સોમવાર, 23 સપ્ટેમ્બર, 2019

Restaurant and home

*રેસ્ટોરન્ટ હોટલ માં ખાતા પહેલાં આ જરૂર વાંચજો.  અને હા તમારા રસોડા નું પણ નિરીક્ષણ કરજો*  

આજે વાત આરોગ્યની જાળવણી વિશે કરવી છે. બહારનું ખાવા-પીવા વિશે મને જે અંગત અનુભવો થયા છે એનું જ આ નિરૂપણ છે. કોઇએ બંધબેસતી પાઘડી માથે પહેરી લેવાની જરૂર નથી.

ભરતભાઇ સોની પુત્રજન્મના સમાચાર જાણીને હરખથી ઊછળી પડ્યા. દરેક સ્ટાફ મેમ્બરને પાંચસો-પાંચસો રૂપિયા આપી દીધા. રાજકોટના પ્રખ્યાત કેસર પેંડાનું એક કિલોનું બોક્સ લઇ આવ્યા. મારા ટેબલ પર મૂકી દીધું.

મેં વિનય કર્યો, ‘ભરતભાઇ, આટલું બધું ના હોય. હું પાંચ-છ પેંડા રાખી લઉં છું.’ એ બોલ્યા, ‘અરે! આ તો કંઇ નથી સાહેબ! મારા ઘરમાં 40 વર્ષ પછી દીકરો જન્મ્યો છે. ચાર દીકરીઓ થયા પછી આ કુંવર આવ્યો છે. તમને તો મારે ડિનર માટે લઇ જવા છે.’
સામાન્ય રીતે હું દર્દીઓ સાથે મારા ક્લિનિકની ચાર દીવાલોની બહારનો સંબંધ બાંધતો નથી, પણ જ્યારે કોઇ જેન્યુઇન પ્રેમ ઠાલવે ત્યારે ઝૂકી જઉં છું. ભરતભાઇનો પ્રેમાગ્રહ સ્વીકારીને મેં હા પાડી દીધી.

થોડા દિવસ સુધી તો ડિનર માટે જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હતો. મેં ભરતભાઇનાં પત્નીને ત્રણ મહિના સુધી તકલીફ ન આપવાનું વિચાર્યું હતું. એ મર્યાદા પૂરી થઇ ગઇ તે પછી એક દિવસ ભરતભાઇનો ફોન આવ્યો, ‘સાહેબ, આજે સાંજે તૈયાર રહેજો. હું મારી કારમાં તમને લેવા માટે આવું છું. તમે અને મેડમ અને મારું ફેમિલી. અમારા વિસ્તારની એક સારી રેસ્ટોરાંમાં ડિનર લેવા જઇશું.’

અમે તૈયાર હતાં. ભરતભાઇ, પ્રિયાબહેન અને ચાર દીકરીઓ વત્તા એક નાનો ટેણિયો. એમની કાર મોટી હતી. બધાં બેસી ગયાં. નદીની પેલી બાજુના એરિયામાં આવેલી એક મોંઘી અને પ્રખ્યાત રેસ્ટોરાંમાં એ અમને લઇ ગયાં. ભરતભાઇએ સવારથી ટેબલ બુક કરાવી રાખ્યું હતું. ભવ્ય એમ્બિયન્સ હતું. આરામદાયક ખુરશીઓ હતી. સજાવટ પામેલું ડિનર ટેબલ હતું. સુઘડ, સફાઇદાર યુનિફોર્મ ધારણ કરેલા વેઇટર્સ હતા. સ્ટુઅર્ડ આવી અને ઓર્ડર પૂછવા લાગ્યો. ત્યાં સુધીમાં એક વેઇટર આવીને ઝગારા મારતી ક્રોકરી ગોઠવી ગયો. નેપ્કિન્સ સુંદર હતા. ભરતભાઇ વાનગીઓ લખાવતા હતા ત્યારે અચાનક એક ઘટના બની. કાઉન્ટર પર બેઠેલા મેનેજર ઊભા થઇને અમારી પાસે આવ્યા. મને ઉદ્દેશીને પૂછવા લાગ્યા, ‘સર, દિવ્ય ભાસ્કરમાં કોલમ લખો છો એ તમે જ ને? એમાં તમારો ફોટો આવે છે એટલે હું ઓળખી ગયો.’

મારા માટે આ કોઇ નવાઇ પામવાની કે અભિમાન કરવા જેવી વાત ન હતી. 25 વર્ષથી છાપે ચડેલા માણસ હોઇએ એટલે બે-પાંચ માણસો ઓ‌ળખી પણ જાય. મેં સહજતાપૂર્વક કહ્યું, ‘હા, એ જ હું.’‘સાહેબ, એક વિનંતી છે. અમારા કિચનમાં કામ કરતો હેડ કૂક લાંબા સમયથી પરેશાન છે. એને ચામડીનો પ્રોબ્લેમ છે. તમે એને સાજો કરી આપશો?’
‘ભાઇ, હું ચામડીનો ડોક્ટર નથી. હું તો...’

મેનેજર કેડો મૂકે તેમ ન હતો. ‘સાહેબ, તમે એક વાર જોઇ તો લો. પછી તમને લાગે તો બીજા કોઇ સારા ડોક્ટરનું નામ સજેસ્ટ કરજો.’ મેનેજરની વિનંતી સાવ જ અસ્થાને હતી, પણ એ જે ભાવ સાથે કહી રહ્યો હતો, એની અવગણના હું ન કરી શક્યો. હું ઊભો થયો અને એની પાછળ જવા લાગ્યો. એ મને કિચનમાં લઇ ગયો. કિચનના બારણા પર મોટા અક્ષરોમાં સૂચના લખેલી હતી: ‘ઓન્લી ફોર સ્ટાફ મેમ્બર્સ’. મને એ વાંચીને આશ્ચર્ય થયું; કયો એવો ગધેડો ગ્રાહક હશે જે વગર પૂછ્યે કિચનમાં ઘૂસી જાય?!
કિચનમાં પગ મૂકતાં જ મને આઘાત લાગ્યો. અમે ડિનર માટે જ્યાં બેઠાં હતાં એના કરતાં અહીંનું વાતાવરણ તદ્દન જુદું હતું. ભયંકર વાસ મારતું કિચન હતું. વોશબેસિન પાસે ડિશવોશર પડ્યું હતું. એની બાજુમાં એંઠવાડ ભરેલું પીપડું પડ્યું હતું. ઉંદરડાઓ દોડાદોડી કરતા હતા. દરેક ઉંદરનું કદ સસલા જેવડું હતું. એક ખૂણામાં સડેલાં શાકભાજી પાથરેલાં હતાં. એમાં ઇયળો ખદબદતી હતી. કર્મચારીઓ માઇક્રોવેન ઓવન અને ગેસ સ્ટવ પર અલગ અલગ વાનગીઓ તૈયાર કરી રહ્યા હતા. કોલ્ડ સ્ટોરેજમાં કેટલાય દિવસથી સંઘરી રાખેલી બે-ત્રણ જાતની ગ્રેવી કાઢીકાઢીને એ લોકો સબ્જી બનાવી રહ્યા હતા, પણ સૌથી મોટો આઘાત તો હવે આવવાનો હતો. હેડ કૂક પ્લેટફોર્મના બીજા છેડા પર બેસીને આટો ગુંદી રહ્યો હતો. મેનેજર મને એની પાસે લઇ ગયા. એમણે કહ્યું, ‘આ ડોક્ટરસાહેબ છે. તને જે થતું હોય તે જણાવી દે. એ તને સારી દવા લખી આપશે.’

એ માણસે એનો જમણો પગ ઊભો કર્યો અને પિંડી ખુલ્લી કરી અને મારી સામે ધરી દીધી. ત્યાં ઘૂંટી આગળ મોટું ઘારું પડ્યું હતું. જોતાંવેંત હું સમજી ગયો કે એ દૂઝતું ખરજવું હતું. ઘૂંટીથી વિસ્તરીને એ પગની આંગળીઓ સુધી લંબાયેલું હતું. એમાંથી ભયકંર દુર્ગંધ ઊઠતી હતી. પરુ જેવું ચીકણું પ્રવાહી એમાં બાઝેલું હતું. એ માણસે મને કહ્યું, ‘સાહેબ, આખી રાત હું ઊંઘી શકતો નથી. ખૂબ જ ખંજવાળ આવે છે. અહીં બેઠો છું તો પણ ખંજવાળ્યા વગર રહી શકાતું નથી. કેટલાય રૂપિયા ખર્ચી નાખ્યા પણ મટતું નથી.’ આવું કહીને એણે લોટવાળી આંગળીઓ એ ઘારા પર મૂકી દીધી અને વલૂરવા લાગ્યો. એની આંગળીઓ પર લોહી અને પરુ બાઝી ગયાં. હું હજી કંઇક કહું કે સમજાવું તે પહેલાં તો એણે એ જ હાથ વડે ફરીથી આટો ગુંદવા માંડ્યો.

આ મેં જાતે જોયેલી કડવી પણ સત્ય હકીકત છે. મેં એને શું સલાહ આપી એ વાત અહીં અપ્રસ્તુત છે, પણ અમદાવાદ જેવા શહેરના પોશ એરિયામાં આવેલી એક મોંઘી રેસ્ટોરાંના કિચનની અંદરની આ વાસ્તવિકતા છે. હું બહાર આવીને ડિનર ટેબલ પાસે મારી ખુરશીમાં બેસી ગયો. માત્ર એટલું જ બોલી શક્યો, ‘ભરતભાઇ, મને જરા પણ ભૂખ નથી. હું માત્ર આઇસક્રીમ લઇશ.’ (આવી જ રીતે એક વાર અનાયાસ હું એક આઇસક્રીમ બનાવતી ફેક્ટરીમાં જઇ ચડ્યો હતો. ત્યાંની ગંદકી જોયા પછી મને લાગ્યું કે બધી કંપનીઓના આઇસક્રીમ્સ પણ ખાવા જેવા નથી હોતા. હું હરગિજ એવું કહેવા નથી માગતો કે ભારતની તમામ રેસ્ટોરાંમાં આવું જ ચાલતું હશે, પણ હું એક સૂચન તો અવશ્ય કરીશ કે ગમે તેટલી સારી રેસ્ટોરાંમાં જમવા બેસતા પહેલાં એક નજર એના કિચનમાં કરી લેવી જરૂરી છે. જોકે, મોટા ભાગની રેસ્ટોરાંમાં કિચનમાં પ્રવેશ કરવાની મનાઇ હોય છે. શા માટે એ ભગવાન જાણે?
બીજી એક ઘટનામાં અમે ચાર-પાંચ મિત્રો  સપરિવાર ડિનર માટે ગયા હતા. એક ડોક્ટરમિત્રની સાથે એનું નાનું બાળક પણ હતું. એ બાળક માટે એની મમ્મીએ જરૂર પડે તો પીવડાવવાના આશયથી દૂધ પણ લીધું હતું. અમે જમતાં હતાં ત્યારે એ બાળકે રડવાનું ચાલુ કર્યું. એ મિત્ર દૂધ ભરેલું પાત્ર લઇને ઊભા થયા અને વેઇટરને વિનંતી કરી, ‘મને બે મિનિટ માટે કિચનમાં જવા દેશો? આ દૂધ ઠંડું થઇ ગયું છે. મારે એ ગરમ કરવું પડશે.’
વેઇટરે ના પાડી દીધી, ‘લાવો, હું ગરમ કરી લાવું.’ પણ મિત્રે જીદ પકડી કે દૂધ વધારે ગરમ નથી થવા દેવાનું, માત્ર નવશેકું જ રાખવાનું છે. એને કેટલું ગરમ કરવું એ માત્ર હું જ જાણું છું. એટલે વેઇટરે હા પાડવી પડી. એ મિત્ર કિચનમાં ગયા એવા જ પાછા આવ્યા. અમને કહેવા લાગ્યા, ‘પ્લીઝ, કોઇ એક પણ વાનગી ખાશો નહીં. અહીંનું કિચન તો ઉકરડા કરતાંય વધારે ગંદું છે.’ મેનેજર સાથે ઝઘડો કરીને અમે નીકળી ગયાં.

ફરીથી કહું છું કે આ વાત બધાને લાગુ નથી પડતી. અત્યારે ચોમાસાના દિવસો ચાલે છે. નેવું ટકા બીમારીઓ પ્રદૂષિત પાણી અને ગંદા ખોરાકથી ફેલાય છે. સમજદાર વાચકોએ પોતાનું આરોગ્ય જાળવી રાખવા માટે બહારનું ખાવાની વૃત્તિ પર સંયમ રાખવો જોઇએ.

આ તો સારી કહેવાતી રેસ્ટોરાંની વાત થઇ. ખૂમચાઓ, તાવડાઓ કે લારીઓમાં વેચાતી વાનગીઓની તો વાત જ કરવા જેવી નથી. અહીં મારો ઉદ્દેશ કોઇને દોષ આપવાનો નથી, પણ વાનગીઓ બનાવતા માણસોની અજ્ઞાનતા, આરોગ્ય વિશેની અપૂરતી જાણકારી, પૈસાનો લોભ અને શારીરિક બીમારીઓની હાજરી આ બધું લક્ષમાં લેવાવું જોઇએ. ઘરની ગૃહિણીએ બનાવેલી વાનગીઓ  કદાચ બહારના જેટલી ચટાકેદાર ન હોય તો પણ એમાં ચોખ્ખાઇ હશે, પ્રેમ હશે અને આરોગ્ય હશે.

લેખક: ડૉ. શરદ ઠાકર,
અમદાવાદ.

ટિપ્પણીઓ નથી: