ગુરુવાર, 18 જુલાઈ, 2019

Region and country

જયરાજસિંહ પરમાર નો જબરજસ્ત લેખ .. અચૂક વાંચો👍👍👍👍👍

એક જાહેર જીવન માં રહેલી રાજકીય વ્યક્તિ આવુ સમાજ ની આંખ ઉઘાડતુ સત્ય જાહેર માં વ્યક્ત કરે એમાં એમની રાજકીય કારકિર્દી ને નુકશાન થાય એવુ ભયસ્થાન રહેલુ હોવા છતાં નિડરતા થી પોતાની વાત મુકે એ સલામ ને પાત્ર છે...

-----
આ લેખ કોઈ ધર્મ, કર્મકાંડ કે પુજા પધ્ધતિની આલોચનાના એકમાત્ર ઉદેશથી લખાયો નથી માટે એનું વિશ્લેષણ મુક્તમને કરશો એવો આગ્રહ છે. બહુમત માનસિકતાની વિરુદ્ધનો પક્ષ મુકવાના ભયસ્થાન હું જાણું જ છું છતાં એક ટકો યુવાઓના અંતર મન પર દસ્તક દઈ શક્યોતો લખેલુ સાર્થક લેખાશે તે ભરોસે જોખમ લીધું છે. પૂર્વગ્રહ કે પક્ષપાતી નજરે વાંચવાની વૃત્તિ સમાજ અને દેશનું અહિત કરશે એટલે વાંચતા પહેલા મન ને કોઈ ખુંટે બાંધેલું હોય તો મુક્ત કરી દેવાની વિનંતી સહ મારી વાતની શરૂઆત કરૂ છું.

દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક પ્રથમ દસ દેશોમાં ન્યુઝીલેન્ડ,ડેનમાર્ક  ફિનલેન્ડ, સ્વીડન, સિંગાપોર, નોર્વે નેધરલેન્ડ, સ્વિટઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા આવે છે. ભારત ૯૫ મા નંબરે છે.આશ્ચર્યની વાત એ છે કે આ દશ દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી,  રથયાત્રા , ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસ નીકળતા નથી. ક્યાંય તાજિયાના ઝુલુસ નથી નીકળતા કે ક્યાંય હનુમાન ચાલીસા નથી વંચાતી.  ચોકે ચોકે મંદિરો, મસ્જિદો કે ધર્મ સ્થાનો નથી.  બાવા, સાધુ , સંતો, મુલ્લાઓ , પાદરીઓ કે બાબાઓ , મુનિઓ , પંડિત પુરોહિત પણ જોવા મળતા નથી આમ છતાં પ્રામાણિકતા માં તેઓ સર્વોપરી છે.
જ્યારે ભારતમાં અગણિત દેવી દેવતા  ચોકે ચોકે મંદિર અને ગલી ગલીએ મસ્જિદો કે ગુરુદ્વારો જોવા મળે .  બાવા, સાધુ, સંતો,  મુનિઓ, પંડિત,  પુરોહિત કે મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓનો જમઘટ જોવા મળે.લોકો લસણ ડુંગળી કંદમૂળ ન ખાય પણ લાંચ જરૂર ખાય.  લસણ ડુંગળી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવતા ધર્મગુરુઓ લાંચ ન ખાવાની પ્રતિજ્ઞા કેમ લેવરાવતા નથી એ પ્રશ્ન છે. લાંચ ન ખાવાનો ગુરુમંત્ર કેમ આપતા નથી ? શું તેઓ દેશને સુધારવા ઇચ્છતા નથી કે તેઓમાં દેશ પ્રત્યે પ્રેમ નથી ? જવાબ એ છે કે બધા જ ધર્મ ગુરુઓ જાણે છે કે જો લોકો લાંચ લેતા બંધ થઈ જાય તો દેશ સુખી સમૃદ્ધ થઈ જાય,લોકો સુખી થઇ જાય, પછી ધર્મ ગુરુઓનો કોઇ ભાવ પૂછશે નહિ કેમકે દુખોનો વેપાર જ ધર્મ ગુરુની મુડી છે.

ઓશો રજનીશને કોઈએ પૂછ્યું કે ભગવાન આ દેશનો લુચ્ચા ને જુઠ્ઠા રાજકારણીઓથી છૂટકારો  ક્યારે મળશે ??
ત્યારે ઓશો રજનીશે કહ્યું કે બહુ અઘરો સવાલ છે..સવાલ અઠંગ રાજકારણીઓથી છુટકારાનો નથી..સવાલ તમારી અજ્ઞાનતાનો છે. જ્યાં સુધી તમારી અજ્ઞાનતા દૂર નહીં થાય ત્યાં સુધી તમારું શોષણ થતું રહેશે.
તમે પોતે જ્યાં સુધી અજ્ઞાની રહેશો ત્યાં સુધી સમાજનો તમામ શક્તિશાળી વર્ગ તમારું કોઈને કોઈ પ્રકારે શોષણ કરતો રહેશે. તમારું શોષણ સમાજવાદી કરે કે સામ્યવાદી તમને શું ફેર પડશે ? તમને ડાબેરીઓ છેતરે કે જમણેરીઓ તમને શું ફેર પડશે ? સરવાળે લૂંટાવાનુંતો તમારે જ છે ને...
કહેવાય છે " શ્રદ્ધાનો જ્યાં હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર" પણ અહીં આચાર્ય રજનીશે અંધશ્રદ્ધા પર નિશાન તાક્યું છે. શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે જે હંમેશા ખેંચાયેલી રહે તેવા પ્રયાસો ધર્મ ના ઠેકેદારો કરતા જ રહેવાના.

મારી વાત એટલી જ છે કે તમે ગીતાના કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ રાખો નસીબ   અને અંધશ્રદ્ધા પર નહિ...વ્યક્તિની જન્મ રાશિ ભલે એક જ હોય પણ કર્મ જુદા જુદા હોય છે ને પરિણામ કર્મના ફળરૂપે ભોગવવાના હોય છે..રામ અને રાવણની રાશિ એક જ  હતી પણ કર્મ બંનેના અલગ અલગ હતા અને ફળ પણ...કૃષ્ણ અને કંસ બંનેના કુળ અને રાશિ એક હતા પણ કર્મનું ફળ અલગ .
ગાંધી અને ગોડસે બંનેની રાશિ એક પણ દિશાઓ જુદી જુદી...ઓબામા અને ઓસામા એક જ રાશિના અને દુનિયાની નજરમાં બંનેના કર્મો જ હતા અને મુલવ્યા પણ એજ રીતે એટલે હંમેશા જન્મ કુંડળીને રાશિની અંધશ્રદ્ધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે કર્મ પર વિશ્વાસ રાખો...

શ્રદ્ધા અને અતિ શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે મોટી ખાઈ છે જે અત્યંત જોખમી છે..અતિશ્રદ્ધા અવળચંડી છે જે વેવલાપણાંનાં વાવેતર કરે છે. આપણે આટલો મોટો વિવિધતામાં એકતા વાળો દેશ હોવા છતાં આપણે અને પશ્ચિમ વચ્ચે કેટલો તફાવત છે તે જુઓ.
યુરોપે " અટપટાં યંત્રો " શોધી  ફૅક્ટરીમાં ફીટ કર્યા અને આપણે ફોટામાં " સિદ્ધિયંત્રો " બનાવી ફીટ કર્યાં .પશ્ચિમે ઉપગ્રહ બનાવી ગોઠવી દીધા  અંતરિક્ષમાં અને આપણે ગ્રહોના નંગ બનાવી મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વિશ્વમાં વિજાણુ યંત્રો થકી સમૃદ્ધ બન્યું અને આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી ગરીબી ને ઘરમાં પાળી.
અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી બળવાન બન્યો  અને આપણે ધાર્મિક કર્મકાંડો થકી કંગાળ બન્યા. ભારતમાં
પરિશ્રમ થકી સ્વર્ગ ઉતારવા ના બદલે આ લોકમાં અને આપણે પુજાપાઠ–ભક્તિ કરી સ્વર્ગ ને પરલોકમાં જ રહેવા દીધું.
ઍડવર્ડ જેનરે રસી શોધી જગતમાં થી  શીતળા નાબુદ કર્યા અને આપણે ઠંડુ ખાઈ શીતળા માતાના મંદિર બાંધી મુર્ખ ઠર્યા.આખુ વિશ્વ પર્યાવરણ–પ્રદુષણથી ચિંતીત છે ત્યારે જયારે હોળીમાં અને ચિતાઓમાં લાકડા ખડકવા વૃક્ષો અને જંગલો કાપી રહ્યા છીએ.ગંગા યમુના સરસ્વતી નદીને માતાનો દરજ્જો આપી એની ગોદમાં ગંદકી ઠાલવી અને સામે પક્ષે દુનિયાએ નદીનું નદી તરીકે મહત્વ સમજી જતન કર્યુ. વાસ્તુશાસ્ત્ર જેવા ફાલતુશાસ્ત્રને શરણે જઈ ઘરની શાંતિ ડહોળી અને વાસ્તુ શાસ્ત્રીના ઘર સમૃદ્ધ થયા.  દુનિયાએ વૈજ્ઞાનિક ઢબે બ્લડ ચૅક કરી સગાઈઓ કરી અને આપણે આપણા સંતાનોને જન્મકુંડળીમાં ફસાવી દીધા. લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આપણા પણ ભરપૂર લાંચ ખાય તો પાપ  ન લાગે એવી ધાર્મિકતા વારસામાં આપી. વિદેશોમાં વરસાદ લાવવાના મશીન આવી ગયા અને આપણે હજી ટિંટોળીના ઇંડા લઇને બેઠા છીયે.કોઈ કાળામાંથી ગોરા થયાનું ઉદાહરણ નથી પણ સૌદર્ય પ્રસાધનો વેચતી કંપનીઓ મબલખ કમાણી કરે છે. જુહી ચાવલા ટીવી પર વાળ લાંબા ને કાળા કરવા માટે લોકોને ચોક્કસ તેલ વાપરવાની અપીલ કરે પણ એમના પતિદેવ જય મહેતાના માથામાં સંપૂર્ણ ટાલ કેમ છે એ સવાલ આપણને ના થાય.

આ બધી અંધશ્રદ્ધા કેમ પીરસાય છે એ પણ સમજાતું નથી.સવારે વહેલા સૂર્યોદય થાય ત્યારથી જ તેનો વેપલો શરુ થાય છે...ટીવી ચાલુ કરીએ એટલે પહેલું જ " રાશિ ભવિષ્ય " ને " ભવિષ્ય દર્શન " તમને પંડિતજી સજી ધજીને બેઠા બેઠા પીરસે ને લોકો પણ હોંશે હોંશે  ગ્રહણ પણ કરે...ટીવી વાળા લોકોને ટીઆરપી આવે એટલે એ પણ બતાવવા મજબુર થાય. એય શું કરે ?  સરવાળે એમને તો  દર્શકોને ભાવતું જ પીરસવું પડે ને..
પછી બપોરે જમ્યા પછી નવરાશના સમયે ફરી અંધશ્રદ્ધાનો બીજો હુમલો થાય. લક્ષ્મી યંત્રો, ધન વર્ષા યંત્રો વગેરે ની ભરમાર થાય...પ્રજા એ પણ વિચારતી નથી કે યંત્રોથી લક્ષ્મીજી પધારેતો દેશમાં ૨૦ કરોડ લોકો ભૂખે ના મરતા હોત...પછી હનુમાન અને શનિ રક્ષા કવચ આવે. જો આ રક્ષા કવચ જ સુરક્ષા પુરી પાડતા હોય તો પછી દેશના મહાનુભાવોના રક્ષણ માટે આટલી મોંઘીદાટ ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા શું કામ કરે છે સરકાર? વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કે પ્રધાનોના ગળામાં જ એક એક હનુમાન કે શનિ સુરક્ષા કવચ લટકાવી દેવાના ચિંતા જ નહીં ..
પશ્ચિમના દેશોમાં લોકો ટ્રાફિકના લાલ બત્તીના સિગ્નલ પર રોકાઈ જાય છે ને આપણે અહીં બિલાડી આડી ઉતરેતો જ ઉભા રહીએ છીએ..પશ્ચિમમાં વિકસિત દેશોમાં કામગીરીને આધારે પાર્લામેન્ટમાં લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે અને આપણે જાતિને આધારે ચૂંટીએ છીએ જાણે જમાઈ પસંદ કરવાનો હોય. પશ્ચિમમાં દીકરીને ભણાવવા પાછળ ખર્ચ કરે છે ને આપણે દિકરીને પરણાવવા પાછળ. વિકસિત દેશોમાં લોકો પોલીસ જોઈને પોતાને સુરક્ષિત અનુભવે છે જયારે આપણે અહીં લોકો પોલીસ જોઈને ગભરાઈ જાય છે.

આપણા દેશમાં સોનુ ધોઈ આપવાના બહાને પિત્તળ પધરાવી જતી ટોળકી આજે પણ સફળ થાય જ છે..આજે પણ ગણપતિને દુધ પીવરાવનારી, શંકર ભગવાનના પોઠિયાને ઘાસ ખવરાવનારી જમાત અને ટુચકા, ટોટકા ને દોરા-ધાગા અને તાવીજની સંસ્કૃતિ ભૂલ્યા નથી.આજે પણ આપણે આપણે આપણા કર્મ કરતા નિર્મલબાબાના સમોસા ને તેના દ્વારા વરસતી કૃપા પર વધુ ભરોસો છે. મૃત્યુ પછીની વિધી નહીં કરીએ તો પિતૃ નડશે એવો ભય પિતાને મર્યા પછી કાગડો બનાવી વરસમાં એકવાર પુરી ને ખીર ખાવા નોંતરે. ક્યારેય વિચાર્યું છે જો આ વાત સાચી હોત તો ભારત સિવાયના તમામ દેશોમાં ક્રોધીત પિતૃઓ એ કેવું તાંડવ મચાવ્યુ હોત અને ગલીએ ગલીએ ને વૃક્ષે વૃક્ષે ભૂતપ્રેત બેઠા હોય એટલા પિતૃઓ ફરતા હોત  કેમકે ત્યાં તો આવી કોઈ વિધી થતી જ નથી. અરે ભારતમાં પણ જૈનો આ માન્યતા નથી રાખતા. જો મરણોત્તર વિધીના અભાવે બધા પ્રેતાત્મા બની જતા જતા હોત તો આ દુનિયામાં માણસો કરતા ભુત પ્રેતની સંખ્યા વધુ હોત. ગુજરાતમાં 2 લાખથી પણ વધારે માતાજીના ભૂવાઓ છે અને ૧૦ લાખ કરતાં પણ વધારે જ્યોતિષીઓ પણ છે છતાં પણ કોઇએ જાહેર જનતાના હિતમાં ભવિષ્યવાણી કરી હોય કે રાતો રાત 500 ને 1000 નોટો બંધ થવાની છે કે ભૂકંપ આવવાનો છે તો કહો . કોઈ ભવિષ્યવેત્તા એ પોતાનું ત્રિકાળજ્ઞાન પ્રગટ કરી કદીયે કહ્યું નથી કે અહીં વાવાઝોડું આવશે કે અહીં આતંકવાદી હૂમલો થવાનો છે કે બૉમ્બ ફૂટવાનો છે..એટલે આ બધી વાહિયાત વાતોમાંથી બહાર આવીએ..

કવિ અખાએ ઈસ. ૧૬૧૫ -૧૬૭૪ એટલે કે આશરે ૪૦૦ વર્ષ પહેલા અંધશ્રદ્ધામાં ગળાડૂબ સમાજને આંખો ઉઘાડતી અનેક રચનાઓ કરી હતી જે અખાના છપ્પા તરીકે ઓળખાય છે..

આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું કાંઇને સમજ્યું કશું,   
આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કૂવો ને ફાટી બોક,  
શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

એક મૂરખને એવી ટેવ,   
પથ્થર એટલા પૂજે  દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું  ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

તિલક કરતાં ત્રેપન થયાં,   
જપમાળાનાં  નાકાં ગયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, 
તોય ન પોચતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

ટૂંકમાં ધર્મ અને ધર્માંધતામાં અંતર સમજીએ. શ્રધ્ધા ચોક્કસ હોવી જોઈએ પણ આપણે અંધશ્રદ્ધા નહીં. યંત્રનો જમાનો છે ત્યારે માત્ર મંત્રની માળા ફેરવવી યોગ્ય નથી. સ્વયંબુદ્ધિથી વિચારીશુ તો દેશને વિકસિત બનાવી શકીશું.   દેશને વિશ્વની પ્રથમ શ્રેણીમાં મુકવો હશે તો સંકુચિત રૂઢીગત વિચાર માંથી મુક્ત થવુ પડશે.

જય હિંદ ..

ટિપ્પણીઓ નથી: