ગુરુવાર, 25 જાન્યુઆરી, 2018

Date with my father

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે... ડૉ. નિમિત્ત ઓઝા

થોડા સિક્રેટ્સ
શેર કરવા છે,
થોડી
કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે.

બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો,
એ જ હાથને
વ્હાલ કરવું છે,
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...

કોલેજમાં ગમતી છોકરીથી લઈને,
એમની જાણબહાર પીધેલી સિગરેટનું,
કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
પપ્પાને એક ગુલાબ આપવું છે.
આટલું વિશાળ હ્રદય સાચવીને,
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે મમ્મીને પ્રેમ કર્યો છે,
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે....

થોડો ટાઈમ કાઢીને મારે,
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.

અજવાળામાં જઈને,
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે...

કાયમ સાથે રહેવા માટે,
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.

ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર,
મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે.

હાથ પકડીને,
આંખોમાં આંખો નાખીને
એકવાર
‘આઈ લવ યુ’ કહેવું છે,

એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...!!

ટિપ્પણીઓ નથી: