શનિવાર, 8 ઑગસ્ટ, 2020

Friendship

શું તમારો ફ્રેન્ડ તમારે માટે ગોળી ખાઈ શકે?
Raeesh Maniar  હાસ્યલેખ

ઈંટરવ્યૂ લેવા માટે મૈત્રી નામની RJએ મને ફોન કર્યો. આમ તો ઈંટરવ્યૂ આપવો એ લેખકોની પ્રાણપોષક પ્રવૃત્તિ છે પણ આ RJએ પ્રાણઘાતક પ્રસ્તાવ મૂક્યો, “ઈન્ટરવ્યૂ તમારો નથી કરવાનો, ‘વર્લ્ડ ફ્રેન્ડશીપ ડે’ નિમિત્તે તમારા મિત્રનો કરવાનો છે!”

મેં કોન્ફરન્સ કૉલ કરીને હસુભાઈને સાથે લીધા અને ઈંટરવ્યૂ શરૂ થયો. પછી મારે ઝાઝુ ઈંટરફિયરન્સ કરવાનું આવ્યું નહીં. 

મૈત્રી - અંતરંગ મિત્રતા એટલે શું? 

હસુભાઈ - ટોયલેટની સીટ પર બેઠાબેઠા જેની સાથે વાત થઈ શકે અને ફ્લશ કરતી વખતે ફોન ન કાપવો પડે એને અંતરંગ મિત્રતા કહેવાય.

મૈત્રી – ફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડમાં શું ફરક?

હસુભાઈ - જીવનસમુદ્રની લહેરોમાં જે જુવાળની જેમ આવે ને જાય તે ‘ફ્રેન્ડ’ અને એમાંથી જે શેવાળની જેમ તમને ચોંટી જાય તે ‘બેસ્ટ ફ્રેન્ડ’.

મૈત્રી – સાંભળ્યું છે મિત્રો વચ્ચે કોઈને કોઈ સમાનતા હોવી જોઈએ!

હસુભાઈ – છે. સમાનતા છે. ખાસ કરીને, અમારા બન્નેની માનસિક બિમારી ‘સેમ ટુ સેમ’ છે.

મૈત્રી – ફ્રેન્ડ ‘ઈંટેલિજંટ’ હોય તો સારું ન કહેવાય?

હસુભાઈ – ના. આપણી બુદ્ધિ વગરની વાતો ધ્યાનથી સાંભળે, અને પછી બુદ્ધિ વગરની સલાહ આપે એ જ સાચો મિત્ર.  

મૈત્રી –તમે પત્ની અને મિત્ર વચ્ચે તમારી લાઈફ કેવી રીતે બેલેંસ કરો છો?

હસુભાઈ – દિલ વગરની વ્યક્તિ સાથે વાત કરવાનું મન હોય ત્યારે પત્ની સાથે વાત કરું અને મગજ વગરની વ્યક્તિ સાથે વાત કરવાનું મન હોય ત્યારે મિત્ર સાથે વાત કરું.

મૈત્રી -  શું એ વાત સાચી છે કે સાચો દોસ્ત એ છે જે તમને એકલો પડવા ન દે..

હસુભાઈ – હા, સાચો દોસ્ત એ છે જે તમને એકલો પડવા ન દે, સતત સતાવ્યા જ કરે!

મૈત્રી – પણ મિત્રતામાં મિત્રને સ્પેસ ન આપવી જોઈએ? 

હસુભાઈ – સ્પેસ આપવી જોઈએ. જેથી એ વચ્ચેવચ્ચે એ એકલો કમાઈને લાવે, જેથી ભેગા થઈ ખર્ચી શકાય. 

મૈત્રી - તમે એકબીજાની કુથલી કરતા હશો ને ? 

હસુભાઈ – અમે એકબીજાની કુથલી નથી કરતા, ભેગા થઈ ત્રીજાની કુથલી કરીએ છીએ.

મૈત્રી ‌– મિત્રો તો મિત્રો માટે જીવ પણ આપી દેતા હોય છે. શું તમારા ફ્રેન્ડ તમારે માટે ગોળી ખાઈ શકે? 

હસુભાઈ – હા, ઘણીવાર એ મારી સાથે વાત કર્યા પછી ક્રોસીનની ગોળી લે છે.

મૈત્રી – લોકસાહિત્યમાં કહ્યું છે કે..સાચો મિત્ર એ જ છે જે ઢાલ સરીખો.. 

હસુભાઈ – ખબર છે, સુખમાં પાછળ પડી રહે એટલે કે તમારી પાછળ પડી જાય. અને દુ:ખમાં આગળ હોય એટલે કે માર પડે ત્યારે ભાગવામાં આગળ હોય.

મૈત્રી – કેટલા મિત્રોનું ગ્રુપ આઈડિયલ કહેવાય?

હસુભાઈ - બે જ સારા, વધુ ભેગા થાય તો ગેંગ કહેવાય.

મૈત્રી – મિત્રો બાબતે તમારો કોઈ નિયમ ખરો?

હસુભાઈ - જેને જોઈને નિયમ પાળવાનું મન થાય એ શિક્ષક, જેને જોઈને નિયમ તોડવાનું મન થાય એ મિત્ર!

મૈત્રી - મિત્ર સાથે તમે કઈ ભાષામાં વાત કરતા?

હસુભાઈ –ઈશારાથી. અથવા સૂરતી.. જરૂરપૂરતી..

મૈત્રી – એમ કહેવાયું છે કે ‘મિત્ર અરીસા જેવો હોવો જોઈએ જે તમારો સાચો ચહેરો તમને દેખાડે’…

હસુભાઈ – એમાંથી અડધુ સાચું કે ‘મિત્ર અરીસા જેવો હોવો જોઈએ...’ પણ અરીસાનો એંગલ એણે એવી રીતે રાખવો જોઈએ જેમાં આપણી ગમતી છોકરી દેખાય.

મૈત્રી – રક્ષાબંધન અને ફ્રેન્ડશીપ ડે નજીક નજીક કેમ આવે છે?

હસુભાઈ – જેથી ‘ફ્રેન્ડશીપ ડે’ના દિવસે આપણે મિત્ર પાસે વચન માંગી શકીએ કે આપણી આંખડી જેની સાથે લડી ગઈ હોય એની પાસે એ રાખડી બંધાવી લે. પોતાનું હેત અને હેતુ બદલીને સેતુ બને.    

મૈત્રી – તમારું શું માનવું છે? છોકરીઓને મન શું વધારે કિમતી હોય?  જ્વેલરી કે બોયફ્રેન્ડ?

હસુભાઈ – અરે.. છોકરીને તમે શું સમજો છો?  બેશક, એને મન બોયફ્રેન્ડ જ કીમતી હોય. પણ એવો બોયફ્રેન્ડ જે જ્વેલરી અપાવી શકે.

મૈત્રી – ‘ફ્રેન્ડશીપ ડે’ના દિવસે તમારા ફ્રેન્ડને તમે કેવો કાર્ડ મોકલશો?

હસુભાઈ - સાચો મિત્ર સમજુ હોય છે, એ જાણે છે કે ‘ફ્રેન્ડશીપ ડે’ના મોંઘા કાર્ડ જેટલા ખર્ચમાં તો એક ડ્રીંક આવી જાય.

મૈત્રી – તમારા લાસ્ટ વર્ડ્સ..

હસુભાઈ – પણ હજુ તો મારે જીવવું છે... 

મૈત્રી – સોરી! શતાયુ થાવ અને મિત્રોને સતાવો, આઈ મીન, આ ઈંટરવ્યૂના લાસ્ટ વર્ડ્સ..

હસુભાઈ -  મિત્ર એક મલ્ટીપર્પઝ મોડાલિટી જેવો હોવો જોઈએ. એવો હોવો જોઇએ કે દુશ્મનની પણ જરૂર ન પડે.
~ રઈશ મનીઆર
'મસ્તી અમસ્તી'

ટિપ્પણીઓ નથી: