મોકાની જગ્યા વેચવાની છે.
જવાબદારીઓથી ગીચ એવા વિસ્તારમાં 'પપ્પાના ખભા' ઉપર આવેલી મોકાની જગ્યા વેચવાની છે.
મમ્મીનું NOC મળેલું છે.
ખભાની નીચેથી પસાર થતો એક કાચો રસ્તો સીધો પપ્પાના હૃદય સુધી જાય છે. ખેતીની ફળદ્રુપ જમીન હોવાથી પપ્પામાં થોડું ખોદકામ કરવા જો તૈયાર હો, તો ભવિષ્યમાં પપ્પાના ખભા ઉપર ભાઈબંધી ઉગવાની શક્યતા છે. પરીક્ષાની ચિંતાઓથી પહોળા થઇ ગયેલા માથાઓ માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા છે.
નિષ્ફળતાના આંસુઓ ખાનગીમાં વહેવડાવી શકાય એવી ડ્રેઈનેજની વ્યવસ્થા પણ છે.
રાતે અંધારામાં ડર ન લાગે એ માટે પપ્પાના ચહેરા પર ખાસ LED સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલી છે.
પપ્પાની આંખોમાંથી બહાર ન આવી શકેલું પાણી ૨૪ કલ્લાક તમને મળતું રહેશે. જરૂર પડ્યે પપ્પાના હાથ કોઈપણ જાતના એકસ્ટ્રા ચાર્જ વગર freeમાં આપવામાં આવશે.
રસ ધરાવતા સર્વેને બહાના પેટે વ્હાલ મોકલવા વિનંતી છે.
# Happy father's day.
🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો