રવિવાર, 5 નવેમ્બર, 2023

Life of a doctor. India Vs USA

રણ મા ખીલ્યું ગુલાબ 

લેખ 211     તા 3/11/23 

ડોક્ટર શરદ ઠાકર 

 *इस जहांसे कब कोइ बचकर गया, जो भी आया खा कर पथ्थर गया.* 

”નામ?” મેં સામે ઊભેલા ઊમેદવારને પૂછૂયું: પૂછવા ખાતર જ પૂછૂયું, કારણ કે એનું નામ તો નોકરી માટેની અરજીમાં લખેલું જ હતું. પણ વાતચીતનો પૂલ બાંધવા માટે પરિચયનું બહાનું આવશ્યક હોય છે.

એણે શાંતિથી જવાબ આપ્યો: ”પ્રતાપ.”

”ચિત્તોડથી આવો છો?” મેં મજાક કરી.

”ના.” એ ઇન્ટરવ્યુમાં હસી શકાય એટલું, માપ પ્રમાણેનું હસ્યો: ”વડોદરાથી આવું છું.”

”ડીગ્રી?”

”એમ.બી.બી.એસ.” એણે મારા હવે પછીના સંભવિત સવાલો પણ સૂંઘી લીધા: ”ગયા વરસે એમ.બી.બી.એસ. પાસ કર્યું. પંદર દિવસ પહેલાં ઇન્ટર્નશીપ પૂરી કરી.”

”હવે? શું કરવાનો ઇરાદો છે? નોકરી?”

”જો તમે આપો, તો..!”

”નોકરી ન આપવાનો સવાલ જ નથી. સવાલ તમારા દ્વારા નોકરીનાં સ્વીકારવાનો છે.”

”હું આપના કહેવાનો અર્થ સમજ્યો નહીં.” એના ચહેરા પર પ્રમાણિક કબુલાત હતી. હું જોઇ શકયો કે એ ખરેખર મારા વાકયમાં રહેલો સૂચિતાર્થ સમજી શકયો ન હતો.

”ધીમે ધીમે સમજી જશો.” મેં વાતની દિશા બદલી નાખી: ”કયારથી હાજર થવું ફાવશે?”

”બે દિવસનો સમય આપો તો સારૂં. ઘરે જઇને સામાન લઇ આવું.”

હું આ સાવ નવા, ઉત્સાહી જુવાન ડોકટરને જોઇ રહ્યો. એને બાપડાને ખબર હશે કે એ કેવી હાડમારી ભરેલી નોકરી સ્વીકારવાની હા પાડી રહ્યો છે? મારૂં ચાલત તો અવશ્ય એને ફોડ પાડીને સમજાવી દેત, પણ મારી જીભ થીજેલી હતી અને હોઠ સિવાયેલા હતા. હોસ્પિટલનું ટ્રસ્ટીમંડળ મારી સામે જ બેઠેલું હતું. એમાંથી એક પણ ટ્રસ્ટી ડોકટરી વ્યવસાય સાથે સંકળાયેલા ન હતા, મોટાભાગના વેપારીઓ હતા. પણ હોસ્પિટલ, હાઇસ્કૂલ, કોલેજ, ધર્મશાળા જેવી સખાવતી સંસ્થાઓનો વહીવટ કરી કરીને ધીટ થઇ ચૂકેલા વડીલો હતા. આ હોસ્પિટલનો ઇનચાર્જ ચીફ મેડીકલ ઓફિસર હું હોવાને કારણે નવા ડોકટરનો ઇન્ટરવ્યુ લેવાનું મારા ભાગે આવ્યું હતું. બાકી પગારથી માંડીને અન્ય તમામ બાબતોની લગામ આ વેપારીઓના હાથમાં હતી.

ટ્રસ્ટીઓનાં ડોકાં દૂરથી સૂચક રીતે હલ્યાં અને મેં ઘંટડી મારી. બહાર ઉભેલો પટાવાળો અંદર આવ્યો.

”જી, સર!”

”લાલજી, આ આપણા નવા મેડીકલ ઓફિસર છે. એમને હરીશભાઇ પાસે લઇ જા. અત્યારે જ ઓર્ડર તૈયાર કરાવી દે. બે દિવસ પછી તેઓ હાજર થશે. ત્યાં સુધી એમનું કવાર્ટર સાફસુફી કરાવીને તૈયાર રાખવાનું ના ભૂલીશ. જાઓ, ડોકટર! વિશ યુ ઓલ ધી બેસ્ટ!” મેં મારા નવા, ભાવિ જુનિયર સાથીને એમની પ્રથમ નોકરી માટે શુભેચ્છા આપી.

એ આભાર માનીને ઊભો થયો. લાલજીની પાછળ પાછળ ઓફિસની દિશામાં ઓઝલ થયો.

બે દિવસ પછી એ ફરજ પર હાજર થઇ ગયો. સામાન લઇને સીધો મારા રહેઠાણ પર આવ્યો. મને ફાળવવામાં આવેલું મકાન વિશાળ હતું. પચાસ માણસો બેસી શકે એટલો મોટો ડ્રોઇંગ રૂમ હતો. ત્રણ-ચાર બેડરૂમ્સ હતા. દરેક ખંડમાં આવશ્યક ફર્નિચર પણ સંસ્થા દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું.

ડો. પ્રતાપ આ બધું જોઇને ખુશ થયો: ”અરે, વાહ! અહીં તો બધી જ સગવડ છે ને કંઇ! હું નાહકનો બધો સામાન ઉપાડી લાવ્યો!”

”એવું નથી, પ્રતાપ!” મેં અવાજમાં બને એટલી સ્વસ્થતા ભેળવીને કહ્યું: ”તારી નિમણુંક મોબાઇલ મેડીકલ ઓફિસર તરીકેની છે. અને હું અહીં ફૂલટાઇમ ગાયનેકોલોજીસ્ટ છું. તું જે કંઇ જોઇ રહ્યો છે એ તમામ સુવિધાઓની અપેક્ષા.. આઇ મીન, તને આપવામાં આવેલું રહેઠાણ..” હું ઇચ્છા હોવા છતાં મારૂં વાકય પુરૂં કરી ન શકયો. વધુ કંઇ કહેવાને બદલે મેં ઘંટડી મારીને વોર્ડ બોયને બોલાવ્યો: ”ડોકટર સાહેબને એમનો.. રૂમ બતાવી દે..!”

દસ મિનિટ પછી પ્રતાપ સામાન મૂકીને પાછો આવ્યો. આ વખતે એનો ચહેરો વિલાયેલો હતો: ”સર! આનાં કરતાં તો ધર્મશાળા પણ સારી હોય. માત્ર એક જ રૂમ અને .. બસ, એક રૂમ જ!”

હું જોઇ શકતો હતો કે પ્રતાપના ચહેરા ઉપર ફરિયાદ ન હતી, માત્ર આઘાત જ હતો. દુ:ખ તો મને પણ હતું. પ્રતાપ ભલે મારથી પાંચ-છ વરસ જુનિયર હતો. પણ આખરે એક ડોકટર હતો. સમાજના બૌધ્ધિક સ્તરમાંથી આવતો હતો. બોર્ડની પરીક્ષામાં પંચાણું ટકા માર્કસ લઇને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો એ ટાટા, બિરલા કે અંબાણી બનવા જેટલું સહેલું કામ નથી ગણાતું. અને આવો તેજસ્વી, યુવાન ડોકટર જ્યારે એક નાનકડાં શહેરની ગ્રામિણ કહી શકાય એવી ગરીબ પ્રજાની સેવા કરવા માટે સામાન્ય પગારની નોકરી સ્વીકારતો હોય ત્યારે એને ખાવા-પીવા, રહેવાની ઉત્તમ સગવડ મળવી જ જોઇએ.

”પ્રતાપ, શાંત થા, દોસ્ત! તું એકલો જ છે. મને આટલી બધી સગવડ આપવામાં આવી છે, પણ હું યે એકલો જ છું. ભોગવી શકું છું એ બધું? આપણે અહીં કામ કરવા માટે આવ્યા છીએ, આનંદ કરવા માટે નહીં.” મેં એને હિંમત આપી. એના ગળે મારી વાત ઊતરી ગઇ.

એ દિવસે એણે સવારની ચા પણ મારી સાથે જ પીધી. પછી એણે ફરજ બાબત પૂછપરછ કરી.

”મારે કામ શું કરવાનું છે?”

”તું અહીં મોબાઇલ મેડીકલ ઓફિસર તરીકે નિમણુંક પામ્યો છે. આ હોસ્પિટલ આજુબાજુના બસો ગામડાંઓ વચ્ચે એક માત્ર આરોગ્ય – સુવિધા છે. પણ કેટલાંક ગામડાં એટલા દુર છે કે દરદીઓ અહીં સુધી આવી પણ ન શકે. એમને સમયસર બસ પણ નથી મળતી. ખાસ એ લોકો માટે આપણે મોબાઇલ મેડીકલ વેનની સગવડ ઉભી કરી છે. રોજ સવારે તારે નીકળી પડવાનું. તારી સાથે એક ડ્રાઇવર હશે અને એક કમ્પાઉન્ડર. રોજ પાંચ ગામડાં ફરવાના રહેશે. દરેક ગામડે તારા માટે સરપંચ તરફથી એક રૂમ ફાળવવામાં આવી હશે. ત્યાં બેસીને તારે દરદીઓ તપાસવાના રહેશે. પછી બીજું ગામ, ત્રીજું ગામ અને પછી ચોથું, પાંચમું!”

”રસ્તામાં કયાંય ચા-પાણી?”

”નહીં મળે. પીવાનું પાણી સાથે લઇ જવાનું રહેશે. ગામડામાં જે પાણી હશે એ તમામ પ્રકારના પેરાસાઇટૂસથી દુષિત હશે. તારે અહીં પાછાં ફરતાં દોઢ-બે વાગી જશે. પછી જમવાનું આપણે સાથે રાખીશું. મારા માટે જ્યાંથી ટીફીન આવે છે, ત્યાંથી તારા માટે પણ વ્યવસ્થા કરાવી દઇશ.”

નીચે મોબાઇલ વેનનું હોર્ન વાગતું સંભળાયું. પ્રતાપ ગયો. એ વખતે ઘડિયાળમાં સવારના સાડા આઠ વાગ્યા હતા. હું પણ મારા કામ પર ચડયો. વોર્ડનું અને ઓ.પી.ડી.નું કામ પતાવ્યું ત્યાં એક વાગી ગયો. બે ઓપરેશનોએ બે વગાડી દીધા. ઉપર આવીને જોયું તો ટિફિનમાં ભોજન ઠંડી પડી ચૂકયું હતું. મારી ભૂખ ગરમ થઇ રહી હતી, પણ મને યાદ હતું કે મારે પ્રતાપની રાહ જોવાની હતી. અઢી, ત્રણ, સાડા ત્રણ…!

છેક ચાર વાગ્યે પ્રતાપ આવ્યો. પણ કેવો થઇને આવ્યો હતો? ડોકટર તરીકે ગયો હતો અને દરદી જેવો બનીને પાછો આવ્યો હતો. સીધો જ સોફામાં ફસડાઇ પડયો. થોડીવાર માંડ પાણી પીવા પૂરતો પુનર્જિવિત થયો. પછી હાથ-મોં ધોઇને જમવા બેઠો.

”આ શું છે?” એણે રોટલીનો ટૂકડો તોડવાની કોશિશ કરી.

”લોકો એને રોટલી કહે છે.”

”રોટલી?! આવી?”

”હા, આપણી મમ્મીઓએ નથી બનાવી, માટે આવી જ હોય. અને ફૂલાવરનું શાક ખાતી વખતે આંખ બંધ રાખજે.”

”કેમ?”

”અંદર ઇયળો છે. ખૂલ્લી આંખે તું ખાઇ નહીં શકે.” મેં ચેતવણી આપી. એ ઉભો થઇ ગયો. ત્રણ-ચાર બિસ્કીટૂસ ખાઇને એના રૂમમાં જઇને સૂઈ ગયો. એ સાંજે એણે ટિફિન ખોલવાની હિંમત ન કરી. ‘દૂધ એક સંપૂર્ણ આહાર છે’ એ વિધાનમાં પૂરી શ્રધ્ધા દર્શાવીને એણે દૂધે વાળું પતાવ્યું.

બીજા દિવસની સવારે ચા-નાસ્તા વખતે એ ફરી પાછો તાજો-માજો લાગતો હતો: ”કાલે પહેલો દિવસ હતો ને, એટલે જરા વસમું પડી ગયું. બાકી આજે થાક નહીં લાગે.”

એ દિવસે એ ચાર વાગ્યે આવ્યો. આજે મેં એની રાહ જોયા વગર જમી લીધું હતું. પણ મેં જોયું કે આજે તો એની હાલત ગઇ કાલ કરતાં પણ વધુ ખરાબ હતી. એ તદ્દન લાશ જેવો બનીને પાછો આવ્યો હતો.

”શું થયું?”

”અરે, વાત જ ન પૂછશો, સાહેબ! મારામાં તો બોલવાના પણ હોશ-કોશ બચ્યા નથી.” એ સોફામાં ફર્નિચરનો એક ભાગ હોય એમ પડયો રહ્યો. પછી અચાનક ટિફિન ખોલીને તૂટી પડયો. રબ્બરની રોટલી, પથ્થરનું શાક અને તલવારની ધાર જેવી તીખી દાળ ઝાપટી ગયો.

પછી આજના દિવસની દર્દનાક દાસ્તાન શરૂ કરી: ”ગાડીને ધક્કા મારી મારીને દમ નીકળી ગયો. પાંચને બદલે ત્રણ જ ગામ પૂરા કરી શકયો. દસ મિનિટ માટે મોબાઇલવેન ચાલે અને વીસ મિનિટ સુધી મારે નીચે ઉતરીને ધક્કા મારવા પડે. કમ્પાઉન્ડરની પણ એ જ હાલત. ફરક માત્ર એટલો કે એ ટેવાઇ ચૂકેલો અને હું જિંદગીમાં પહેલી વાર..! ઓહ, બાપ રે મરી ગયો!”

અચાનક એણે ચાલુ વાતે ચીસ પાડી.

”કેમ, શું થયું?” હું ઉભો થઇ ગયો. એ પેટ દબાવીને પથારીમાં ઉછળી રહ્યો હતો.

”એસિડીટી વધી ગઇ હોય એવું લાગે છે. જમવાનું બહુ તીખું હતું. મરી ગયો રે..!”

”ચિંતા ન કર. હું દવા આપું છું.” મેં હાયપર એસિડીટીની ગોળી કાઢીને એના હાથમાં મૂકી.

”તમને પણ..?”

”હા, જેમ કમ્પાઉન્ડર ગાડીને ધક્કા મારી મારીને ટેવાઇ ગયો છે એમ હું એસિડીટીથી ટેવાઇ ગયો છું. રોજ જમ્યા પછી મુખવાસમાં રેનિટિન ખાઉં છું. તું પણ ધીમે ધીમે ટેવાઇ જઇશ.”

ત્રીજા દિવસે એને મરડો થઇ ગયો. બે દિવસ રૂમમાં પડી રહ્યો. પ્રતાપ હવે મહારાણાને બદલે હાડપીંજર જેવો દેખાવા માંડયો. પંદર દિવસ પછી એને મેલેરિયા થઇ ગયો. વજન ખાસ્સું ઊતરી ગયું.

એક દિવસ સાંજે એ ગમગીન હતો. ”મને સમજ નથી પડતી કે હું શું કરૂં?”

”નોકરી ન ફાવતી હોય તો છોડી દે!” મેં એને સલાહ આપી: ”પોસ્ટ-ગ્રેજ્યુએશન કર.”

”માર્કસ ઓછાં પડે છે. સારી બ્રાન્ચમાં પ્રવેશ મળે એમ નથી.” એનો અવાજ ભાંગેલો હતો.

”તો પછી પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી દે.”

”એ માટે પણ એકાદ-બે લાખ રૂપિયા જોઇએ. અને મારા ઘરની આર્થિક સ્થિતિ..” અધૂરા વાકયમાં પૂરો અર્થ સ્પષ્ટ હતો.

”સરકારી નોકરી..”

”લાંચ આપવી પડે એમ છે.” એનો જવાબ ભારે થયે જતો હતો અને મારી પાસે સલાહોનો ભંડાર ખાલી થઇ રહ્યો હતો. એ ચૂપ થઇ ગયો. પણ મને લાગતું હતું કે એ જરૂર કોઇ નિર્ણય ઉપર આવી રહ્યો હતો.

એક મહિનાની નોકરી પૂરી કરીને એણે સામાન બાંધ્યો. રૂમને તાળું મારીને મારી પાસે આવ્યો: ”લો, ચાવી.”

”કેમ? જાય છે?”

”હા.”

”કયાં જઇશ? શું કરીશ?” મારી પૂછપરછમાં સહાનુભૂતિ હતી.

”મારા લગ્નનું નક્કી થઇ ગયું છે. છોકરી અમેરિકાની છે. આવતા અઠવાડિયે લગ્ન છે. પછી ગમે ત્યારે હું ઊડી જઇશ.”

”છોકરી સારી છે?”

”ઠીક છે. પણ એનું ગ્રીન-કાર્ડ બહુ સારૂં છે.” આ ઉત્તરાર્ધમાં ઘણું બધું સમાઇ જતું હતું.

”સારૂં, પ્રતાપ! વિશ યુ ઓલ ધી બેસ્ટ! પત્ર લખીશ ને?”

”હા, પણ તમે જવાબ લખશો?”

હું હસ્યો: ”તને ખબર તો છે કે હું પત્રોના જવાબ નથી લખી શકતો. પણ મને પત્રો વાંચવા ગમે છે.”

એ પછી છ મહિને અમેરિકાથી એનો પત્ર આવ્યો. એની વાત હતી, એની પત્ની રેખા વિશે વાતો હતી, પ્રતાપે ઇ.સી.એફ. એમ.જી.ની પરીક્ષા પાસ કરી લીધી હતી. હવે એ રેસીડેન્સી કરી રહ્યો હતો. સુખી હતો અને ખુશ પણ..!

આજે એ ઘટનાને પણ વીસ વરસ થવા આવ્યા. છેલ્લે એનો ફોન આવ્યો: ”સર! ખૂબ સારૂં કમાયો છું. હમણાં જ મારી માલિકીનું એક નાનકડું હેલિકોપ્ટર ખરીઘું છે. તમે અમેરિકા ફરવા આવો તો સહેલ કરાવું.”

”ના, ભાઇ, ના! વચ્ચે કયાંક હેલીકોપ્ટર બંધ પડે અને તું મને ધક્કો મારવાનું કહે તો..?” એ ખડખડાટ હસી પડયો.

હું ન હસી શકયો. આપણા દેશની ગરીબ પ્રજાની સેવા કરવા માટે તૈયાર થયેલો એક ડોકટર અત્યારે અમેરિકાના સુખ અને વૈભવ દ્વારા ખરીદાઇ ચૂકયો હતો અને એની રીતે એ સાચો હતો. પણ…! પેલા ગામડાઓમાં હરતી, ફરતી અને મરતી પ્રજા આજે પણ તબીબી સુવિધાથી વંચિત છે અને પેલી હોસ્પિટલમાં આજે પણ મોબાઇલ મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી જ છે.

ટિપ્પણીઓ નથી: