એમ કહીને ચકલી આંખ લૂછે
વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે
કોંક્રિટના જંગલમાં રાખ્યું તે કોઈ દિ’ ખુદ માટે શ્વાસ લેવા કાણું?
તારું જ ઠેકાણું પડતું ના હોય ત્યાં મારું ક્યાં ગોતું ઠેકાણું?
સપનું દેખાડે એ જોઉં કે દફનાવું, કહી દે કે કરવાનું શું છે?
એમ કહીને ચકલી આંખ લૂછે
કીધું ક્યારેય તેં આ મોબાઈલના ટાવરને એનાથી કેવી હું ધ્રુજું?
ધસમસતો તોફાની ટ્રાફિક ક્યાં સમજે? છે મારો સ્વભાવ ઘણો ઋજુ!
એક દિવસ માંડ કર્યો મારા નામે ને તો ય વળ કાં ચડાવો છો મૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે
તારા ડ્રોઈંગરુમમાં ફોટો મારો છે, એની પાછળ હું માળો એક બાંધું?
ફાટી બેહાલ થયું જીવતર આ, તું કયે તો જરાક આ રીતે સાંધું;
કચરો કે કલબલ નહીં થાવા દઉં, કહેજે મેડમને કે પ્રોમિસ કર્યું છે,
એમ કહીને ચકલી આંખ લૂછે
વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે
૨૦ માર્ચ
*વિશ્વ ચકલી દિવસ"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો