‘મુજે લગતા થા કી અપની કવિતા સે મેં દુનિયા જીત લુંગા, પર અબ લગતા હૈ કી તુ ગલત થા સંતોષ આનંદ.’ વ્હીલચેરમાં બેસીને કહેલા આ શબ્દો હતા સિત્તેર અને એંશીના દાયકામાં ધૂમ મચાવનાર ગીતકાર સંતોષ આનંદના. છેલ્લા કેટલાય વર્ષોથી ગુમનામ જીવન જીવી રહેલા આ ૮૧ વર્ષના મહાન ગીતકારે એક રિઆલિટી શોના સ્ટેજ પર આવીને ધ્રુજતા હાથે પોતાની લાચારી અને પરવશતાને અનાવૃત કર્યા.
ફિલ્મ-ફેર એવોર્ડ વિજેતા અને પ્રસિદ્ધિના શિખરે પહોંચીને પાછા વળેલા એક કલાકારની વર્તમાન હાલતે આપણને ઈમોશનલ કરી દીધા. એમના હાથ અને શરીરનું કંપન, આપણી અંદર રહેલા ‘અન-કરપ્ટેડ આત્મા’ને ધ્રુજાવતું ગયું. એમની સાથે આપણે પણ રડ્યા. સંતોષ આનંદ માટે રાતોરાત સોશિયલ મીડિયા પર સહાનુભૂતિનું મોજુ ફરી વળ્યું.
એનું એક માત્ર કારણ એ હતું કે નેશનલ ટેલિવિઝન પર તેમણે મનુષ્ય જીવનના અંતનું સૌથી ભયાનક, વરવું અને ડરામણું સ્વરૂપ દેખાડ્યુ. માણસ સૌથી વધારે સહાનુભૂતિ એ જ વ્યક્તિ માટે દર્શાવી શકે છે, જે વ્યક્તિમાં એને પોતાનું પ્રતિબિંબ દેખાય છે.
૮૧ વર્ષના સફળ, ખ્યાતનામ અને પ્રસિદ્ધ ગીતકારે પોતાની હાલત દ્વારા આપણને ઘડપણ અને જીવનના સૂર્યાસ્તનો અરીસો બતાવ્યો છે, અને એ અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈને આપણને આઘાત લાગ્યો છે. આપણી પાસે ન તો કલા છે, ન તો ગીત. ન શબ્દો છે, ન સંગીત. પ્રશ્ન એ છે કે વ્હીલચેરમાં બેસાડીને આપણને કોણ નેશનલ ટેલીવીઝન સુધી લઈ જશે ? પરવશતાની પીડા અને એકલતાનો આર્તનાદ સાંભળવા માટે, કોણ આપણી બાજુમાં માઈક પકડીને ઉભું રહેશે ? પાર્કિન્સન્સ ડીઝીઝ કે ડિમેન્શિયાથી પીડાતા હોઈશું ત્યારે કોને ફરિયાદ કરશું કે અબ તો દિન ભી રાત લગતા હૈ ?
વ્હીલ-ચેર પર હોવા છતાં ફક્ત વિલ-પાવરથી ટકી રહેલો એક કલાકાર બે હાથ જોડીને આપણને એટલું જ કહેવા માંગે છે કે જીવનમાં શું કમાયા એ મહત્વનું નથી, કોને કમાયા ? એ મહત્વનું છે. એક અર્થસભર સંબંધ જીવનના સૂર્યાસ્તને રમણીય બનાવી શકે છે.
વાત ફક્ત એટલી જ છે કે આ શરીર ડૂબતું હોય ત્યારે આપણા જીવનનો સન-સેટ જોવા માટે કોઈ બાજુમાં હોવું જરૂરી છે. પ્રસિદ્ધિ, સત્તા, સમૃદ્ધિ કે સંપત્તિ આપણું ડાયપર નથી બદલી શકતા. ઈમોશનલી અન-અવેલેબલ અને કેરલેસ રહેલા કેર-ટેકર્સ આપણી પથારીની બાજુમાં બેસીને મોબાઈલમાં વ્યસ્ત હશે અને આપણે ઈમ-મોબાઈલ થઈ ચુક્યા હશું.
ત્યારે આપણા મૃત્યુના વરઘોડાને ફક્ત એક જ ઘટના જીવંત બનાવી શકે છે અને એ છે કોઈ પરિચિત વ્યક્તિ સાથેનો વાર્તાલાપ. પ્રિયજનની ગેરહાજરીમાં આવેલું મૃત્યુ પણ ફિક્કુ અને અધૂરું લાગે છે. એવું લાગે કે આ વિદાય બરાબર નથી. ખાસ મૃત્યુ પામવા ફરી આવવું પડશે.
એ વાતની સાબિતી તો મળી ગઈ કે એવોર્ડ, સિદ્ધિ કે સફળતા મનુષ્યના અંતને આહલાદક નથી બનાવી શકતા. મહાપ્રસ્થાન નજીક આવે ત્યારે સ્ટેન્ડીંગ-ઓવેશન એ જ આપી શકે છે, જેઓ ભાવનાત્મક લગાવથી આપણી સાથે જોડાયેલા હોય.
ફૂટેજ, માઈક, ટી.આર.પી કે સહાનુભૂતિ આપણને નહીં મળે. આપણા અંતની વ્યવસ્થા આપણે જાતે જ કરવી પડશે. એટલીસ્ટ એક એવા સંબંધનું વાવેતર કરીને, જેને ધ્રુજતા હાથે કહી શકાય કે ઝીંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ. આપણી કહાનીના પાત્રો જો છેક સુધી આપણી આસપાસ રહે, તો એ જ ઈશ્વરની કૃપા અને આપણી સૌથી મોટી મૂડી.
-ડૉ. નિમિત્ત ઓઝા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો