શુક્રવાર, 17 ડિસેમ્બર, 2021

Current medical facilities

ભૂતકાળ,હાલ અને ભવિષ્ય ના હોસ્પિટલો અને ડોકટરો માં શું તફાવત છે /હશે ?

ભૂતકાળ માં કોઈ ડોક્ટર બની આવે પછી ટ્રસ્ટ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલ માં બહોળા અનુભવ માટે બે ત્રણ વર્ષ કામ કરતા અને તેમને ખાસો અનુભવ મળતો પણ ખરો . પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કર્યા પહેલા નો આ અનુભવ અને નામના કમાઈ જાણીતા પ્રખ્યાત થવું લગભગ દરેક તબીબ માટે અનિવાર્ય હતું .કોઈના પિતા મોટા નામેરી ડોકટર હોય તો તેને આ સંઘર્ષ નો તબક્કો બાયપાસ થતો અથવા ટુંકો બનતો. કેટલાક તબીબો સરકારી નોકરી કે મેડિકલ કોલેજ માં શૈક્ષણિક કારકિર્દી પસંદ કરતાં અને તેમને મનપસંદ જગ્યા એ યોગ્ય પોસ્ટ મળી જતી એ પણ સરકારી અધિકારી વર્ગ બે કે એક ના પગાર મોંઘવારી ભથ્થા અને પ્રાઇવેટ પ્રેક્ટિસ ના કરવાના ભથ્થા સાથે. 
કોઈ મોટા શહેર માં પ્રાઇવેટ ક્લિનિક કે હોસ્પિટલ નાખે તો પણ ત્રણ ચાર વર્ષ માં ડોકટર ની ખસી પ્રસિદ્ધિ થતી અને સારી પ્રેક્ટિસ શરૂ થઈ જતી. હરિફાઈ ઓછી અને માંગ સામે નવા ડોકટર ની અપૂરતી આપૂર્તિ ને કારણે મોટા ભાગ ના ડોકટરો જલ્દી સેટ થઈ જતાં . ટ્રસ્ટ હોસ્પિટલ માં પગાર ધોરણ નીચું હતું પણ કામ અને નામના માટે ઇન્વેસ્ટમેન્ટ ગણી મોટાભાગ ના યુવા તબીબો થોડા વર્ષ આર્થિક સંકડામણ ભોગવી લેતા અને તેમના પરિવાર જનો પણ ધીરજ રાખી આ સંઘર્ષ ના સમય ને સાચવી લેતા . મોટી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલો નું નામોનિશાન નહોતું એને નાના નર્સિંગ હોમ હોસ્પિટલો માં બેઝિક ઉપલબ્ધિઓ સાધન સામગ્રી સાથે વ્યાજબી સારવાર થતી અને દર્દીઓ કે સગાઓ પણ વીઆઇપી સગવડો નહોતા માંગતા. આરોગ્ય વીમા નો કોઈ ટ્રેન્ડ હતો નહિ અને દર્દી ડોકટર વચ્ચે સુમેળભર્યા લાગણી સભર સબંધો પણ હતા. દર્દીઓ અને કામ ના સખત ભાર વચ્ચે પણ ડોકટરો વધુ કામ ઓછા વ્યાજબી દામ માં સારી કમાણી કરતાં. કમિશન કે કટ પ્રેક્ટિસ ભાગ્યેજ ક્યાંય થતી 

ધીમે ધીમે કોર્પોરેટ હોસ્પિટલો નો પગપેસારો વધ્યો . ગ્રાહક સુરક્ષા માં તબીબો ના સમાવેશ થી દર્દી ઉપભોક્તા બન્યો અને ડોકટર વેપારી .આખો સમાજ સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનતા તબીબો પણ બાકાત ન રહ્યા .હરિફાઈ વધી તબીબો વધ્યા એટલે કામ ઘટયું અને સારવાર માટે નાના હોસ્પિટલ ચલાવવા તબીબો માટે ખર્ચાળ બન્યા અને રોજ બદલાતા સરકારી નિયમો ને કારણે અઘરા પણ જેથી નાના નર્સિંગ હોમ હોસ્પિટલો બંધ થવા લાગ્યા મેડી ક્લેમ હોય એટલે ઉત્તમ સગવડો જોઈએ તેવી લોકો ની માનસિકતા થી સામાન્ય સગવડો ધરાવતી હોસ્પિટલો માં સારવાર કરાવવી પ્રજા ને ના ગમતી બની ગઈ 

નવા બનતા તબીબો પાસે ટ્રસ્ટ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલ માં સેવા આપી નામ કમાવું અઘરું બન્યું અને તે સીધા મોટી કોર્પોરેટ હોસ્પિટલ માં ફિક્સ પગાર જોડાવા માંડ્યા .લોકો તબીબ ની આવડત કે નામ પ્રતિષ્ઠા ને બદલે મોટી કોર્પોરેટ હોસ્પિટલ માં સારવાર કરાવવા જવા માંડ્યા અને ઘણીવાર તો દર્દીઓ ને હોસ્પિટલ નું નામ ખબર હોય પણ સારવાર કરનાર તબીબ ને જાણતા પણ ના હોય તેવું બનવા માંડ્યું. પ્રાઇવેટ ક્લિનિક ને જાહેરાતો કરવામાં એથીકસ આડે આવે પણ કોર્પોરેટ હોસ્પિટલો ના મેનેજરો જાહેરાત કમિશન કોઈ પણ પ્રકારે દર્દીઓ ને આકર્ષી ધંધો કરી જાણે એટલે નવા તબીબો ને આ "માથાકૂટ" કે નાપસંદ પ્રોસેસ માંથી છુટકારો મળે 

પહેલા દરેક શહેર ગામ માં એક સચિન તેંડુલકર જેવા ડોકટર દરેક બ્રાન્ચ માં રહેતા પણ હવે આઇપીએલ ની ટીમ ની જેમ હોસ્પિટલ માલિકો નાના નાના ખેલાડીઓ થી મેચ રમવા માંડ્યા અને ખેલાડીઓ પણ એક ટીમ માંથી બીજી ટીમ માં જુદા જુદા કારણોસર આવજા કરવા લાગ્યા

ફેમિલી ડોકટર ની લુપ્ત થયેલી પ્રણાલી જે રીતે પ્રજા અને દર્દીઓ માટે નુકશાનકારક હતી તેજ રીતે આરોગ્ય કાર્ડ ને પ્રોત્સાહન આપી કોર્પોરેટ હોસ્પિટલો ની કમાણી વધારવાની નાની હોસ્પિટલો ને બંધ કરવાની મજબૂરી અને માધ્યમ વર્ગ પાસે કોઈ વ્યાજબી કે જાણીતા ડોકટર પાસે સારવાર કરાવવાનો  વિકલ્પ જ ના રહે તેવી નીતિઓ , સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજો માં ફિક્સ પગાર અને સમયગાળા ની નિમણૂકો અને બદલીઓ આ બધા નું પરિણામ છે દર્દી ડોકટર વચ્ચે વધતો અવિશ્વાસ આરોગ્ય સેવા નું કેન્દ્રીકરણ અને મોંઘી સારવાર જેનો ભોગ અંતે તો પ્રજા એ જ બનવાનું છે
- ડો પ્રદીપ બી.જોશી એમડી