શનિવાર, 24 ફેબ્રુઆરી, 2018

Real life

BY DR SHARAD THAKAR
Dt 09.02.2018

વર્ષોથી તું વસે છે ચાંદી બજારમાં
જિંદગીને ઝવેરાત કર, મનવા

"મિ. સંયમ શાહ,
તમે એકલા આવ્યા છો
કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે?"

ડો. ખાખરાવાલાએ ગંભીરતાપૂર્વક પૂછયું.

'સમજી ગયો,
સાહેબ મારા બ્રેઈનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી શકો છો, સર... મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને મા-બાપ ઘરડાં થઈ ગયાં છે. બાળકો નાનાં છે, મારે જે હોય તે મને એકલાને જ કહી દો.’

'ભલે ત્યારે...’

ડો. ખાખરાવાલાએ
શબ્દો બરાબર ગોઠવીને પછી
જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું..

'મિ. સંયમ,
તમને બ્રેઈન ટ્યૂમર છે.
સામાન્ય રીતે ૮ ટ્યૂમર હોય
ત્યારે અમે બાયોપ્સીની સલાહ આપીએ છીએ, પણ તમારા કેસમાં એવું શક્ય નથી. યોર ટ્યૂમર ઇઝ ઇનઓપરેબલ. એ એવી જગ્યાએ આવેલું છે અને એની સાઈઝ પણ એટલી મોટી છે કે ઓપરેશન કરવા જતાં...’

ડોક્ટરની વાત સાંભળીને સંયમને આંચકો તો જોરદાર લાગ્યો અને એ આંચકો સકારણ હતો. એની ઉંમર હજી તો ચાલીસ જ વર્ષની હતી. જિંદગીનાં કીમતી વર્ષો એણે બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યાં હતાં.

અલબત્ત,
એમાં સમય આવ્યો ત્યારે જ આ માઠા સમાચાર સામે આવી ઊભા

'ડોક્ટર, મને સાચેસાચું જણાવી દો.
મારી પાસે કેટલાં વર્ષો બચ્યાં છે?’

ભીતરનો ખળભળાટ
છુપાવીને સંયમે ઉપરછલ્લી સ્વસ્થતા દાખવીને ડોક્ટરને પૂછી લીધું.

'વર્ષો નહીં, મિ. સંયમ,
તમારી પાસે માત્ર થોડાક મહિ‌નાઓ જ બચ્યા છે. કેટલા એ હું ન કહી શકું. વધુ માં વધુ છ. જો કીમોથેરપી ન લો..
તો કદાચ એક-બે મહિ‌નામાં જ...’

સંયમ શાહ ભાંગી પડયા.
સુશિક્ષિત હતા એટલે
ધ્રૂસકે ને ધ્રૂસકે રડી ન પડયા,
પણ અંદરથી તો હાલત એવી જ થઈ ગઈ. હાથમાં રિપોર્ટ લઈને, ડોક્ટરનો આભાર માનીને એ ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં એમની પોતાની જે તસવીર ઊભરી એ કંઈ ખાસ વખાણવાલાયક ન હતી. હોય પણ ક્યાંથી? મબલખ ધન કમાવાની લાયમાં એમણે ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. જે કંઈ સંબંધો હતા તે બધા પ્રોફેશનલ હતા. એમનું સ્મિત પણ આલબમિયું હતું.

મનમાં એમ હતું કે...
એક વાર પચીસ-પચાસ કરોડ રૂપિયા કમાઈ લઈશું એ પછી જિંદગીને સારી રીતે માણીશું. એય ને મિત્રો બનાવીશું, મહેફિલો જમાવીશું, પત્નીને અને બાળકોને પૂરતો સમય આપીશું, પડોશીના ઘરે જઈને ચા પીશું અને...

અફસોસ....

એ બધું હવામાં અધ્ધર જ રહી ગયું. અચાનક કાળની કંકોતરી આવી પહોંચી..

'સલામ, સા’બ’

સંયમ શાહ ચમક્યા.
ક્લિનિકની બહાર લિફ્ટમેન ઊભો હતો
તે પૂછતો હતો,

'કૈસા હૈ આપકો ?
અચ્છા હો ગયા ના, સા’બ?
યે દાક્તર સા’બ બોત અચ્છે હૈં.
જો પેશન્ટ ઉસકી સારવાર લેતા હૈ
ઉસકો યહાં દોબારા આનેકી જરૂરત નહીં રહેતી, સા’બ’

આની પહેલાં પણ સંયમે આ લિફ્ટમેનને ચાર-પાંચ વાર જોયો હતો. ભારે વાતોડિયો માણસ લાગ્યો હતો એને. દર વખતે એ 'સલામ, સા’બ’ બોલીને વાતચીત વધારવાની કોશિશ કરતો, પણ સંયમ એને ટાળતો રહેતો હતો. આવા નાના માણસોની સાથે જરાક હસીને બોલો એટલે સમજો કે ગયા કામથી ત્રીજે દિવસે હાથ લાંબો કરવાના જ. 'છોટી બહેન કી શાદી હૈ. બિમાર મા' કે લિયે દવા લાની હૈ. પૈસે નહીં હૈ.’ સો-બસો, પાંચસો પડાવીને જ રહે.

પણ આજે બધું બદલાઈ ચૂક્યું હતું.
સંયમે આજે મૃત્યુને જોઈ લીધું હતું.
કોને ખબર આ લિફ્ટમેન ફરી ક્યારેય
જોવા મળશે કે નહીં? એણે પણ હસીને એના ખભા પર હાથ મૂક્યો,

'ક્યા નામ હૈ તુમ્હારા?’

પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી ઊતરતાંમાં તો સારી એવી શબ્દોની આપલે થઈ ગઈ. બહાર નીકળીને સંયમે પાકીટમાંથી પચાસનું પત્તું કાઢીને એ ગરીબ માણસના હાથમાં મૂકી દીધું. પેલાનો ચહેરો ખીલી ઊઠયો,

'આપ બો’ત અચ્છે હૈં, સા’બ ફિર આના’

સંયમના મનમાં
કડવાશભર્યો અફસોસ પ્રગટી ઊઠયો,
એ મનોમન બબડી ગયો,

'એ જ તો તકલીફ છે, દોસ્ત કે હવે બીજી વાર ક્યારેય અહીં આવવાનું નથી. મરવાનું નિ‌શ્ચિ‌ત હોય તો પછી નાહક કીમોથેરપી પણ શા માટે લેવી જોઈએ? હવે તો મળીશું આવતા જન્મે...’

રસ્તો ક્રોસ કરીને એ ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઇવરે દરવાજો ખોલી આપ્યો. ડ્રાઇવર એના માલિકથી ખૂબ જ ગભરાતો હતો, પણ આજે એ જ માલિક એને કંઈક બદલાયેલા લાગ્યા. જેવી ગાડી ચાલુ થઈ તે સાથે જ માલિકની વાતો પણ ચાલુ થઈ ગઈ..

'રાજુ, એક વાત પૂછું?
તને અમદાવાદ માં કાર ચલાવતાં ક્યારેય કંટાળો નથી આવતો?’

ડ્રાઇવર ગભરાયો.
એને લાગ્યું કે આજે પોતાની નોકરી ગઈ બીતાં બીતાં એણે જવાબ આપ્યો,

'નહીં, સાહેબ કંટાળો શેનો?
આ તો મારું કામ છે. મારી રોજીરોટી છે. સાહેબ, તમને એવું કેમ લાગ્યું?’

'બસ, એમ જ એક કામ કર,
આજે તું મારી જગ્યાએ આવી જા,
આજે ગાડી હું ચલાવીશ.’

'અરે, સાહેબ તમારી તબિયત?’

'મારી તબિયતની ચિંતા છોડ
એ તો કાર નહીં ચલાવું તો પણ...’

સંયમ વાક્ય ગળી ગયો..

'આપણે બીજી વાતો કરીએ.
તારા ઘરમાં કોણ કોણ છે?
તારી પત્નીનું નામ?
દીકરા-દીકરી કેટલાં છે? શેમાં ભણે છે?’

ડ્રાઇવરને લાગ્યું કે
એના માલિક આજે ગાંડા થઈ ગયા છે.
એ સાચવી સાચવી ને જવાબ આપતો ગયો. છેલ્લાં પાંચ વર્ષથી એ સંયમના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજ સુધીમાં માલિક ના મોંએથી એણે આવું જ સાંભળ્યા કર્યું હતું :

'કાલે કેમ વહેલો ચાલ્યો ગયો હતો?
આજે કેમ મોડો આવ્યો?
હાડકાં હરામ નાં થઈ ગયાં છે, કેમ?
કામ કરતાં જોર આવે છે
અને દર ત્રીજા મહિ‌ને પગાર વધારો માગતાં શરમ નથી આવતી.’

એને બદલે
ઘરે પહોંચ્યા પછી આવું સાંભળવા મળ્યું..

'ભ’ઈલા, તારે ઘરે જવું હોય તો જા,
મારે ગાડીમાં ક્યાંય જવાનું નથી.
કારણ વગર તારે અહીં બેસી રહેવાની જરૂર નથી. બૈરી-છોકરાં સાથે મજા કરજે’

રાજુથી બોલાઈ ગયું,

'સાહેબ, તમે ખરેખર સારા માણસ છો.’

સાંજે સંયમે પહેલી વાર
પત્ની અને બાળકોની સાથે બેસીને ડિનર લીધું. બંને બાળકોની સાથે સ્કૂલ વિશે વાતો કરી. એમને ચિત્રો દોરવામાં મદદ કરી. નાની ગુડ્ડી બોલી ઊઠી..

'પપ્પુ, તમે કેટલા ગુડ-ગુડ પપ્પા છો
રોજ અમારી સાથે આવી રીતે...’

સંયમ બબડી રહ્યો,

'એ જ તો તકલીફ છે.
હવે પછી મારી પાસે ખૂબ ઓછા 'રોજ’ બચ્યા છે, પણ જેટલા બચ્યા છે
એને તો માણી લઉં’

સવારે પડોશમાં રહેતા
અનિમેષભાઈનું મોં ખુલ્લું રહી ગયું..

'અરે સંયમભાઈ, તમે?
સવાર સવારમાં અમારે ત્યાં?
સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે આજે?
અરે, સરોજ... પાણી લાવજે તો...'

'એકલા પાણીથી નહીં પતે, અનિમેષભાઈ, આજે તો ચા પણ પિવડાવવી જ પડશે.’

સંયમે હક્કથી કહી દીધું.
સરોજબહેન સાંભળી ગયાં,
ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યાં.
અડધા કલાકમાં ઘરોબો સ્થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં, પણ પડોશીઓના મતે સંયમ સાવ અતડો અને અભિમાની માણસ હતો.

આજે લાગ્યું કે આ માણસ તો સંબંધ કેળવવા જેવો છે. જતી વખતે સંયમે ઠરાવ પસાર કરી નાખ્યો..

'આજથી સવાર ની ચા તમારે ત્યાં
અને સાંજ ની ચા મારા ઘરે’

'પાક્કું આખી જિંદગી સુધી...’

અનિમેષભાઈ બોલી ઊઠયા.
સંયમના મનમાં ફરી પાછો અફસોસ પ્રગટયો :

'આખી જિંદગીમાં તો હવે બચ્યું છે શું?
વધુ માં વધુ એક-બે મહિ‌ના જ ને?’

પણ બે દિવસમાં તો સંયમે ખંગવાળી દીધો. સૌને ખુશ કરી દીધા. અત્યાર સુધી એને સ્વાર્થી‍, અતડો ને અભિમાની માનતા આવેલા તમામ લોકો હવે બોલતા હતા...

'ભાઈ, વાહ માણસ તે આનું નામ’

ચાર દિવસ પછી ફોન આવ્યો.

ડો. ખાખરાવાલા
ગાભરા ગાભરા બનીને કહી રહ્યા હતા..

'મિ. સંયમ શાહ
આઈ એમ વેરી વેરી વેરી સોરી
તમારા બ્રેઈનનો રિપોર્ટ ખોટો છે.

આઈ મીન,

મિ. એસ. એસ. શાહ નામધારી બે દરદીઓ હોવાના કારણે રેડિયોલોજિસ્ટના હાથે જ ભૂલ થઈ ગઈ. ત... ત... તમે સાવ જ સાજાસારા છો...

એબ્સોલ્યુટલી નોર્મલ...

તમે હવે સો વર્ષ સુધી જીવતા રહી શકો છો. મારી તમને બેસ્ટ વિશીઝ છે...'

ડો. ખાખરાવાલા ખખડતા રહ્યા,
અહીં સંયમ શાહ બબડતા હતા :

'તમે મને ઓળખતા હતા એ સંયમ તો ક્યારનોયે મરી ગયો, ડોક્ટર હવે તો મારો પુનર્જન્મ થયો છે. હવે મને સમજાઈ ગયું કે જિંદગી નો સાચો મર્મ જિંદગી માં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે. જાગ્યા ત્યારથી સવાર’
*કેટલો સાચો લેખ છે....જરા શાંત મન થી સૌ વિચારજો......સંકલન ધનસુ વીસરાણી*

ટિપ્પણીઓ નથી: