મંગળવાર, 22 જાન્યુઆરી, 2019

My mother

મારી મા

કંઈક તો ખોવાય  છે,
આજે પણ સવારે આંખો ખુલે ત્યારે લાગે ઘર મા કઈ ખોવાય છે?

આમ તેમ નજર કરૂં તો લાગે નાહવા નો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રી માં અાપેલા કપડાં ખોવાય છે,
નજર પડી તો, ના રૂમાલ કે ના ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાયા,
પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ  ખોવાય છે...

લાગે છે ઘર માં કોઈ જગ્યા ખાલી છે,
વિચાયું કે સોફા કે પલંગ માં જગ્યા ખાલી છે,
જઇ ને જોયું તું ના સોફા કે ના પલંગ ખાલી છે,
ખબર  પડી  તો યાદ આવ્યું કે,
એની ઉપર બેસનારું કોઇ  ખોવાય છે...

લાગે છે ઘર ના રસોડા માં કંઈ રંધાય છે,
શ્વાસ લઈ ને જોયું તો લાગ્યું અડદિયા ને ચુરમાના લાડુ રંધાય છે,
જઈ ને જોયું તો ના અડદિયા કે ના ચુરમાના લાડુ રંધાય છે,
ખબર પડી તો યાદ આવ્યું કે, એને બનાવનાર જ  ખોવાય  છે...

લાગે છે આજ કાલ એક બે રોટલી ઓછી ખવાય છે,
ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે,
પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે...

લાગે છે ઘર ની બહાર ફોન નું નેટવર્ક ઓછું પકડાય છે,
ફોન મા જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે,
ખબર પડી તો યાદ આવ્યું કે ,
"ક્યારે આવીશ" વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે...

લાગે ઘર મા એક ઓશીકું ખોવાય છે,
નજર કરી તો ઓશિકાઓ ત્યાં  જ છે,
પણ જે ખોળામાં  સુઈ ને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે...

લાગે આજ કાલ કાન માં ઓછું સંભળાય છે,
ખાતરી કરી ને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય  છે, ખબર પડી તો યાદ આવ્યું "બેટા બેટા કહીને બોલાવતી ખોવાય છે...

સપના માં લાગે છે મારી દુનિયા ખોવાય છે,
આજે ઘણા વર્ષ પછી પણ આંખ ખોલી ને જોવું તો , "મારી માં" જ  ખોવાય છે...

ટિપ્પણીઓ નથી: