સોમવાર, 29 એપ્રિલ, 2019

JAMNAGAR

નગર-નવાનગર-જામનગર

ગલી ગલી રાધા ને ગલી ગલી શ્યામ છે
રાધાજીના આમ જોકે નવાં નવાં નામ છે.
કાશી કહેવાય એ તો
ધર્મનું ધામ છે.
નગર અમારું ભારે ગમતીલું ગામ છે.

નાગમતી રંગમતી
નદીઓની સોડમાં
મરવાનું મન થાય એવું મજાનું સ્મશાન છે
ફાંકડા છે પુલ ઝુલ
ટાવરો દુકાન છે
નાગનાથ દાદા તારી ભભૂતિની શાન છે
ઠેર ઠેર ઠાંમ ઠાંમ
દોરને દમામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે

ભુજીયા કોઠાની કને
લાખોટા તળાવ છે
એક લાલ બંગલો ને
એક ધોરી વાવ છે
પુરાણાં મેડી ને કમાડ
ખખડી ગયા છે તોય
લાગે છે કે જાણે
ગઈ કાલનો બનાવ છે
પડી ગયાં ગેઇટ એને
આખરી સલામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે

હવાઈ કિલ્લાઓ માટે
ખુલ્લો છે હવાઈ ચોક
જુનાપાનાં ગીત
ગાંધી ચોક માં ગવાય છે
બેડીના નાકાથી આજ
બદલી બજારો કંઈક
ચાંદીની બજારે નિત
ચાંદની છવાય છે
આઝાદી સરકલનું ય
ઇરવિન નામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે.

કાજલ કંકુ ને
અગરબત્તી વખણાય છે
બારીક બેજોડ એવી
બાંધણી વણાય છે
ખોબલે ભરાઈ બોરસલી ને ગુલાબ રોજ ચમેલીના અત્તર થી
હવા હરખાય છે
એલચી તમાકુ સાથે
પાનમાં કિમામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે.

અહીં ભાઈ એકે એક
વાતની નવાઈ છે
નગરની નાર વળી
નરથી સવાઈ છે
રૂપનો સવાલ નથી
વેશની ભવાઈ છે
એકવડો દેહ અને
ચોવડી સિલાઈ છે
હોય જેનું કાળજું
કઠણ એનું કામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે

રંક છે અમીર છે ને
ચોર શાહુકાર છે
કાર છે ઘણાની પાસે
ઘણાયે બેકાર છે
ભાવતાલમાં તો
સૌ એવા હોશિયાર છે
કચરો ને ધૂળનો ય
ધીકતો વેપાર છે
દમ ના હોય એવી
ચીજનાંય ભારે દામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે

કોરટું કચેરી દવાખાનાને વકીલો વૈદ
રોજની બીમારી ને
રોજનો ઈલાજ છે
ગાંઠની ગરથ ખૂટી જાય
તો  ખારાં બી ખાઈ-
ગુજારો થાય છે
કઈ જાત નો સમાજ છે
માથાના દુખાવા કાજ
બે માથાંના બામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે

આમ અહીં નિત નવી
ખબરો છપાય છે
કોઈ પુરે કૂવો
કોઈ ટ્રેનમાં કપાય છે
ભલામણ હોય તો
ન થવાનુંય થાય છે
સામ દામ દંડ ભેદ બધા દાવ ગોઠવાય છે
રાસલીલા રાજલીલા
લીલાઓ તમામ છે
નગર અમારું ભારે ગમતીલું ગામ છે

ઉંટીયા ગાડાંની હાર
બસની કતાર છે
ટ્રકમાં લદાઈ જતો
જિંદગીનો ભાર છે
પેટ માટે રિક્ષાની
દોડ લગાતાર છે
ચાર એની આંગળી માં
જલતા મિનાર છે
ચોવીસે કલાક ચાલુ
યુદ્ધ અવિરામ છે
પર દોસ્તો  "જામનગર",......
નગર અમારું ભારે ગમતીલું ગામ છે.

                    -હરકિશન જોશી

ટિપ્પણીઓ નથી: