*એક જુનું ગોદડું*
તમારાં લક્ષરીયસ આવાસનાં “સ્ટોરેજ” માં
એક જૂનું ગોદડું ગડી વાળીને રાખી મુકજો.
જેમાં તમારી માતાએ , તમારા સ્વજનોનાં જુના કપડાં
કાપી, ગોઠવી ને, તમારી પતંગની દોરની રઝળતી લચ્છીના દોરા વડે,
કામગરા હાથથી એનાં ટેભાં લીધા હશે.
એની ખોળ સીવી હશે પોતાના જુના સુતરાઉ સાડલાંમાંથી,
જેનો પાલવને ગોદડું શોભે એમ ગોઠવ્યો હશે.
એ પાલવ ,
જે તમારા ઇષ્ટ માટે ઇષ્ટદેવ સામે પથરાયો હશે.
એ પાલવ,
જેની નીચે સંતાડીને માતાએ તમને અમૃત પાયું હશે,
ને પછી એ જ પાલવ વડે દુધિયા હોઠ લૂછી આપ્યા હશે.
એ પાલવ,
જેના છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે.
એ પાલવ નીચે
પિતાના રોષથી બચવા તમને શરણ મળ્યું હશે.
એ પાલવે
તમે પડી આખડી ને આવ્યા હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત
આંસુ લૂછયાં હશે ને પછી છાનામાના પોતાની આંખમાં
આવેલ પાણી પણ લૂછી લીધું હશે.
ઈમ્પોર્ટડ બ્લેન્કેટમાં જ્યારે અનિંદ્રા સતાવે ત્યારે,
એ પાલવવાળા ભાગને તમે છાતી નજીક રાખી
એ ગોદડું ઓઢી જજો.
તમને ઊંઘ આવી જશે:
બાળક જેવી.
❤👶🏻❤
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો