બુધવાર, 2 જાન્યુઆરી, 2019

Value of a friend

કશું સંતાડવું નથી, જેટલો હોય એટલો બધો ટેક્સ ભરવો છે.
દોસ્ત, ગયા વર્ષની મારી ઈન્કમમાં મારે તને જાહેર કરવો છે.

તારી કંપની લક્ઝરી છે. એના પર લક્ઝરી ટેક્સ ચોક્કસ લાગશે.
તું મારો છે એની સાબિતી રુપે, આ લોકો કેટલા ડોક્યુમેન્ટ્સ માંગશે ?

ખિસ્સાઓ સાવ ખાલી હોય અને છતાં કોઈની જાહોજલાલી હોય. આવો ભાગ્યે જ કોઈ અપવાદ મળશે.
તારી ભાઈબંધી બહુ મોંઘી છે યાર. એના પર લોન લઈ લઉં તો એનું વ્યાજ મને ટેક્સમાંથી બાદ મળશે ?

તારી હાજરી બહુ Obvious છે યાર. તારા કારણે કેટલાયની નજરોમાં આવું છું.
એક તારા નામને કારણે, હું ૩૦ %ના સ્લેબમાં આવું છું.

તેં આપેલી મોંઘીદાટ ક્ષણો હવે ચોપડે ચડાવવી છે, જિંદગી પાસેથી તારા નામની એક રસીદ ફડાવવી છે.

તારા માટેનો સમય જો હું બીજા કોઈને ન આપું, તો એને કરચોરી કહેવાય ?
મારું ચાલે તો તને ગજવામાં સંતાડી દઉં. પણ તું જ કહે, સરકારને થોડું સોરી કહેવાય ?

તારી હાજરીના માનમાં, જીવતરના દુઃખ સામે જોઈને થોડું સ્માઈલ કરવું છે.
દોસ્ત, મિલકતના નામે જો તું હોય ને તો મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે.
-ડૉ. નિમિત્ત ઓઝા

ટિપ્પણીઓ નથી: