રવિવાર, 11 ફેબ્રુઆરી, 2018

Doctor is not God

ડૉક્ટર એટલે ઈશ્વર નહિ, ડેફીનેટલી નહિ. *(-ડૉ. નિમિત ઓઝા)*

ભારત પાકિસ્તાન વચ્ચેની ફાઈનલમાં જસપ્રીત બુમરાહનો પગ એક ઈંચ આગળ પડ્યો અને એ એક ઈંચની ભૂલને કારણે જસપ્રીત બુમરાહના ભૂતકાળની બધી મહેનત પર ચૂનો લાગી ગયો. તેના ભૂતકાળના સારા સ્પેલ્સ અને યાદગાર પરોફોર્મન્સસ ભૂલી જઈને લોકોએ તેનો એક ઈંચ આગળ વધી ગયેલો પગ પકડી રાખ્યો. એવું લાગે છે અમૂક લેવલ પર પહોંચી ગયા પછી તમને ભૂલો કરવાનો અધિકાર નથી હોતો. કદાચ લોકો તમને ઈશ્વરની કેટેગરીમાં મૂકવા લાગે છે. મોઢામાં આંગળા નાંખીને નખ ચાવતો સામાન્ય માણસ એ સ્વીકારી જ શકતો નથી કે આ દુનિયામાં તેની આસપાસ રહેલા કાળા માથાઓ મનુષ્યો જ છે, ઈશ્વર નહિ.

જ્યાં સુધી ડૉક્ટરોની વાત છે ત્યાં સુધી મને એવું લાગે છે થોડા સમય પહેલા નક્કી કોઈ આકાશવાણી થઈ હોવી જોઈએ કે આ દુનિયામાં ડૉક્ટર તરીકે બહાર આવતો દરેક વ્યક્તિ  ભગવાન વિષ્ણુનો અવતાર છે. બાકી ડૉક્ટરો પાસેથી આટલા બધા ચમત્કારોની અપેક્ષાઓ કોઈ રાખે ખરા ? આપણો પ્રોબ્લેમ એ છે કે જે માણસો પર આપણે શ્રદ્ધા રાખવાની હોય છે, તે માણસો પાસેથી આપણે અપેક્ષાઓ રાખીએ છીએ.

આ દુનિયામાં જન્મનારુ કોઈપણ બાળક હાથમાં વોરંટી કાર્ડ લઈને નથી આવતું. તમારી જેમ તમારા શરીરમાં રહેલા અસંખ્ય કોષોમાંથી કયા કોષને કયા સમયે તમારી સાથે વાંકુ પડશે ? એ તો ડૉક્ટરો પણ જાણતા નથી હોતા. અને તમારા મોટા ભાગના રોગોનું ઉદભવ સ્થાન તમારી આદતો, તમારો સ્વભાવ, તમારી લાઈફ સ્ટાઈલ, તમારી બેદરકારી, તમારી કુટેવો અને તમારો એટીટ્યુડ હોય છે.
ખામીઓ કયા પ્રોફેશનમાં નથી હોતી ? લૂપહોલ્સ કયા વ્યવસાયમાં નથી હોતા ? છેતરપીંડી કરનારા લોકો તમારી ચારેબાજુ ફેલાયેલા છે અને તેમ છતાં તેમની વચ્ચે પણ તમે સારા લોકોને શોધી જ લો છો. આ દુનિયા ખરાબ છે એવું કહેવાવાળા લોકો પણ પોતાની જિંદગી સુખી બનાવવા માટે ખરાબ દુનિયામાં સારા લોકો શોધી જ લેતા હોય છે. તો સારા ડૉક્ટરો શોધવા બિલકુલ અઘરા નથી. બસ, સારા ડૉક્ટરો તમને મળે એવી લાયકાત હોવી જરૂરી છે.
ડૉક્ટરો કાળી મહેનત કરીને આગળ આવેલા પામર મનુષ્યો છે. તેઓ શ્રી કૃષ્ણની વાંસળીમાંથી કે ભગવાન વિષ્ણુની હથેળીમાંથી પ્રગટ થયેલા નથી. તેઓ વિધાતાની નિયતિને બદલી શક્તા નથી. તેઓ ફક્ત એટલું જ કરી શકવાના છે જેટલું તેમના મેડીકલ સાયન્સ, શિક્ષકો અને તેમના અનુભવે તેમને શીખવ્યું છે.

અજ્ઞાની પુરુષની સૌથી મોટી તકલીફ એ જ છે કે તેઓ અશક્યતાઓને જાણતા નથી. તેઓ એવું જ માને છે કે આ પૃથ્વી પર તેઓની ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે નિરંતર બધું જ થયા કરશે. એમને કોણ સમજાવે કે તેમના આંતરડામાં રહેલા પેરીસ્ટાલ્સીસ પણ તેમના કહ્યામાં નથી. અને તેઓને અપેક્ષા હોય છે કે સામે રહેલો ડૉક્ટર પોતાના એપ્રોનમાંથી કોઈ સુદર્શન ચક્ર કાઢીને તેની બધી તકલીફોનો તાત્કાલિક વધ કરી નાંખશે.
જે રોગને તમે પ્રેમથી ઉછેરીને મોટો કરેલો છે, તે રોગનું તમારા શરીરની સાથે કેટલું વળગણ હશે ? અમે તો અમારા પ્રયત્નો ચાલુ જ રાખવાના છીએ કારણકે એ અમારું કર્મ છે. પરંતુ પોતાના શરીરમાં વાવેલા હકીકતના બીજમાંથી અપેક્ષાઓના મોટા ઝાડવાઓ ઉગાડવાની પ્રથા હવે લોકોએ બંધ કરવી જોઈએ.
કૃષ્ણ તો માણસ તરીકે જન્મેલા, એટલું જ ! એ તો ખરેખરના ઈશ્વર હતા. હવે લોકો આ જમાનામાં હોસ્પિટલના પગથીયા ચડીને પોતાના રોગ મટાડવા માટે સામે જે મળે એને કૃષ્ણ માની લે અને પોતાની તકલીફોનો યોગ્ય સમયે અંત ન આવે તો સામે વાળો કંસ હોય એવી રીતે વર્તે તો પ્રભુ, એમાં તકલીફ તો રહેવાની જ ને !
ડૉક્ટરો એ ફક્ત તબીબી શાસ્ત્રના વાહક છે. ઈશ્વરના સ્ટેમ્પ પેડ પર ઈશ્વરના સહી સિક્કા સાથે અવતરેલા કોઈ મહાપુરુષ નથી.
*-ડૉ. નિમિત ઓઝા*

ટિપ્પણીઓ નથી: