કમાઇ લઇને પછી આપણે કામ નહીં કરવાનું-આરામ જ કરવાનો....
બાંસઠ વર્ષ થયા. ત્રીસ વર્ષ તો નોકરી કરી. હવે રિટાયરમેન્ટમાં કામ થોડું કરવાનું? આરામ જ કરવાનો...

આવું માનનારાઓ માટે આ તસવીર એક સંદેશો છે. આ એ માણસની તસ્વીર છે, જે આજે જ સિત્તોતેર વર્ષનો થયો છે.

લગભગ ગોડાઉન જેવો એક રૂમ. જેમાં આડેધડ લાઇટ્સ ખડકાયેલી છે. એક ખુરશી પડી છે. રેકોર્ડિંગનાં સાધનો આમતેમ વિખેરાયેલા છે. એક સાવ સાદા પલંગ પર સાવ સસ્તી ચાદર પાથરેલી છે અને એની પર એ માણસ ઊંઘી ગયો છે. એની બંધ આંખો પર હજુ ચશ્મા છે. જોડે ટિપોઇ પર એક પેન અને એક ફાઇલ ખુલ્લી છે. કામનાં થાકને કારણે એને ઊંઘ આવી ગઇ છે.
બિનસત્તાવાર રીતે આ માણસની સંપત્તિ ૨૦૬૭ કરોડ છે અને સત્તાવાર રીતે ઓછામાં ઓછી ૧,૦૦૦ કરોડ છે અને છતાં એ આજે પણ એટલું કામ કરે છે કે એને ઊંઘવા માટે ગોળી લેવાની જરૂર નથી પડતી.

ધારે તો આ માણસની સાત પેઢી માત્ર વ્યાજ પર સર્વાઇવ કરી શકે એમ છે અને છતાં 76 વર્ષની ઉંમરે હજી એણે રિટાયર થવાનો વિચાર નથી કર્યો.... *અને એટલે જ એ અમિતાભ બચ્ચન છે! ને એટલે જ એ  મિલનીઅમ સ્ટાર છે!*
ઊંઘ કામ્પોઝ કે અલ્પ્રાઝોલેમની મોહતાજ નથી, એ તો થાકની ગુલામ છે.
*આપણે ત્યાં કામ વિનાનાં આરામને આરામ મનાય છે. પણ સાચો આરામ કામ પછીનો છે. કામ વિનાનો આરામ તો આળસ છે.* *ઉંમરને અને કામને કશું લાગતું-વળગતું નથી*. કામ કર્યા પછી ઊંઘ સોનાનો ખાટલો કે સો મણની તળાઇ માંગતી નથી. ઉંઘ કામમાંથી છટકવાની બારી નથી એ તો બે સખત કામના સેશન વચ્ચેનો રીચાર્જ પિરીયડ છે. 

આપણી તકલીફ અડધુ થાકેલું શરીર અને પુરું બોર થયેલું મન હોય છે.  કેટલાંક વળી સ્ટ્રેસનો વાંક કાઢતા હોય છે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો માથે ભાર હોવા છતાં ગાંધીજી ધારે ત્યારે ઉંઘી શકતા. ઉંઘ ઝોકાં ખાવા જેટલી આસાન નથી.
બગાસું ખાતા મોંઢામાં પતાસું આવી શકે છે પણ બગાસું ખાતાં ઉંઘ આવી જ જાય એવું નથી! ઉંઘ કિંમતી છે, એને કામ કરીને કમાવી જ પડે છે!!

-એષા દાદાવાળા

Happy Birthday #Amitabh Bachchan Sir

ટિપ્પણીઓ નથી: