ગુરુવાર, 2 જુલાઈ, 2020

Doctor patient relationship

તમારે કોઈ વેપારી કે સર્વિસ પ્રોવાઇડર ના વર્તન પ્રત્યે તમને તકલીફ હોય કે અણગમો હોય તો તેની સાથે મારામારી કરો છો કે પછી તેની સાથે ડીલ  કરવાનું મુલત્વી રાખી બીજો વિકલ્પ શોધો છો?

ડોક્ટર સારવાર આપે એ હમેશા 100% સારુ પરિણામ મળશે એ શક્ય નથી હોતું.  દર્દીઓ અને સગાઓ અપમાનજનક આપત્તીજનક વર્તન કરે ત્યારે મગજ શાંત રાખી વર્તન કરવું એ જરૂરી છે અઘરું પણ ને તેની પણ એક લિમિટ હોય છે.  વારંવાર મગજ ના તાર ખેંચાઈ જતા હોય ત્યારે ને પોતાનું આત્મસન્માન જળવાઈ નહીં તેવી ભાષા માં દર્દી કે એમના સગાઓ વર્તન કરતા હોય ત્યારે ડોક્ટર ની સલૂકાઇ ને ઘણા એની સ્વભાવગત નબળાઈ ગણી વધુ પોરસોઈ વધુ આક્રમક થતા હોય છે.  આવી નબળી પળે જો ડોક્ટર પોતાની પર નો કાબુ ગુમાવી બેસે અને ગુસ્સે થઇ  કઇ બોલે એટલે પૂરું..... જે તે વ્યક્તિ ના ધર્મ ને સમુદાય ના લોકો ના ટોળેટોળા હોસ્પીટલ આવી ચડે અને તોડફોડ મારામારી ગાળાગાળી પર ઉતરી આવે. 

આવા સમયે ઘણા વર્ષો થી તમે જેને સારવાર આપી હોય જેને કટોકટી ના સમયે ઉગાર્યા હોય એવા કેટલાય ચહેરાઓ પણ તમારી વિરુદ્ધ આવી ઉભા હોય કારણકે તેઓ જે તે સમુદાય ના ભાગ હોય !!! તમે કરેલું બધું જ એક મિનિટ માં એળે અને સમાજ ના દુશ્મન તરીકે તમારી સાથે વ્યવહાર કરે

આવા સમયે કોઈ રાજકીય નેતાઓ કોઈ અધિકારી ડોક્ટર નો ફોન નહીં ઉપાડે અને ઉપાડે તો ઠાલા આશ્વાસનો આપી ફોન મૂકી દે.... એક ડોક્ટર ને એના નાના સમુદાય ખાતર કોણ એક બહોળા સમુદાય ની મોટી વોટબેન્ક ને નારાજ કરે? 

જે અધિકારીઓ ને ડોકટરે પોતાના ક્લિનિક પર અગ્રતા આપી હોય સારવાર માં એજ અધિકારીઓ અધિકાર અને હોદ્દા ની રૂએ જાણે તમને ઓળખતા જ ન હોય એવુ વર્તન પણ કરે અને તેની નીચેના હવાલદારો તમને અને તમારા સહ વ્યવસાયી તબીબો ને પોલીસ સ્ટેશન માંથી બહાર નીકળવા મોટા અવાજે હુકમ પણ બજાવે અને લાઠીઓ પણ દેખાડે.......

કોઈ એક વકીલ કે અન્ય વ્યવસાઈ સાથે જો આ ઘટના બની હોય તો સંગઠન ના લોકો ભેગા થઈ જે તે અધિકારી અને રાજકારણીઓ ને યોગ્ય વ્યવહાર તપાસ અને પગલાંઓ ની ફરજ પાડે પાર કરે જયારે આ સોફ્ટ ટાર્ગેટ તબીબી સમુદાય તો ગાંધી ચિંધ્યા માર્ગે હિંસા અન્યાય અપમાન ને તિરસ્કાર ના ઘૂંટડા ગળ્યા કરે....

ભાઈ તમને કોઈ ડોક્ટર તેની સારવાર તમને પસંદ નથી તેનો વહેવાર કે વર્તન પસંદ નથી તો ગ્રાહક સુરક્ષા માં જાવ અથવા બીજા તબીબ પાસે જાવ. તમને ધમાલ હુમલાઓ ને બબાલ કરવાનો કોઈ અધિકાર નથી

કોઈ પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટર નું ક્લિનિક કે હોસ્પીટલ એ જાહેર મિલ્કત નથી પણ એની માલિકી ની અંગત જગ્યા છે.  ત્યાં પ્રજા ના ટેક્સ ના પૈસે મફત સારવાર નથી થતી કોઈ દર્દી ને તરત તપાસ કરવી કે ન કરવી,  ઇમરજન્સી છે કે નથી,  સારવાર આપવી કે ન આપવી,  ચાર્જ લેવો કે ન લેવો,  એનો હક ડોક્ટર ને છે.  તમારે ઉતાવળ હોય કે વેઇટિંગ માં બેસવા ની ઈચ્છા ન હોય કે તમે જાત ને વીઆઈપી સમજતા હો તો એ તમારો પ્રશ્ન છે.... કોઈ સીએ  મેનેજર કે વકીલ પણ આવી રીતે કોઈ ની મરજી હોઈ એટલે મનફાવે તેને મળવા અંદર ઘુસી આવે એ શક્ય નથી હોતું.  ઇમરજન્સી 10% કિસ્સાઓ માં હોય છે બાકી ના 90% માઁ અહમ ઘમંડ વીઆઈપી સિન્ડ્રોમ અને માથાભારે તત્વ ની કનડગત હોય છે

અમે અમારી આવડત થી તબીબ બન્યા છીએ કોઈની ખેરાત થી નહીં અમારી હોસ્પીટ્લ અને ક્લિનિક ને કોઈ સરકારી કે ધાર્મિક સંગઠનો કે જ્ઞાતિ વાડા ઓ ની મદદ કે ખેરાત મળતી નથી કે એની ક્યારેય અપેક્ષા પણ કોઈ તબીબે રાખી નથી

એક વાત સમજી લો તબીબો ને દર્દીઓ મળી જ રહેવાના તારી જેવા ગામ માં સત્તર છે એવુ તબીબ ને કહેનાર એટલું સમજે કે તેની જેવા 50 તો બહાર વારો આવે એની રાહ માં બેઠેલા છે......

સન્માન કે માન ની અપેક્ષા નથી માણસ સમજી અપમાન ને હુમલાઓ ના કરો તો ઘણું.  દીવાઓ સળગાવો કે થાળી ઓ ટીપો એનો કોઈ મતલબ નથી ડોકટરો ને ટીપવાનું અને એના જીવ બાળવાનું બન્ધ કરો તો ઘણું

ડૉ. પ્રદીપ જોશી

ટિપ્પણીઓ નથી: