મંગળવાર, 20 ઑક્ટોબર, 2020

Care of senior citizens during corona

*કોરોના : સિનિયર સિટીઝન્સને કેવી રીતે કરશો સુરક્ષિત?*

( Live Q and A : every wednesday at 9:30 pm on
m.facebook.com/poojanhosp )

સિનિયર સીટીઝન્સ ઉપરાંત બીજા હાઇ રિસ્ક ગણાતા પરિવારના સભ્યોને પણ આપણે પૂરી મહેનતથી સુરક્ષા આપવાની કોશિશ કરવી જોઇએ.

શું થઇ શકે આ માટે ?

 *હું પોલીસમાં કામ કરું છું. હૂં તો ડયૂટી પર હોઉં. મારો પાંચ વરસનો બાબો આખો દિવસ દાદી- દાદા પાસે રહે છે. કાલથી મારા બાબાને શરદી-તાવ જેવું છે. તો શું કરવું ? દાદા-દાદી આજે એને દવાખાને લઇ જવાના છે.*

- કોરોનાકાળમાં પોલીસ ની  ખૂબ કપરી
અને જોખમી ડ્યુટી  છે. ગમે તેટલી તકેદારી કરવા છતાં
પોલીસ કર્મચારી રોજ ક્યાંક ને ક્યાંક જોખમમાં
મુકાતા હોય છે.

- તમારા કેસમાં એવું બની શકે કે તમને કોરોના
લાગે અને તમને લક્ષણ ન આવે. તમારાં બાળકને
કોરોના લાગે અને તેને સામાન્ય લક્ષણો આવે. અહીં
મુદ્દાની વાત એ નથી કે કેમ તમારી અને તમારાં
બાળકની યોગ્ય સારવાર થાય. એ તો કરવાની જ છે

*પણ  મુદ્દાની વાત એ છે કે કેવી રીતે બાળકનાં દાદી-દાદાને આ ચેપથી બચાવી શકાય.*

- _સૌથી પહેલાં તો આ વાત ખાસ ધ્યાને રાખો: કોઇપણ બીમાર બાળકને દાદી-દાદા સાથે રહેવા ન દો._

 તેને તેનાં મમ્મી સાથે લઇ લ્યો. 
બીમાર બાળક
માટે આટલી વ્યવસ્થા કરો : 
(૧) તેનો રૂમ અલગ
(માતા / પિતા સાથે) 
(૨) તેની જમવાની વ્યવસ્થા
અલગ 
(૩) તેનું  બાથરૂમ અલગ.

- બાળક બીમાર હોય ત્યારે દાદી-દાદાએ તેને
સાચવવાનો કે દવાખાને લઇ જવાનો આગ્રહ રાખવો
નહીં. બાળક તેમના સાથે રહેશે તો તેમને ચેપ થવાની
પૂરી શક્યતા. દવાખાને લઇ જવાનું કામ તો કરાય
જ નહીં. કેમકે બાળકને ભલે કદાચ કોરોના ન હોય, 
પણ દવાખાનામાં બતાવવા આવેલા બીજા ક્યા
દર્દીને કોરોના હશે તે ન કહી શકાય. તો આવું જોખમ શા માટે લેવું ?

*અમારી પારિવારિક કરિયાણાની દુકાન છે.મારા ૬૭ વર્ષના પિતા બધી રીતે સ્વસ્થ છે અને વરસોથી દુકાને કામ કરવાનો તેમનો નિયમ છે. અત્યારે પણ તેઓ દુકાને આવે છે અને ગ્રાહકોને સેવા આપે છે. શું આમ કરવું યોગ્ય છે ?*

- બિલકુલ નહીં. તમારા પિતાજીએ અત્યારે
વેકેશન લેવું જોઇએ. કોઇપણ એવી જગ્યા જ્યાં રોજ ઘણા બધા લોકો સાથે સીધા સંપર્કમાં આવવાનું થતું હોય તેવી દરેક જગ્યા સિનિયર સિટીઝને ટાળવી
જોઇએ. એ પછી કરિયાણા-રસકસની, નાસ્તા કે પછી
સાડી-કપડાં-રેડિમેડની દુકાન હોય.

*હું ૭૦ વર્ષનો છું. રોજ હમીરસર સુધી ચાલવાની ટેવ. લોકડાઉનમાં ખૂબ કંટાળી ગયો હતો. લોકડાઉન ખુલ્યું એટલે ફરી પાછા મિત્રો સાથે ચાલવાનું શરૂ કરી દીધું છે. થોડીવાર ત્યાં બેસીને ટોળટપ્પા પણ મારીએ અને કોઇ મિત્ર કંઇ નાસ્તો- ચા લાવ્યા હોય તો એ પણ કરીએ. આમાં તો કોઇ વાંધો નથી ને ?*

- _જે પરિવારમાં સિનિયર સિટીઝન્સ હોય તેમણે  એ વાત બરાબર સમજવાની છે કે કોરોનાથી બચાવવા માટે તેમણે વડીલોને ઘરમાં પૂરી રાખવાની કોઇ જરૂર નથી_. જરૂર છે યોગ્ય સાવધાની સાથે
તેમની દિનચર્યા ગોઠવવાની.

- સિનિયર સિટીઝન્સ ધરની બહાર નીકળે અને
ચાલવા જાય તે તેમના માનસિક અને શારીરિક એમ
બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, પણ  પહેલાંની
માફક હવે આ કામ ન થઇ શકે.

- *સિનિયર સિટીઝન્સ ચાલવા નીકળે તો તેમણે  આટલી કાળજી ખાસ રાખવી :*

(૧) ઘરની બહાર
માસ્ક વગર નીકળવું તહીં 

(૨) ચાલવા જતી વખતે
જો એકલા  જ જઇ શકો તો વધુ સારું (કુટુંબી સાથે જઇ
શકાય, પણ મિત્રો સાથે જવાનું ટાળવુ.) 

(૩) મિત્રો સાથે ચાલવા જાવ તો ભેગા ન ચાલવુ, એકબીજાથી
સામાજિક અંતર રાખીને ચાલવું 

(૪) ટોળ ટપ્પા મારવા માટે સાથે બેસવાનું થાય તો છેટા છેટા બેસવું,
ખુલ્લામાં બેસવું, કોઇના ધેર કે બંધ રૂમમાં ભેગા થવું નહીં 

(૫) વાત કરતી વખતે માસ્ક કાઢીને વાત ન કરવી. યાદ રાખો કે બોલતી વખતે જે જંતુ નીકળે છે
તેમને રોકવા માટે જ તો માસ્ક પહેરવાનો છે 

(૬) કોઇએ પણ આપેલી ખાવાની વસ્તુ લેવી ટાળવી.
(બધા મિત્રો પોતપોતાનો નાસ્તો-ચા લઇ શકે છે)

(૭) નક્કી સમયે ઘેરથી નીકળવું અને નક્કી સમયે પાછા પહોંચી જવું 

(૮) મોબાઇલ સાથે રાખવો પણ 
શેર કરવો નહીં.

 *અમે પતિ-પત્ની બંને હેલ્થ  કેર સ્ટાફ છીએ અને હોસ્પિટલમાં કામ કરીએ છીએ. અમને એમ લાગે છે કે આજે નહીં તો કાલે અમને કોરોનાનો ચેપ લાગશે. મારાં મોટી ઉંમરનાં માતા-પિતા પણ અમારી સાધે રહે છે. તો અમારો ચેપ તેમને ન લાગે એ માટે આગોતરાં શું પગલાં લઇ શકાય ?*

- જે કુટુંબમાં કોઇ પણ વ્યક્તિ હેલ્થ કેર સ્ટાફ હોય, પોલીસમાં હોય, બેંકમાં હોય અથવા તો એવી
કોઇ પણ જગ્યાએ હોય જ્યાં ઘણા બધા લોકોના
સંપર્કમાં આવવાનું થતું હોય તેવા કુટુંબના સિનિયર.
સિટીઝનને સુરક્ષિત કરવા માટે પહેલાંથી જ
સાવચેતીનાં પગલાં લઇ લેવાં જોઇએ.

મોટાભાગનાં ઘરોમાં સિનિયર સિટીઝન્સ માટે
અલગ રૂમ હોય છે. જો.ન હોય તો તેવી વ્યવસ્થા
કરવી. એ જ રૂમમાં એટેચ બાથરૂમ હોય તો વધુ સારું.

-ઘણા હેલ્થ કેર સ્ટાફ અને ડોક્ટર્સએ ઘરમાં પણા
સિનિયર સિટીઝનની હાજરીમાં માસ્ક પહેરવાનું ચાલુ
કરી દીધું છે. જો તેમ કરવું ન ફાવે તો તેમની સાથે
વાત કરતી વખતે ૬ ફૂટથી વધુ અંતર રાખીને વાત
કરવાનું રાખો.

- ઘણા કુટુંબમાં બધા જ સભ્યો સાથે જમવા
બેસતા હોય છે. હમણા  પૂરતું આ ટાળવું જોઇએ.
સિનિયર સિટીઝન્સ જમી લે એ પછી બીજા બધા જમે
એ વધુ યોગ્ય છે. જો આવું કરવું શક્ય ન હોય તો
અલગ અલગ જગ્યાએ જમવા બેસી શકાય. દાખલા
તરીકે સિનિયર સિટીઝન્સ ડાયનિંગ ટેબલ પર બેસે
અને બીજા બધા ડ્રોઇંગરૂમમાં બેસી શકે.

- જો સિનિયર સિટીઝન્સ માટે અલગ બાથરૂમ ન
હોય તો તમારા અને તેમના બાથરૂમ વાપરવા વચ્ચે
૧૦-૧૫ મિનિટનો ગાળો રહે તે જરૂરી છે. નળ અને
ફ્લશ બટન પર સેનિટાઇઝર સ્પ્રે કરી શકાય.

- ઘરમાં જો કોઇ કામવાળા આવતા હોય તો તેવે
વખતે સિનિયર સિટીઝન્સે કામવાળાના સીધા
સંપર્કમાં આવવાનું ઢાળવું, કામવાળાને માસ્ક
પહેરાવવો. તેમની સાથે વાતો કરવી નહીં. બને ત્યાં
સુધી જે રૂમમાં કામ ચાલુ હોય તે રૂમ છોડીને બીજા
રૂમમાં બેસવું.

- ઘરમાં પ્રવેશતી ઘરની કે બહારની કોઇપણ
વ્યક્તિએ સૌ પ્રથમ સાબુથી હાથ ધોવા. એ યાદ
રાખો કે *સૈનિટાઇઝર કરતાં સાબુ અનેક ગણો વધુ અસરકારક છે.* આવું કરવાથી ભૂલેચૂકે પણ કોઇ
વસ્તુને અડકી જવાશે તો પણ તે વસ્તુના સંપર્કમાં
આવવાથી સિનિયર સિટીઝન્સને ચેપ લાગવાનું
જોખમ રહેશે નહીં.

- ભેગા મળીને, બીજા કુટુંબીઓને બોલાવીને
બર્થ-ડે કે એવી કોઇ પણ પાર્ટી કરવી નહીં.

- મુદલ કરતાં વ્યાજ ભલે ગમે તેટલું વહાલું હોય
તો પણ  દાદી-દાદાએ પોતરા-દોહિત્રાને રમાડવાનો ,
સાચવવાનો અને ખાસ કરીને બાળકોની બીમારીમાં
તેમની સંભાળ કરવાનો આગ્રહ રાખવો નહીં.

*મારા પિતા વરસોથી શાક લાવે છે. લોકડાઉન વખતે ઘોડું ઓછું થયું હતું, પણ હવે ફરી પાછા બજાર જવા લાગ્યા  છે. તેમની ઉંમર ૭૩ વરસની છે. શું આમ  કરવું યોગ્ય છે?*

- બિલકુલ યોગ્ય નથી. મુંબઇના આંકડા બોલે  છે કે બધાં મોતમાંથી ૮૫ ટકા મોત ૫૦ વરસથી
ઉપરના લોકોમાં જોવા મળ્યાં છે. _*તમારા પિતાને તમે એ વાત બરાબર સમજાવો કે તેમને ધરની બહાર જવાની મનાઇ નથી, પણ શાકબજાર જેવી ભીડવાળી જગ્યાએ જવાની મનાઇ છે. તેઓ ચાહે તો ચાલવા અને અમસ્તો આંટો મારવા જરૂર બહાર જઇ શકે છે પણ બજારમાં જવું હિતાવહ નથી.*_


*ટેક-કેર* : કોરોનાં ઘટી રહ્યો છે તેવાં પડધમ
વાગી રહ્યાં છે, પણ  એ વાત લખી રાખજો કે કોરોનાં
આપણી  સાથે વન-ડે નહીં, પણ  ટેસ્ટમેચ રમવા
આવ્યો છે? માટે કોરોના ઘટતો લાગતો હોય તો 
પણ  તકેદારી લેવાનું ચાલુ રાખજો અને ખાસ તો 
હાઇ રિસ્ક (ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હૃદયરોગ, કેન્સર, લિવર કિડનીના દર્દી તેમજ પ્રેગ્નન્ટ લેડી અને સિનિયર સિટીઝન્સની સુરક્ષામાં કચાશ રાખશો નહીં.

 Dr Nehal vaidya
Pediatrician

ટિપ્પણીઓ નથી: