એક વેક્સિન મારે પણ શોધવી છે...
"""""""""""""""""""""""""""""""""""""""""
બોરિયત-રોજીંદી ઘટમાળમાં
ફસાઇ ગયેલા વ્યકિત ઓને
બહાર કાઢે એવી...
કૂકરની ત્રીજી સીટીએ
રસોડામાં દોડી જતી સ્ત્રીઓને
થોડી પળો માટે
ગણતરીઓ ભૂલાવી દે એવી...
પિસ્તાળીસમા વર્ષે
માથા પર બેસી રહેલી
સફેદીને મેઘધનુષી રંગે
રંગી નાંખે એવી...
ભૂલી જવા જેવી પણ
યાદ રહી ગયેલી ઘટનાઓને
યાદ-દાશ્તમાંથી
બાકાત કરી આપે એવી...
કિસ્મતે હિસ્સામાં નહીં
મૂકી આપેલી પળો-ઘટનાઓ
અને વ્યક્તિઓને
મનનાં દરવાજેથી
“ગેટ આઉટ” કહી શકે એવી..
“એ” પાસે હોય ત્યારે
સમયને અટકાવી દે અને
“એ” પાસે ન હોય ત્યારે
સમયને દોડાવી દે એવી....
દીકરીની ગુલાબી હેરબેન્ડનાં
ખોટ્ટા પતંગિયાને
સાચ્ચું કરી આપે એવી....
ઘરડાં થતા જતા
મા-બાપની આંખોમાંથી
પ્રતીક્ષાને બાદ કરી આપે એવી..
એક વેક્સિન મારે પણ શોધવી છે
સ્વીકારની પરવા કર્યા વિના
ચહેરા પર પહેરી રાખેલા,
પહેરવા પડેલા તમામ
માસ્ક ઉતારી આપે એવી !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો