જેનું એક આમંત્રણ પણ જીંદગીનો મહામૂલો પ્રસંગ ગણાય એવો એ માણસ હાથ જોડીને ઊભો હતો. જેનાં એક જ અવાજે સેંકડો લોકોની તકદીર બદલાઇ જાય એવા એ માણસનાં અવાજમાં કંપ વર્તાતો હતો. આખા શહેરની ફાઇવ સ્ટાર હોટલો એણે બુક કરી લીધી હતી. લોકોએ ક્યારેય ન માણી હોય એવી ભવ્ય આગતા-સ્વાગતા હતી અને છતાં એ માણસ માફી માંગતો હોય એવા સૂરમાં કહેતો હતો-’ક્યાંક કોઇ કસર રહી ગઇ હોય તો થોડું સહન કરી લેજો…છેવટે અમે દીકરીવાળા છીએ !’
ઇશા અને આનંદ પીરામલની પ્રિ-વેડિંગ સેરીમનીમાં મુકેશ અંબાણીએ આ શબ્દો કહ્યાં. આ વાત ફોર્બ્સ ટોપ ટેનમાં સતત આવતો એક બિઝનેસમેન ન્હોતો કહી રહ્યો. જામનગરની ભવ્ય રિફાઇનરીનો સ્થાપક કે હજ્જારો કરોડનાં બિઝનેસ સામ્રાજ્યનો અધિષ્ઠાતા પણ ન્હોતો બોલી રહ્યો. એ બોલી રહ્યો હતો ત્યારે એ હતો માત્ર એક દીકરીનો પિતા. એ વખતે એને બીજા કશાંની પડી ન્હોતી. એને માત્ર એની દીકરીની પડી હતી. મુકેશ અંબાણીનું આવું બોલવું એ અદભૂત બાબત હતી-પણ મારો સવાલ એ છે કે-દરેક દીકરીનાં બાપની મૂછ નીચી કેમ હોય છે?
આ કોઇ એક પ્રસંગ કે એક વ્યક્તિની વાત નથી. આપણે ત્યાં સદીઓથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દીકરીનાં બાપે તો નમતું જોખવું જ પડે !
થોડા વખત પહેલાં આવા જ એક બીજા લગ્ન યોજાયેલા. એ પિતા એનાં જમાનાનો શ્રેષ્ઠ રમતવીર હતો. ક્યારેય કોઇ ભારતીય જે સિધ્ધિ ન્હોતી મેળવી શક્યો એ સિધ્ધિ એણે મેળવી હતી અને છતાં એની દીકરીનાં લગ્ન પ્રસંગે એનો કોઇ ફોટો હજી સુધી જોવા મળ્યો નથી. એનાં વિશે એક અંગ્રેજી ચેનલે માત્ર ચાર લાઇનમાં લખ્યું કે-લેકકોમોમાં જ્યારે સિંધી પધ્ધતિથી દિપીકા-રણવીરનાં લગ્ન થઇ રહ્યા હતા ત્યારે છેલ્લા ફેરા વખતે પ્રકાશ પદુકોણ એમની દીકરી દિપીકાને વળગીને રડી પડ્યા પણ તમને એમની આ તસવીર જોવા નહીં મળે. આ એ માણસ હતો-જેણે પ્રથમવાર ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી હતી અને ઇંગ્લેન્ડનાં લગભગ દરેક સ્પોર્ટસ મેગેઝીને એની તસવીર કવરપેજ પર છાપી હતી.
સ્વાભાવિક રીતે બધાંનું ધ્યાન દિપીકા અને એનાં પતિ પર હોય પણ દિપીકાનાં પિતા પ્રકાશ પદુકોણ પણ કોઇ રેંજીપેંજી માણસ નથી.
આપણે ઘણી પ્રગતિ કરી ચૂક્યાં છીએ પણ કદાચ-સામંતવાદી જડતામાંથી બહાર આવી શકતા નથી અને એટલે જ દીકરીનો બાપ નમતું ન જોખે એ આપણાં દિમાગને સ્વીકાર્ય જ નથી.
દીકરીઓ આજકાલ સાપનો ભારો નથી-એ પારકી થાપણ પણ નથી. એ તો એક પિતા પાસેથી લોન પર લઇ આવેલું વહાલ છે. જો આપણે એવું માનતા હોઇએ કે સ્ત્રી અને પુરૂષ સમોવડાં છે-તો દીકરી અને દીકરાનો બાપ પણ સમોવડાં જ હોવા જોઇએ.
લગ્ન જેવો મોટો પ્રસંગ લઇને બેઠાં હોઇએ તો કયાંક કશું ભૂલી જવાય, કોઇને ઓછું આવે પણ ખરું. દીકરીનાં બાપનાં હૈયે કોઇને ખોટું તો ન લાગી જાય ને..એવી ફાળ શું કામ રહેવી જોઇએ? દીકરીનો બાપ ગમે એટલો નામવાન હોય પણ દીકરીનાં લગ્ન પ્રસંગે તો એણે હાથ જોડીને જ ઊભા રહેવાનું એવું આપણે કેમ માનીએ છીએ?
આનંદ પીરામલે મુકેશ અંબાણીનાં જવાબમાં કહ્યું પણ ખરું કે વર્ષોથી ચાલતી આ પ્રથા બદલવાનું અમે કહ્યું પણ મુકેશભાઇ માન્યા નહીં. મુકેશ અંબાણી ભલે વિનમ્ર રહ્યા-પણ આપણે આ પ્રથા ચોક્કસ જ બદલવી જોઇએ.
એક યુગ હતો નરસિંહ મહેતાનો. કુંવરબાઇનું મામેરું કરવામાં આવ્યું ત્યારે દીકરીનાં બાપની આબરૂ ધૂળમાં મળી જાય એનો પૂરતો બંદોબસ્ત સાસરિયાં તરફથી કરવામાં આવ્યો. આવા વખતે એક બાપની આબરૂને બચાવવા ભગવાને જાતે શેઠ શામળશા બનીને આવવું પડ્યું હતું.
દીકરાને પરણાવીને તમે ઘરે વહુ નથી લાવતા-એક દીકરી દત્તક લો છો. ફરક એટલો જ છે કે દત્તક લીધેલી આ દીકરી મોટી છે. આપણે ત્યાં એક કહેવત છે. વરને કોણ વખાણે? વરની મા…જ્યારે આ કહેવત બદલાઇને વહુને કોણ વખાણે? વરની મા..એવી થશે ત્યારે આ પરિસ્થિતિ બદલાશે.
દરેક મા એવું માને છે કે એનો દીકરો કનૈયા જેવો છે. સાક્ષાત રામ છે. પણ દરેક માએ એક વાત સમજવાની જરૂર છે કે કોઇપણ કૃષ્ણ રૂકમણિ વિના પૂરો નથી અને દરેક રામ સીતા વિના અધૂરો છે. કોઇની દીકરી એને પરણીને આવે છે ત્યારે તમારો દીકરો પરિપૂર્ણ બને છે.
એક દીકરી એનાં પરિવારને પાછળ મૂકી દઇ તમારે ઘરે આવે ત્યારે તમારે એનાં દર્દને સમજવું જોઇએ. કોઇકવાર એકલાં બેઠાં હોવ ત્યારે આ ઠૂમરી સાંભળજો…
બાબુલ મોરા નૈયર છૂટો હી જાય…
ચાર કહાર મિલ, મોરી ડોલિયાં સજાવેં
મેરા અપના બેગાના છૂટો જાય…
દીકરી જ્યાં મોટી થઇ હોય એ ચાર દિવાલોને જ માત્ર નથી છોડતી-પિતાનાં નામનું આકાશ પણ છોડી દેતી હોય છે. એક આખેઆખી સલામતી છોડી દેતી હોય છે. પિતાનાં ઘરેથી જ્યારે દીકરી વિદાય થાય ત્યારે વડલાને એની વિશાળ વડવાઇ પરથી પંખી ઉડી ગયા જેવી વેદના થતી હોય છે. કણ્વ ઋષિએ કહેલું કે દીકરીને વળાવતા મને જો આટલી વેદના થતી હોય તો એક સંસારી પિતાને કેટલી વેદના થતી હશે?
મુકેશ અંબાણીએ ભલે આનંદ પીરામલની વાત ન માની-પણ આ પરંપરાને આપણે બદલી નાંખીએ. હવે દીકરીનાં બાપે હાથ જોડીને ઊભા રહેવાની જરૂર નથી કારણ કે લેનાર કરતાં આપનાર વધારે મહાન હોય છે.
-----------------------------------------
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો