ગુરુવાર, 27 મે, 2021

Respect and disrespect of allopathy

*સરકાર સામે શીંગડા ભરાવતા ગભરાતી  ડોક્ટર્સ ની પંચાયત બાબા રામદેવ સામે તુ તુ મે મે કરી સ્વયંની આબરૂ લુટાવી રહી છે*

-✒રાજેશ ઠાકર✒

બાબા રામદેવ દ્વારા ડોક્ટર્સ ને હત્યારા, મેડીકલ સાયન્સ ને સ્ટુપીડ , એલોપેથી ને ઝેર કહેવા જેવા નિવેદનો બાદ ઈન્ડિયન મેડીકલ એસોસીએશને (IMA) હંમેશ મુજબ કાગળીયો કકળાટ કરી સંતોષ માન્યો છે . ડોક્ટર્સ ની  પંચાયતના પેપર પરના આ વિરોધ બાદ બાબા રામદેવે એમનો બાપ પણ મારી ધરપકડ કરી શકે તેમ નથી એવુ નિવેદન કરી પોતે આખીય સરકારના બાપ હોવાનો અહંકાર છતો કર્યો છે .

બાબા રામદેવ ની વાત પણ સાચી છે. ડોક્ટર્સને  માત્ર તાળી થાળી ને દીવાથી ખુશ કરી દેતી સરકાર બાબા રામદેવની કોરોનીલ ના લોન્ચીંગમા ખુદ હાજર રહી કરોડોનો વેપલો કરાવે છે એ અંતર જ બતાવી આપે છે કે સરકાર કોના તાબામાં છે અને કોને તાબામાં રાખી રહી છે . કાળાનાણા વિશે અપપ્રચાર અને રામલીલા મેદાનની લીલાએ જેમને સત્તા સુધી પંહોચવા મદદ કરી હોય સરકાર એમના પક્ષે જ રહે એ સાદુ લોજીક બુધ્ધિમાન તબીબી આલમ ના સમજતુ હોય એવુ પણ નથી. ખેર, તબીબી પંચાયત ને સમજ તો છે જ પણ ભાજપ સામે માથુ ઉચકવાની હીમંત નથી . જો ખરેખર જ કોરોના વોરિયર્સ નુ આત્મસન્માન ઘવાયુ હોય તો સરકાર પર દબાણ લાવી બાબા રામદેવ ની એપેડેમીક એક્ટ હેઠળ ધરપકડ કરાવવા પ્રામાણિક પ્રયત્ન કરી સ્વયંના સ્વાભિમાનની રક્ષા સંદર્ભે પણ વોરીયર હોવાની પ્રતિતી કરાવી હોત. *2019 મા પશ્ચિમ બંગાળમાં એક જુનીયર ડોક્ટર્સ ને મારવાની ઘટનાને લઈ આખાય દેશના દર્દીઓને બાનમાં લેતી દેશવ્યાપી હડતાળ કરનાર IMA બાબા દ્વારા  મેડીકલ સાયન્સના શાબ્દીક વસ્ત્રાહરણ બાદ કાગળ નો ટુકડો આગળ ધરી આબરૂ બચાવવા લાચાર કેમ છે ?*  આ સવાલ અસ્થાને નથી.

ખરેખર જ તબીબોએ મેડીકલ સાયન્સની વિશ્વસનીયતા અને સ્વયંનુ આત્મ સન્માન જાળવવુ હોય તો કેન્દ્ર સરકાર પર  બાબા રામદેવ પર નિશ્ચિત સમય અવધિમા નિર્ણાયક પગલા ભરવા   અલ્ટીમેટમ આપવુ જોઈએ .તેના બદલે ટીવી ડીબેટમા બાબા રામદેવ સામે તુ તુ મે મે કરી વધુ આબરૂ ખોઈ રહ્યા છે . કેન્દ્રીય આરોગ્ય મંત્રી બાબા પર કાનુની સકંજો કસવાના બદલે બાબાજી ને શબ્દો પરત લેવા આજીજી કરતા હોય ત્યારે ડોક્ટર્સ એસોસીએશન પોલીસ ફરિયાદ કરે અને પોલીસ કાર્યવાહી કરે તે માનવુ નરી મુર્ખતા છે .બાબા રામદેવ ખીલ્લી ઉડાડતા હોય એમ અટ્હાસ્ય વેરતા વેરતા ટીવી પરદે કોરોનીલ નુ માર્કેટિંગ કરતાં કરતાં શબ્દો પાછા ખેચી લીધા નો ઢોંગ કરી તબીબોને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકી રહ્યા છે ત્યારે તબીબી આલમ ભેંસ આગળ ભાગવત કરતી હોય તેવુ લાગે છે.

 કોવીડ મેનેજમેન્ટમાં સરકારી નિષ્ફળતા ને ઢાંકવા ઢાલ બનતા દીગ્ગજ ગણાતા તબીબો પણ આ મામલે ચુપકીદી સેવી છે. સરકારી બીસ્કીટ ખાઈ સરકારના કહેવા મુજબ નિવેદનો અને માહીતીખાતા માટે વીડીયો રીલીઝ કરનારા ટાસ્ક ફોર્સ ના સભ્ય તબીબો પોતાની જમાતની આબરૂ બચાવવાના સમયે ક્યાં છે ? વ્યક્તિગત પણે જોઈએ તો પણ નેવુ ટકા તબીબો ની સોશીયલ મીડીયા વોલ પણ આ મામલે સરકારી નજર કે ભાજપી અસર ના કારણે કોરી ધાકોર છે . અરે, આ બાબતે સામાન્ય લોકો જેટલો વિરોધ બાબાનો કરી રહ્યા છે એની તુલનાએ તબીબવર્ગ નો વ્યક્તિગત અને સામુહીક વિરોધ નગણ્ય છે . કદાચ ભાજપનો વિરોધ એ ભારતનો વિરોધ એવા ભ્રમમાં રામદેવ નો વિરોધ પણ મોદી વિરોધમાં ના ખપી જાય એની તકેદારી રખાતી હશે.

IMA કે તબીબી આલમની આ ભાજપના ભય કે ભક્તિ ની અસરમાં હોવાના આ પુર્વેના પણ ઘણાય ઉદાહરણ છે .ભાજપ સાંસદ અનંત હેગડે દ્વારા ડોક્ટર્સ પરનો હુમલો હોય કે ડો.કફીલ ની રાજકીય પ્રતાડના તબીબી આલમ ચુપ રહ્યુ. ખુદ વડાપ્રધાન મોદીએ ડોક્ટર્સ ને પંદર રૂપિયાની દવા દોઢસોમા અને આઠ હજારના સ્ટેન્ટ પચાસ હજારમા વેચનાર કહ્યા, ભયનો વેપાર કરવાનો આરોપ મુક્યો ત્યારે પણ ડોક્ટર્સ કે તેમની પંચાયતનુ આત્મસન્માન પુંછડી હલાવી શાંત થઈ ગયુ. વડાપ્રધાને ફાર્મા કંપનીઓ ડોક્ટર્સ ને છોકરીઓ સપ્લાય કરે છે એવો આરોપ મુકી રીતસરનું ચરિત્ર હનન કર્યુ ત્યારે પણ IMA માફી માંગવા નુ આવેદન કરી પ્રતિકાત્મક વિરોધ કર્યો. તબીબોનુ આ આવેદન પીએમઓ ની કચરાપેટીમા  જ ગયુ હશે કેમકે નરેન્દ્રભાઈ એ માફી માગી હોય એવુ ધ્યાને નથી. એક વેપારી બાબો એમના પરમ પુજ્ય પિતાશ્રીઓ પણ કંઈજ નહી કરી શકે તેવો આત્મવિશ્વાસ દેખાડતો હોય તો વડાપ્રધાન  ધ્યાને લે ખરા ? કેન્દ્ર સરકાર બાબા ટાઈપ મીક્સોપેથી નુ ગતકડું લાવી છે એના પર પણ તબીબો અને તેમની પંચાયત એકાદ બે દીવસના ધરણા જેવા દેખાડા કરી સંગઠન જીવતુ હોવાના પુરાવા આપવા સિવાય કંઈ ઉખાડી શકે તેમ નથી .

તબીબોએ આયુર્વેદ, હોમીયોપેથ , નેચરોપેથ કે કોઈપણ યુનાની પધ્ધતિનો વિરોધ કર્યાનુ ક્યારેય જોવા મળ્યુ નથી. આમછતાં એલોપેથી ને ટાર્ગેટ કરવા પાછળનો હેતુ શું હોઈ શકે તે સમજવુ જરૂરી છે .કાળાનાણાને ટાર્ગેટ કરી ધાર્યુ નિશાન પાડનાર બાબા હવે એક આંખે મેડીકલ સાયન્સ ને નિશાને લઈ તેમનો વ્યાપારિક ઉદેશ સિધ્ધ કરી રહ્યા છે . બાબા નો વિરોધ એ આયુર્વેદનો વિરોધ એવુ જુનુ પુરાણુ શસ્ત્ર ઉઠાવી સંસ્ક્રુતિ રક્ષકો મેદાને પડ્યા છે . રામદેવ ના વાણીવિલાસનો સનાતન હીંદુ પરંપરાઓ અને રૂષિ પરંપરાઓ વિરૂધ્ધ ષડયંત્ર ના આરોપ હેઠળ બચાવ કરવા ભગવી ટોળી ઉતરી આવી છે . ભાજપ કે તેના મળતીયાઓ વિરૂધ્ધ બોલનાર તમામ સામે અપનાવાયેલ યુક્તિ પ્રયુક્તિઓ તબીબી આલમ સામે અપનાવવા શરૂ થયુ છે . આ સંજોગોમાં તબીબોએ માત્ર બાબા રામદેવ સામે નહી આ તમામ ફોજ સામે લડવા હીમંત એકઠી કરવી પડશે. લોકોના જીવ બચાવવા પોતાનુ જીવન ખર્ચ કરી દેનાર ડોક્ટર્સે પોતાના સન્માન ને બચાવવા થોડી હીમંત ખર્ચવી પડશે . 

જો આમ ના થઈ શકે તો કોરોનાની સારવાર થી નવરા પડે IMA ની કરોડરજ્જુ નો ઈલાજ જુજ પણ બોલકા અને ઝમીર ધરાવતા તબીબો કરે તે જરૂરી છે.બાકી છાશવારે આવા અપમાનો સહન કરવાની આદત પાડી દેવી પડશે.

 *રાજેશ ઠાકર* 
(rajthaker207@gmail.com)

ટિપ્પણીઓ નથી: