હવે હું એ ઉંમરે પહોંચી ગયો છું જ્યાં તબિયત સાચવવી એ કોઈ ખતરનાક સ્ટંટ કરવા જેવું કામ થઈ ગયું છે.
જો જરાક ગળ્યું ખાઉં તો સુગર વધી જાય. જો ખારું ખાઉં તો બીપી વધી જાય. અને જો મેડિકલ સ્ટોરનું બિલ જોઉં, તો બંને એકસાથે વધી જાય!
પાણી પીઉં તો દર પાંચ મિનિટે બાથરૂમના ધક્કા ખાવા પડે, ને ના પીઉં તો શરીરમાં પાણી ખૂટી જાય. હું તો વિચારું છું કે બાથરૂમમાં જ ટીવી લગાવી દઉં અને એને જ મારો ડ્રોઈંગ રૂમ જાહેર કરી દઉં.
ખાઉં તો વજન વધે છે, ના ખાઉં તો અશક્તિ આવે છે. જો ખાલી કાકડી-ટામેટાંનું સલાડ ખાઉં તો જીવ બળે છે, અને જીવ બળે એટલે પાછું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે.
ડોક્ટરે મને કીધું કે તમારા શરીરનું સાંભળો. મેં સાંભળ્યું, તો આખો દિવસ નરી ફરિયાદો જ કરે છે. જાણે આપણી સોસાયટીની મીટિંગ ચાલતી હોય એવું જ લાગે છે.
જો કસરત કરું તો બીજે દિવસે બેસવા માટે કોઈનો ટેકો લેવો પડે. જો કસરત ના કરું તો ઊભા થવા માટે ટેકો જોઈએ. જિમના પૈસા તો હું ખાલી એ નક્કી કરવા ભરું છું કે મારે કઈ રીતે હેરાન થવું છે.
જિમનું છોડીને મેં પાછું યોગા કરવાનું શરૂ કર્યું. પણ પદ્માસન વાળું તો પગ એવા લોક થઈ જાય છે કે એને છૂટા પાડવા ઘરના બે સભ્યોને બોલાવવા પડે છે. કપાલભાતિ કરું તો પેટ અંદર જવાની બદલે આંખના ડોળા બહાર આવી જાય છે અને કમરમાંથી ટચાકા બોલે છે. હવે તો મને એક જ આસન બરાબર ફાવે છે, અને એ છે શવાસન! એમાંય જો દસ મિનિટ વધારે પડી રહું, તો ઘરના ગભરાઈને નાક પાસે આંગળી રાખીને ચેક કરી જાય છે કે આ ચાલુ છે કે પૂરા થઈ ગયા!
વધારે ઊંઘી જાઉં તો કમર પકડાઈ જાય. ઓછું ઊંઘું તો આખો દિવસ ભૂત જેવો ફરું. અને જો રાત્રે ભૂલથી વાંકુંચૂકું સૂવાઈ ગયું, તો ત્રણ દિવસ સુધી ડોકું ડાબી બાજુ જ રહી જાય.
હા, એ વાત પરથી ખબર પડી કે સૂતા-સૂતા પણ ઈજા થઈ શકે છે હોં! પહેલાના જમાનામાં દુખાવો થવા માટે ક્યાંક વાગવું પડતું ને વાગવા માટે સાયકલ પરથી પડવું પડતું, હવે ખાલી ઓશિકું ખોટું લેવાઈ જાય તોય પતી ગયું.
ચા પીઉં તો રાત્રે ઊંઘ નથી આવતી, ને ના પીઉં તો મગજ ચાલતું નથી. મારું શરીર પેલી જૂની ખટારા ગાડી જેવું થઈ ગયું છે. ચાલુ થતા જ કલાક લાગે, અને એકવાર ચાલુ થાય પછી એમાં ક્યાંથી ખટખટ અવાજ આવે છે એ જ ખબર ના પડે.
સવારે હવે હું જાગતો નથી, રીતસરનો પુનર્જન્મ લઉં છું. પહેલા આંખો ખોલું, પછી ચેક કરું કે શરીરના કયા કયા સ્પેરપાર્ટ્સ મારી સાથે ચાલુ હાલતમાં છે. પથારીની ધારે બેસીને રાહ જોવી પડે કે મારા બેય ઢીંચણ મારા શરીરને ક્યારે ઊભા કરી શકે.
કોઈકે સલાહ આપી કે હવે થોડા આધ્યાત્મિક થાઓ, ધ્યાન ધરો અને મોહ-માયા છોડો. હું આંખ બંધ કરીને મન શાંત કરવા બેસું, તો વીસ વર્ષ પહેલાં કોણે મારા સો રૂપિયા બાકી રાખ્યા હતા એ બધું જ ત્યારે યાદ આવે! કુંડલિની જાગૃત કરવા ગયો એમાં સાયેટિકાની નસ જાગૃત થઈ ગઈ. જ્ઞાની લોકો કહે છે કે આ જગત મિથ્યા છે, બધું ભ્રમ છે. વાત સાચી હશે, પણ આ ગોઠણનો દુખાવો સો ટકા સાચો છે, એમાં જરાય માયા કે ભ્રમ નથી!
ભગવાન સાથેની મારી વાતચીત પણ હવે સાવ બદલાઈ ગઈ છે. પહેલાં તો હું લાંબુ લિસ્ટ લઈને માંગવા બેસતો, હવે ખાલી એટલી જ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, રાત્રે ત્રણ વાગ્યે ઊંઘમાંથી બાથરૂમ જવા ના ઊઠવું પડે એટલી દયા કરજે! મંદિરમાં પગે લાગવા નીચે નમું, ત્યારે ભગવાન પોતે ટેન્શનમાં આવી જાય છે કે આ ભાઈ જાતે ઊભા થઈ શકશે કે મારે હાથ આપવા નીચે ઉતરવું પડશે? મેં તો ઉપરવાળાને પણ કહી રાખ્યું છે કે તારે મને જ્યારે ઉપર બોલાવવો હોય ત્યારે બોલાવજે, બસ ત્યાં લિફ્ટની સગવડ રાખજે, મારાથી દાદરા નહીં ચડાય!
અને મારી યાદશક્તિ? એ તો એકદમ જોરદાર છે! બસ, મેં એને છેલ્લે ક્યાં મૂકી દીધી છે એ જ યાદ નથી આવતું.
પરમદિવસે જ હું એક રૂમમાં ગયો અને ભૂલી ગયો કે શેના માટે આવ્યો હતો. એ યાદ કરવા પાછો વળ્યો તો એ ભૂલી ગયો કે ક્યાંથી આવ્યો હતો. પછી થયું કે હવે ઊભો થયો જ છું તો લાવને બાથરૂમ જતો આવું!
પણ ભાઈ, જિંદગીને થોડી હળવાશથી લેવી પડે. આમ એકલા-એકલા રહેવું અને કોઈની સાથે વાત ના કરવી એ કંઈ સારી વાત નથી.
હમણાં ચા પીતાં-પીતાં મેં માઈક્રોવેવ અને ટોસ્ટરને આ વાત કરી. બંને મારી વાતમાં સહમત થયા. ટોસ્ટર તો બિચારું એટલું ભાવુક થઈ ગયું કે બ્રેડને સીધી બહાર જ ઉછાળી દીધી!
વોશિંગ મશીન સાથે મેં હવે બોલવાનું બંધ કરી દીધું છે. એ દરેક વાતને મરોડી નાખે છે અને પછી એકના એક મુદ્દા પર ગોળ-ગોળ ફર્યા કરે છે.
ફ્રિજનો સ્વભાવ થોડો ઠંડો છે, પણ એટલું સ્વીકારવું પડે કે આખા ઘરમાં મને જોઈને ખાલી એના જ દિલમાં લાઈટ થાય છે.
ઈસ્ત્રીનું મગજ તો હંમેશાં તપેલું જ હોય છે, અને ઓવનનું પણ એવું જ. અને પેલું વેક્યુમ ક્લીનર તો જાણે મારી બચેલી-કુચેલી શક્તિ ચૂસવા જ બહાર આવે છે.
મારો સૌથી પાક્કો ભાઈબંધ હવે આપણો સોફો છે. કોઈ સવાલ પૂછ્યા વગર મને પ્રેમથી સમાવી લે છે. વાંધો ખાલી એટલો જ છે કે એકવાર બેઠા પછી મને છોડતો નથી ને પાછો ઊભો થવા દેતો નથી.
એટલે કહું છું, જ્યાં સુધી જોક યાદ રહે છે ત્યાં સુધી હસી લો, બાપુ!
જિંદગીના તબક્કાઓને સમજવા માટે મેં સાવ સીધો હિસાબ રાખ્યો છે:
50 સુધી આપણે પ્લાનિંગ કરીએ.
50 પછી આપણે બોડી ચેકઅપ કરાવીએ.
70 પછી આપણે ભાઈબંધો સાથે બેસીને કોના રિપોર્ટમાં શું આવ્યું એ સરખાવીએ.
અને 90 પછી? પછી તમતમારે આખો થાળ ભરીને મોહનથાળ કે આખી કેક ખાઈ જવાની! જેને વાંધો હોય અને ટોકવું હોય, એ પહેલા 90 સુધી પહોંચીને તો બતાવે!
ચાલો ત્યારે, હવે હું આ વાત પૂરી કરું કારણ કે હું કંઈક કામ કરવા માટે ઊભો થયો હતો.
જો તમારામાંથી કોઈને ખબર હોય ને વાંચતાં વાંચતાં યાદ રહ્યું હોય કે હું શેના માટે ઊભો થયો હતો, તો જરાક મને મેસેજ કરજો પાછા! 🙂
૧૯૫૦ થી ૧૯૬૫
સુધી ના વર્ષ માં જન્મેલા ની આત્મકથા
From Blogger iPhone client
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો