સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો
વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે
ઈસવિસન પૂર્વ ૩૨૦૨
એકવાર કૃષ્ણ (૨૭), બલરામ (૨૮) અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાના મહાવીર યોદ્ધા હતા)
જંગલમાં ફરવા માટે ગયા.
સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા.
શ્રી કૃષ્ણએ કહ્યું, “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”
પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો.
એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો.
સાત્યકિ એ એની સાથે લડાઈ શરૂ કરી.
સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ટક્કર આપતા હતા.
આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે.
એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય
અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય.
સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા.
હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું.
બલરામને પણ વાગે એટલે દર્દની
ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય.
એમનો સમય પૂરો થયો એટલે એમણે શ્રી કૃષ્ણને જગાડ્યા.
શ્રી કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી.
પોતાને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે.
એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું.
પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.
મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે.
આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે.
આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય
અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે
પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ
અને છેલ્લે...
જીંદગી ક્યાં સહેલી છે,
એને સહેલી બનાવવી પડે છે.
કંઈક આપણા અંદાજ થી,
તો કંઈક નજરઅદાંજ થી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો