બુધવાર, 19 ડિસેમ્બર, 2018

Duty and God

આજનો વિચાર - 19/12/2018

*ફરજ છોડીને કથા સાંભળવા જવાય ?*

લેખક – ડૉ. શશીકાન્ત શાહ

પ્રકાશ એમ.એડ્.માં મારો વિદ્યાર્થી હતો. અત્યંત તેજસ્વી કારકીર્દી ધરાવનારા એ વિદ્યાર્થીનો ગયા સપ્તાહમાં ફોન આવ્યો. પ્રકાશ કહે છે; ‘સર, અમારા નગરમાં *ફલાણા* મહારાજ/બાપુની કથાનું આયોજન ગોઠવાયું છે. શાળામાંથી આઠ દીવસની રજા મુકીને હું કથા સાંભળવા જવાનો છું !’ એમ.એસ.સી,; એમ.એડ્.ની ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંકશન  સાથેની ડિગ્રીઓ ધરાવતો પ્રકાશ, એક શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફિઝીક્સ ભણાવે છે. બીજા માણસો નિતી અને મુલ્યોની વાતો કરે છે, જ્યારે પ્રકાશ આદર્શઘેલો યુવાન છે. જીંદગીમાં કદી ટ્યુશન ન કરવાની એણે પ્રતિજ્ઞા લીધી છે અને આશ્ચર્યજનક રીતે એ પ્રતિજ્ઞાનું ચુસ્ત રીતે પાલન કર્યું છે.

પ્રકાશની વાત સાંભળ્યા પછી મેં મારી સ્ટાઈલ પ્રમાણે શાંતિથી; છતાં મારી નારાજી ભેળવીને થોડાક પ્રશ્નો એના તરફ રવાના કર્યા : ‘શાળામાં રજા મુકીને, વિદ્યાર્થીઓનો અભ્યાસ રઝળતો છોડીને તું આખું અઠવાડીયું ‘બાપુ’ની કથા સાંભળશે ? આ હું શું સાંભળી રહ્યો છું ? આવો નિર્ણય લેતા તને શરમ ન આવી ?’ પ્રકાશે ફોન મુકી દીધો. બીજે દીવસે ફરીથી એનો ફોન આવ્યો, ‘સર, હું શાળાના દરવાજેથી આપને ફોન કરી રહ્યો છું. મેં મારી રજાઓ રદ કરાવી દીધી છે અને આજથી પુનઃ ફરજ પર હાજર થઈ જાઉં છું. મને સાચો માર્ગ બતાવવા માટે આપનો ખુબ ખુબ આભાર.’

સરકારી કર્મચારી, શાળાનો શિક્ષક કે કૉલેજનો પ્રૉફેસર પોતાની ફરજ છોડીને બાપુની કથામાં, આખ્યાનમાં, જાત્રામાં, ડાકલામાં કે અન્ય ધાર્મિક સમારંભોમાં જઈને ગોઠવાઈ જાય એ તો સમાજનો દ્રોહ છે. સેંકડો કીલોમીટર દુરથી એક ગરીબ, રાંક માણસ સરકારી કામકાજ માટે ગાંધીનગર આવે છે. ઑફીસમાં જાય છે, તો આપત્તીજનક સમાચાર સાંભળવા મળે છે : ‘સાહેબ તો બાપુની કથા સાંભળવા લાંબી રજા પર છે. હવે તો જે થાય તે દસ દીવસ પછી !’

સાહેબની ઉંમર, પ્રિય વાચકો, આપ કેટલી ધારો છો ? ચાળીસ અને પચાસની વચ્ચે હશે. બાપુની કથા સાંભળવા તેઓ નિવૃત્તી સુધી થોભી શક્યા હોત. વળી, ખુરશી પર બેસીને હરામના રુપીયા નહીં પડાવતા, લાંચરુશ્વત નહીં ખાતા મુલ્યનિષ્ઠ માણસે ફરજ છોડીને કથા સાંભળવા જવાની જરુર શી છે ? લાંચિયો અધિકારી કથા સાંભળવા જાય તેનોયે કોઈ અર્થ નથી. દુર દુરથી ભણવા આવતા વિદ્યાર્થીને રખડતા મુકીને કથા સાંભળવાથી શિક્ષકને અજવાળું મળે કે અંધારું?

જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને નિ:સ્વાર્થભાવે નિષ્ઠાપુર્વક ગ્રાહકોની, દર્દીઓની, પ્રજાજનોની સેવા કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાનું બચતું નથી. જેમણે જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો હોય એમણે, ત્યાર પછી મંદીરમાં, ચર્ચમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે એ સ્થળ તિર્થધામ છે. ફરજનિષ્ઠ કર્મચારી પોતાના સ્થાન પર બેઠો બેઠો પ્રભુસેવા જ કરે છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની લાંચ આપ્યા વગર કે માનસિક યાતના ભોગવ્યા વગર થોડીક મિનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે તેની તુલનામાં તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય. આ પ્રકારે વિના અડચણે અને વિના વીલંબે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બંને ઉંડા સંતોષની લાગણી અનુભવે છે. કામને પુજા ગણનારા માણસોને લીધે જ આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની સંખ્યા જેટલી વધારે એટલી સમાજની ગુણવત્તા પણ ઉંચી.

એક શાળાના શિક્ષક ચાર મહીનાની રજા મુકીને અમેરીકા ભાગી ગયા. તેઓ ચાર મહીના પછી પુનઃ ફરજ પર હાજર ન થયા. અમેરીકામાં બેઠાં બેઠાં તેઓ પોતાની રજા લંબાવી રહ્યા છે. પોતાના સ્થાને ફરજ પર હાજર નહીં થનારો એ શિક્ષક, રાજીનામું આપતો નથી એટલે એમની જગ્યા પર બીજા શિક્ષકની નિમણુંક થઈ શકતી નથી. આ ગુરુજી અમેરીકામાં શોપીંગ સેન્ટરમાં મજુરની જેમ કામ કરે છે અને અહીં બિચારા વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાથી વંચિત રહ્યા છે !

ફલાણા-ઢીંકણા બાપુની કથા સાંભળવા ઈચ્છતા પ્રકાશભાઈને રજા રદ કરવા માટે અભિનંદન આપીને મેં જણાવ્યું : ‘ભલા માણસ, તમારી જગ્યા પર અનુદાનિત શાળામાં આ શિક્ષણદ્રોહી સરકાર અવેજી શિક્ષકની નિમણુંક કરશે ? સાત દિવસ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેની જવાબદારી કોની ? બાપુની કથા રજાના દીવસે કે રવીવારે સાંભળવા જવાય, નિવૃત્તી પછી ત્રણસો પાંસઠ દીવસ કથા સાંભળવાનું રાખીએ.. ક્યાં કોઈને વાંધો છે ? પરંતુ કથા સાંભળવા ફરજ છોડીને દોડવાનું ? પોતાના કામકાજ માટે આવતા પ્રજાજનોએ ધક્કા ખાયા કરવાના ? જીવનમાં કામોની અગ્રીમતા જેવું કંઈ હોય કે નહીં ?’

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મેથ્સ શિખવતા એક શિક્ષીકાનો દીકરો બાર સાયન્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં બેસવાનો હતો, પતિ બૅન્કમાં મૅનેજર છે. પતિએ પત્નીને સુચના આપી, ‘સ્કુલમાંથી પંદર દીવસ રજા લઈ લે, જેથી પુત્રને શિક્ષણ આપી શકાય અને એની સગવડ સચવાય.’ શિક્ષીકાએ નમ્રતાથી જવાબ આપ્યો, ‘શાળામાં મારા સિત્તેર દીકરા-દીકરીઓ પણ આ જ પરીક્ષામાં બેસવાના છે. મારા વિષય પર તો એમની કારકીર્દીનો આધાર છે. હું પંદર દીવસ તો શું, એક કલાક માટે પણ મારા વિદ્યાર્થીઓથી દુર રહેવાનું નહીં સ્વીકારું.’ ડોક્ટર અને ઈજનેર બની ગયા પછી, કેનેડા અને અમેરીકામાં સેટલ થયા પછી અને મહીને બે-પાંચ લાખ રુપીયાનો પગાર મળતો હોવા છતાં; આ વિદ્યાર્થીઓ પોતાના ગુરુજીને જોતાં જ ચરણસ્પર્શ કરવા કેમ ઉતાવળા થાય છે તેનું કારણ અહીં છુપાયેલું છે. એક શાળાના આચાર્યની ઉંમર ચોપન વર્ષ છે. ડૉક્ટરે એન્જીયોગ્રાફી કરીને સુચના આપી, ‘તાત્કાલીક બાયપાસ સર્જરી કરાવવી પડશે, ચાર વેઈન્સ બ્લોક છે.’ ગુરુજીએ શાંત અને મક્કમ અવાજમાં કહ્યું,  ‘હમણાં શાળાને અને વિદ્યાર્થીઓને મારી જરુર છે… વેકેશન શરુ થાય ત્યાં સુધી કંઈ વીચારવાનું નથી.’ જનસેવા એ જ પ્રભુસેવા એવું સમજીને જીવતા એ ફરીશ્તાઓને આદરપુર્વક વંદન.

ભગવાને સોંપેલી ફરજ છોડીને હાલી નીકળેલા બાપુઓની કથા સાંભળવા તો શું, સ્વયમ્ ભગવાન દર્શન આપવા તૈયાર ઉભા હોય તોયે ન જવાય.

લેખક – ડૉ. શશીકાન્ત શાહ

ટિપ્પણીઓ નથી: