*અછંદસ્ય કાવ્ય*
તમે કેમ છો? હું મજામાં છું,
હા, થોડીઘણી તકલીફ છે પણ
બાકી મારે બધું ઠીકઠાક છે..
દરવાજાની ઘંટડી મારી રીસાણી છે,
કોઈ એને અડતું નથી, રણકાવતું નથી, એટલે અસ્પૃશ્યતાની લાગણી અનુભવે છે.
એને સારું લગાડવા હું જ બહાર જઈ એને રણકાવી આવું છું
એને ને મને બન્ને ને સારું લાગે છે,
તમારી ઘંટડી કેમ છે?
બાકી મારે બધું ઠીકઠાક છે..
રસોઈઘર જરા અકળાયું લાગે છે
સવારસાંજ ચૂલો સળગે છે,
એટલે ગરમ થઈ ગયું છે
સારું લગાડવા અમે ક્યારેક દહીં-ખાખરો ખાઈ લઈએ છીએ,
એને ને મને, બન્નેને શાંતિ લાગે છે..
તમારું રસોઈઘર કેમ છે?
બાકી મારે બધું ઠીકઠાક છે..
ઝાડુ તો રોજ વળાય છે પણ
ખૂણે રહી ગયેલો કચરો અકળાય છે
એને તરછોડ્યા ની લાગણી અનુભવાય છે..
તમારે ત્યાં એવું નથી ને?
બાકી મારે બધું ઠીકઠાક છે..
કોયલ-કાગડા-કબૂતર લાગે છે થોડા જાડા થયા છે
બધા ઘરે ચણ ખાઈખાઈને કંટાળ્યા છે,
હવે દેખાતા નથી, dieting કરતા લાગે છે,
તમારે ત્યાં દેખાય છે?
બાકી મારે બધું ઠીકઠાક છે..
કબાટના કપડા ગુસ્સે ભરાયા છે
કેટલા શોખથી વસાવ્યા, હવે સામું જોતા ય નથી! એવા મહેણા મારે છે
બહાર નહી કાઢો તો અંદર જ સડી જઈશું, એવી ધમકી આપે છે
તમારા કપડા બરાબર છે ને?
બાકી મારે બધું ઠીકઠાક છે..
રસ્તા પર હવે લોકો દેખાય છે
બુકાની બાંધેલા બહારવટિયા લાગે છે
એકમેક ને મળતા ગભરાય છે
અમે તો ઘરમાં જ છીએ, તમે બહાર નીકળી બહારવટિયા બન્યા છો?
બાકી મારે બધું ઠીકઠાક છે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો