*સ્ત્રીની ઘરમાં હાજરી જ સૌથી મોટું બ્લેસિંગ છે..!*
જીવનના કેલેન્ડરના પાનાં ફાટતા જાય, એમ એમ સ્ત્રીનો દેહ પણ ઘસાતો જાય છે. એક જમાનો હતો જ્યારે એ ઘરની 'ઓલરાઉન્ડર' હતી!! સવારે પાંચ વાગ્યે પથારી છોડે ત્યારથી રાત્રે સૌના સૂઈ ગયા પછી રસોડાનું છેલ્લું વાસણ સાફ કરે ત્યાં સુધી એના પગમાં જાણે "વરાળિયું એન્જિન" જોડાયેલું હતું..!
બાળકોના લંચ બોક્સ, પતિના ઇસ્ત્રી કરેલા કપડાં, મહેમાનોની સરભરા અને સામાજિક પ્રસંગોની દોડધામ.. આ બધું જ એ હસતા મુખે કરી લેતી!! પણ, હવે સમય બદલાયો છે. બાળકો હવે 'યુવાન' થઈ ગયા છે. પેલા નાનકડા પંખીઓ હવે આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યા છે, પણ આ ઉડાન તૈયાર કરવામાં જે માળું ગૂંથાયું હતું, એ માળાની મુખ્ય કારીગર - એટલે કે "માં" - હવે થાકી છે!!
જે સ્ત્રી એક સમયે દસ માણસોની રસોઈ ચપટી વગાડતા કરી દેતી, આજે એને લોટ બાંધતા પણ હાથના સાંધામાં કળતર થાય છે!! જે ડાઈનિંગ ટેબલ પર એ આખા ઘરને પીરસતી, આજે ત્યાં બેસતા પણ એની કમર 'કચકચ' અવાજ કરે છે. જે હાથોએ હજારો રોટલીઓ વણીને પરિવારના સપનાઓને આકાર આપ્યો છે, આજે એ જ હાથોની આંગળીઓના વેઢા કદાચ ધ્રૂજતા હશે..!
એ સ્ત્રી માટે રસોડું એ માત્ર 'ચાર દીવાલો' નથી, પણ એનું "અવિજેય સામ્રાજ્ય" હતું!! પણ હવે જ્યારે એ ગેસના ચૂલા પાસે ઊભી રહે છે, ત્યારે વરાળના ગરમાવા કરતાં એને પોતાના અસ્તિત્વનો થાક વધુ વર્તાય છે. આપણે સમજવું પડશે કે સ્ત્રી ક્યારેય 'નકામી' નથી થતી, એ તો માત્ર "થાકેલી" હોય છે!!
એના સ્મરણોમાં હજુ પણ એ જુવાનીની દોડધામ જીવતી હોય છે, પણ એનો દેહ હવે રજા માંગે છે..! જેમ જૂના વડલાના પાન ખરી જાય પણ એનો છાંયો ઘટાદાર જ રહે, એમ ભલે એ રસોઈ ન કરી શકે, પણ એની હાજરીની હુંફ આખા ઘરના તાપમાનને 'હૂંફાળું' રાખે છે!! એના કરચલીવાળા હાથમાં જે આશીર્વાદની તાકાત છે, એ દુનિયાના કોઈ પણ 'ફાઈવ-સ્ટાર હોટલના શેફ'ના સ્વાદમાં ક્યારેય હોતી નથી..!
આ કોઈ દયનીય સ્થિતિ નથી, આ તો "કુદરતનો હિસાબ" છે!! લોખંડને પણ કાટ લાગે, તો આ તો હાડચામનું માનવ શરીર છે..! આપણે ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્ત્રીને "દેવી" માની લીધી છે. અને 'દેવી ક્યારેય થાકે નહીં, એને ક્યારેય બીમારી ન હોય' એવો આપણો ભ્રમ છે!!
પણ યાદ રાખજો, જે સ્ત્રીએ પોતાની આખી જુવાની બીજાના પેટ ઠારવામાં અને ઘરને ચમકાવવામાં ખર્ચી નાખી છે, એને હવે 'રિટાયરમેન્ટ'નો પૂરો હક છે!! જ્યારે માં કહે કે "આજે રસોઈ બનાવવાની ઈચ્છા નથી," ત્યારે એનો અર્થ આળસ નથી, પણ એના થાકેલા સ્નાયુઓનો આર્તનાદ હોય છે..!
હવે એને દોડીને દૂધની થેલી લેવા જવાનું ન હોય, પણ હવે એને નિરાંતે હિંચકે બેસીને પોતાનું મનગમતું પુસ્તક વાંચવાનો કે સંગીત સાંભળવાનો હક્ક મળવો જોઈએ!! આપણે ત્યાં સ્ત્રીને હંમેશા 'ત્યાગની મૂર્તિ' કહીને એની પાસે અપેક્ષાઓના પહાડ ખડકી દેવામાં આવે છે. પણ સાહેબ, મૂર્તિને પણ સમયાંતરે 'અભિષેક' અને સંભાળની જરૂર હોય છે..!
જે માંએ તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે એને ચાલવામાં ટેકાની જરૂર હોય ત્યારે 'જનરેશન ગેપ'ના બહાના હેઠળ એને એકલી ન પાડી દેવાય!! યુવાન સંતાનોએ એ સમજવાની જરૂર છે કે મમ્મીના ઘૂંટણનો દુખાવો એ માત્ર 'મેડિકલ રિપોર્ટ'નો આંકડો નથી, પણ એણે આખી જિંદગી તમારી પાછળ કરેલી દોડધામનું "ઈન્વોઈસ" છે!!
હવે એની પાસે રસોઈની જ જીદ રાખવાને બદલે, એની પાસે બેસીને એના જમાનાની વાતો સાંભળવાનો સમય છે..! એને હવે "પીરસાવવાની" જરૂર નથી, એને હવે પ્રેમથી આપણે 'પીરસવાની' જરૂર છે!! જીવનના આ ઢળતા સૂરજે જો સંતાનોનો સાથ મળે, તો એ સંધ્યા પણ કોઈ નવી સવાર કરતાં ઓછી મનમોહક નથી હોતી..!
યુવાન થયેલા બાળકોએ હવે એ સ્વીકારવું પડશે કે મમ્મી હવે "સુપરવુમન"ના કોસ્ચ્યુમમાંથી બહાર આવી ગઈ છે!! હવે એને તમારી સેવાની નહીં, પણ તમારી 'સમજદારી'ની વધુ જરૂર છે. જે ઘરના ઉંબરા એણે આખી જિંદગી સાચવ્યા છે, એ ઉંબરે હવે એને હારવાની જરૂર નથી..!
સ્ત્રી જ્યારે વૃદ્ધ થાય અને બાળકો યુવાન થાય, ત્યારે ઘરની લગામ ભલે બદલાય, પણ ઘરનો 'પ્રેમ' અને 'આદર' અકબંધ રહેવા જોઈએ!! એ રસોઈ નથી બનાવી શકતી? કોઈ વાંધો નહીં, બહારથી મંગાવી લો અથવા તમે પોતે બનાવી લો. પણ એના ચહેરા પરનું 'સ્મિત' કોઈ સંજોગોમાં કરમાવવું ન જોઈએ..!
કારણ કે, ઘર માત્ર દીવાલોથી નથી બનતું, એ તો તે સ્ત્રીની હાજરીની સુગંધથી બને છે!! ભલે એ રસોઈ ન કરે, પણ એનું ઘરમાં માત્ર હોવું એ જ પરિવાર માટે સૌથી મોટું "બ્લેસિંગ" છે. – અજ્ઞાત "જો આ આર્ટિકલ તમને સ્પર્શી ગયું હોય તો આને આગળ શેર જરૂર કરશો!!"🪶હરેકૃષ્ણ ..
વોટ્સએપ: 7878222218
From Blogger iPhone client