બુધવાર, 12 ડિસેમ્બર, 2018

Election results Dec 2018

*ચૂંટણી પરિણામો સંદર્ભે PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર...*

*....તમે ચાર વર્ષ વેડફી નાંખ્યા, 2019માં આટલું ધ્યાન રાખજો!*

*-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર*

_*આદરણીય નરેન્દ્રભાઈ,*_

*વંદે માતરમ.*

રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જોઈને તમે તો એક સિઝન્ડ રાજનીતિજ્ઞ તરીકે વિચલિત નહિ જ થયા હોવ, એટલી શ્રદ્ધા છે. રાજકારણ એક ચગડોળ છે, ક્યારેક આપણે ઉપર હોઈએ તો કોઈ વખત નીચે. ચાલ્યા કરે. પણ, એક સામાન્ય નાગરિક તરીકે હું નિરાશ અને હતાશ છું. ન્યૂઝ ચેનલ્સ અને મીડિયા તથા પોલિટિકલ પંડિતો કહે છે કે, *"ભાજપ માટે આ વેળા આત્મમંથન કરવાની છે... મોદી મેજિક ઓસરી રહ્યો છે... હવે 2019માં ભાજપને તકલીફ પડશે...!*

આત્મમંથનનો સમય આવી જ ગયો છે. લોકોને ખરેખર ફાયદો થાય તેવી આયુષમાન યોજના તમે શા માટે બનાવી? અઢી-ત્રણ લાખ બોગસ કંપનીઓ શા માટે પકડી પાડી? શા માટે તમે ડિજિટલાઈઝેશનનો વ્યાપ વધાર્યો? GST લાવવાની શી જરૂર હતી? આંતરિક રાષ્ટ્રીય સુરક્ષા સખ્ત ન કરી હોત તો ચાલે તેમ ન હતું? સરહદો સલામત કરવાની શી આવશ્યકતા પડી? શ્રેણીબદ્ધ વિદેશ પ્રવાસો કરીને વિદેશ નીતિ અણીદાર બનાવવાનો ખપ જ ન હતો, પ્રભુ. તમને રાજકારણ ફાવ્યું નહીં. ભિખારીઓના દેવા માફ કરી દીધા હોત અને પેટ્રોલના ભાવ ઘટાડી દીધા હોત તો ઘણું હતું.

આયુષમાન યોજનાનો શો લાભ? બીમાર પડીએ ત્યારે દેવું ન કરવું પડે કે આત્મહત્યા ન કરવી પડે, એટલો જ ને? ક્યાં કોઈને પડી છે! દેશનો નાગરિક પેટ્રોલ પીવે છે, તેના પર મહિને બસ્સો વધુ આપવા પડે તો બાપ બદલાવી નાંખે, CM, PM કે BJP વળી કઈ વાડીના મૂળા! તમને જ્યારે ખ્યાલ જ હતો કે, દેશનો સરેરાશ વ્યાપારી અને ઉદ્યોગકાર રગેરગે ચોર છે તો પછી GSTની જફા કરવાની જરૂર જ ન હતી. તમારે દરવાજે સરકારી ચોકીદારની જેમ માત્ર ડોળ કરવા ખાતર બેસવાનું હતું. તમે ખરા અર્થમાં રખોપું કરો તો ખૂબ બધા લોકોને માઠું લાગે જ. જ્યાં અનેક ધંધા-ઉદ્યોગ નેવું ટકા બિઝનેસ બિલ વગર ચાલતા હોય ત્યાં કોઈ વ્યક્તિ શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાનું ગાંડપણ કરે તો એ અળખામણો થવાનો જ. પ્રભુ, થવા દેવા હતા દરેક મહાનગરમાં શ્રેણીબદ્ધ બૉમ્બબ્લાસ્ટ. આમ પણ લોકો એ માહોલ વચ્ચે એડજસ્ટ થઈ ગયા હતાં. દર બે મહિને લોકોના ચીંથરા ઉડે તો એમાં જે થ્રિલ મળતી એ શાંતિમાં હરગીઝ નથી. કાશ્મીરમાં ઓલ આઉટ ચલાવવાની કોઈ જ જરૂર ન હતી. તમારી પહેલા કેટલાંય વડા પ્રધાન આવી ગયા. શું તેમની પાસે સૈન્ય નહોતું? રિસોર્સીસ ન હતા? પણ, આ પ્રતિબદ્ધતા નામનો જે અવગુણ અને અપલખ્ખણ તમારામાં છે એ કોઇ પાસે નહોતા. તમારે જલકમળવત રહેવાનું હતું. એકદમ સ્થિતપ્રજ્ઞ. બુદ્ધ જેવી અવસ્થા. મનમોહનસિંહમાંથી તમે શીખ્યા નહીં. અર્થતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા, સુધારાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈંધણ... દરેક બાબતે તેમણે સાક્ષીભાવ કેળવ્યો. તમે દ્રષ્ટા બનવાનું શીખ્યા નહીં અને સ્થિતિને બહેતર બનાવવા દોડ્યા. આ તમારો મોટો અપરાધ.

કશું જ વિશિષ્ટ કર્યા વગર દેશ પર પંચાવન વર્ષ સુધી શાસન કરી શકાય છે, એ વાત તો ઇતિહાસસિદ્ધ છે. તમારે રાતદિન દોડવાની જરૂર ન હતી. 70 વર્ષમાં તેમણે 13 કરોડ રાંધણ ગેસ કનેક્શન આપ્યા હતા તો એવરેજ મુજબ ચાર વર્ષમાં તમને 70 લાખ ગેસ કનેક્શનથી વધુ આપવાનો નૈતિક અધિકાર ન હતો. પણ, તમે 12 કરોડ આપી દીધા. ચૂલા સામે તમને પ્રોબ્લેમ શો હતો? દોડ્યા કેમ? શા માટે લક્ષ્યનિર્ધારણ કર્યું, શા માટે લક્ષ્યાંકો પૂર્ણ કર્યાં? આજે જ એક પાનના ગલ્લે ત્રણ યુવાનોને ચૂંટણી પરિણામોની ચર્ચા કરતા સાંભળ્યા, એકે ચર્ચાના અંતે કહ્યું: "2019માં મોદી હારવાના જ... પબ્લિકને ઉલ્લુ જ બનાવી છે. આખી દુનિયા આપડા ખર્ચે ફરી લીધી!" આ સ્તરના લોકોને ગ્લોબલ પોલિટિક્સ, કૂટનીતિ, ફોરેઇન પોલિસી જેવા શબ્દોનો અર્થ કેમ કરીને સમજાવશો તમે? જે લોકો હાફિઝ સઈદ અને સઈદ અનવર વચ્ચેનો તફાવત ન જાણતા હોય, ડોનાલ્ડ ડક અને ડોનાલ્ડ ટ્રમ્પ જેમને એક જ વ્યક્તિ લાગતા હોય, બ્રિટન અને બ્રિટાનિયા એ બેઉ જેમના માટે પારલે-Gની બ્રાન્ડ હોય તેવા લોકો અહીં બહુમતીમાં છે.

તમે નેપોલિયન અને એલેક્ઝાન્ડર કરતા પણ વધુ પ્રદેશ સર કરી આવો તો પણ એમને નિસ્બત નથી, દેવું ક્યારે માફ કરો છો અને પેટ્રોલમાં પાવલી ક્યારે ઘટાડો છો એ બોલો. મોબાઈલ ઉત્પાદનમાં ભારત હમણાં વિશ્વમાં બીજા સ્થાને આવ્યું, વીજળી ઉત્પાદનમાં સરપ્લસ નેશન બન્યો, ઇકોનોમીએ ફ્રાન્સ જેવી મહાસત્તાને પાછળ છોડી દીધી... બધું તેલ લેવા ગયું, અમારી નાતને અનામત ક્યારે આપો છો અને ક્યારે દેવું માફ કરો છો, ફરી ક્યારે એવી લોન આપશો જે માફીને પાત્ર હોય અને 100 ટકા નોન-રિફન્ડેબલ હોય? મુદ્દાની વાત કરો. અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા જેવા વાહિયાત મુદ્દે સમયનો વેડફાટ ન કરો.

મને એ સમજાતું નથી કે, તમે શા માટે ટોળાંમાં ભળી જતા નથી? તમારા કૌટુંબિક જમાઈ પાસે પણ ચાર્ટર પ્લેન શા માટે ન હોય? કેમ તેને હરિયાણા અને રાજસ્થાનમાં જમીન ન મળે? તમારા ભાઈઓ અને તેમના પરિવારો પાસે ફાર્મ હાઉસ, ફેક્ટરી અને રિયલ એસ્ટેટ  પ્રોજેકટ નથી એટલે બધા તમને એલિયન સમજે છે, એટલે જ ચોક્કસ લોકોએ તમને નાત બહાર મૂકીને તમારી જોડે હુક્કાપાણી બંધ કર્યાં. ખચ્ચરોના ટોળાં વચ્ચે એક જાતવાન અશ્વ ઉભો હોય ત્યારે અશ્વ જ અળખામણો બને, ખચ્ચરો નહીં.

તમારે 24×7×31×365 રાષ્ટ્ર માટે કામ કરતા રહેવાની જરૂર નથી. એશ કરો. છાનામાના સ્વિટ્ઝર્લેન્ડ, થાઇલેન્ડ, બ્રિટન જઈ ને વેકેશન માણતાં રહો. આ બધી હૈયાહોળી શેનાં અને કોના માટે? ગામેગામ વીજળી પહોંચે કે નહીં, તમારે શી લેવાદેવા? સાત દાયકાથી તેઓ વીજળી વગર રહે છે અને હજુ જીવે છે. તેનો અર્થ એ કે, વીજળી એ આપણે ઉભી કરેલી જરૂરિયાત છે, તેના વગર શ્વાસ થંભી જવાના નથી. ટોઇલેટ બનાવવાની અનિવાર્યતા નથી જ. સબ ભૂમિ ગોપાલ કી... ખુલ્લામાં જે આનંદ છે તે બંધબારણે ન જ હોય. ખરેખર તમે ચાર વર્ષ વેડફી નાંખ્યા.

અહીં નાનાં-નાનાં ઝુંડ વસે છે. કબિલાઓ. જ્ઞાતિ-જાતિ અને સમાજની ટોળકીઓ. સૌનું પોતાનું બંધારણ, પિનલ કોડ, ઇકોનોમિક્સ છે. બધાને ખુશ રાખવાનો રસ્તો એ જ છે કે, એમને કોઈ વાતે નડો નહીં, ચિક્કાર સરકારી લાભો આપો અને તેમનું આધિપત્ય સ્વીકારો. સાથેસાથે સ્વયંની તિજોરી રળતા રહો. કોઈ નવા આઈડિયા, નવા વિચાર, નવી ક્રાન્તિની ગુસ્તાખી કરવાનું વિચારશો પણ નહીં. રાજ મળ્યું છે, ડુ ચમન. કશું જ નહીં કરવાથી વિશેષ બીજી કોઈ જ સિદ્ધિ નથી. નબળા હશો તો ટકી જશો, સામર્થ્ય દેખાડશો તો લોકોને ખૂંચવા જ લાગશો. 2019માં ચૂંટણી મેદાનમાં ઉતરો ત્યારે તમામ બેન્કોનું સઘળું દેવું માફ કર્યાં પહેલા ઝુકાવશો નહીં, અનામતની ટકાવારી 200℅ સુધી લઈ જજો અને દલાલીથી લથપથ સ્પેક્ટ્રમ સોદા, કોલસા ડીલ કરી લેજો. જીતી જ જશો. તો જ જીતશો.

પોતાની જ કુશળતા ઇચ્છતા એક સામાન્ય નાગરિકના ઝાઝેરા રામ રામ!

*-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર*

ટિપ્પણીઓ નથી: