ગાંધીજીનો આજે વિદાય દિવસ....વિવિધ ચર્ચા થશે.
એક વાત સતત
.. એમણે એકલાએ આઝાદી અપાવી હતી?
ના, એમણે નહોતી અપાવી.....લ્યો આ જવાબ.
આ લેખ 2019નો છે પુનઃ પુનઃ મારી પાસે આવતો રહે છે. અનેક મેગેઝિન આ સૌજન્ય.....એવું લખીને છાપી ચૂક્યા છે.
Dt. 05-11-2019
*આવો, ગાંધીજીને આઝાદીની ચળવળ માંથી બાદ કરી નાખીએ*
*જ્વલંત છાયા*
Mob. 99099 28387
【Jwalant Chhaya જ્વલંતભાઇ, અદ્ભુત હો.... આ લેખ લખતાં તમે કલમ અટકાવી શું કામ? હજી હાલવાં દેવું'તું ને ! લેખ પૂરો કરવાની જરુર જ નહોતી. ક્યા બાત હૈ ! જમાવટ છે જમાવટ... તાકાત વાળો લેખ.... જીયો જીયો.... એક શ્વાસે વાંચી ગયો, અફલાતુન !!! મિત્રો, વાંચો આ ગાંધીજી પર જ્વલંત છાયા દ્વારા લખાયેલ એક અસામાન્ય લેખ】
અગાઉ એવું લખી-બોલી ચૂક્યો છું કે ગાંધીજી એક સૂર્ય છે. એની સામે ધૂળ ઊડાડીએ અને કણું આપણી આંખમાં પડે તો જવાબદાર આપણે. હાથની મુઠ્ઠી ભરીને કોઇ ઘૂળ ઊડાડે તો સૂર્યને અસર ન થાય. પણ મોટા મોટા ભૂંગળા- ચિમની માંથી જ્યારે ધૂમાડો આકાશમાં ઉડવા લાગે તો વાતાવરણ ડહોળાય તો ખરું !! અને ગાંધીજીને ભાંડવાના કારખાના શરુ થયાં છે. પહેલાં જે ગણગણાટ હતો એ હવે અવાજમાં તબદીલ થયો છે. હજી વધારે બુલંદ બનશે. આ કંઇ નવું નથી, એમના સમયથી છે. *મોહનદાસ ગાંધી નામનો એક દરીયો ઘૂઘવે છે અને નાની મોટી ગટરો એનું માપ મન પડે ત્યારે આપે છે.* ફર્ક ગાંઘીજીને નથી પડતો પરંતુ પ્રજા તરીકે આપણને પડવો જોઇએ. મોટી ગેરસમજનું સર્જન સતત કરવામાં આવે છે કે ગાંધીજી એટલે કોંગ્રેસ. ગાંધીજી એટલે અમુક જ નેતાઓ માટેનો પ્રેમ ધરાવતા વ્યક્તિ.
ફૂટબોલના મેદાનમાં જેમ બોલ હોય એમ છેલ્લા ઘણા સમયથી એક બોલ - મુદ્દો ફેંકવામાં આવે છેઃ *દેશને આઝાદી ફક્ત ગાંધીજીએ નહોતી અપાવી.* ઘણા લોકો શહીદ થયા હતા. આમાં કોણ અસંમત છે? સ્વયં ગાંધીજીએ પણ આવો દાવો કર્યો નથી કે આઝાદી એમના એકલાના લીધે આવી. *ગુલામીગ્રસ્ત આ રાષ્ટ્ર આઝાદ થવું જોઇએ એવો વિચાર 1857થી શરુ થયો. ગાંધીજીનો જન્મ 1869માં થયો.* આપણને જે વિપ્લવ-બળવો તરીકે ઘટના ભણાવાઇ એ હકિકતમાં પ્રથમ ક્રાંતિ હતી. એટલે આ વિવાદ-વિરોધ ગાંધીજીના વિરોધીઓ જ ઉભો કરી રહ્યા છે. બસ ફર્ક એટલો હતો કે *અનેક લોકો દેશ માટે નાની ઉંમરે શહીદ થયા. ગાંધીજી દેશ માટે મોટી ઉંમર સુધી જીવ્યા. એટલે દેશ માટે મરવું કેમ એ અનેક મહાન લોકો પાસેથી શીખી શકાય, દેશ માટે જીવવાનું શિક્ષણ ગાંધીજી-સરદાર પટેલ જેવા લોકો જ આપી શકે.*
ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહ્ય? ઇતિહાસના દસ્તાવેજો તો કહે છે સુભાષચંદ્ર બોઝે. પણ ગાંધીજી કોઇ પદ,પ્રતિષ્ઠા,બિરુદમાં બંધાવા નહોતા સર્જાયા. *સ્થિતિ એવી થઇ ગઇ છે કે કોઇ પણ ટટપુંજિયો આવીને ગાંધીજી વિશે કંઇ પણ બોલે આપણી પ્રજા એને તાલીઓથી વધાવી લે છે.*
*કોઇ પાન ખાઇને પિચકારી મારે, થૂંકે એને અભિષેક ન કહેવાય એવી સાદી સમજ આપણે ગુમાવી રહ્યા છીએ.*
ચલો એક પ્રયોગ કરીએ.-એમણે જીદગી ભર પ્રયોગ કર્યા એટલે તો એમનું જીવન યોગ બનીને આપણી સામે આવ્યું છે. એક પ્રયોગ કરીએ- *આઝાદીની સમગ્ર ચળવળ માંથી થોડી મિનિટ ગાંધીજીની બાદબાકી કરી નાંખીએ!!!*
આવું કરવાનું કારણ એ છે કે સતત જો ફેલાવવામાં આવતું હોય કે ગાંધીજીએ તો કંઇ કર્યું નહોતું તો પ્રશ્ન થયો કે દુનિયા તો પણ કેમ આ વિભૂતિ પાછળ ઘેલી છે? *બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન એટલી જાણે અવતાર પુરુષ હોય એમ એના એક વિધાનને ક્વોટ કરવામાં આવે છે કે દેશ આઝાદ થયો એમાં ગાંધીજીની અહિંસાનું કોન્ટ્રીબ્યુશન- પ્રદાન ઓછામાં ઓછું હતું.* પરમ બુધ્ધિમાનો આ સાંભળીને ચોંકી ઉઠે છે. એટલીને મનોમન અગરબત્તિ ધરવા લાગે છે. અરે ભાઇ, અહિંસા એ માત્ર આઝાદી માટેનો કન્સેપ્ટ જ નહોતો. *સૌ થી મહત્વની વાત કે ભારતની આઝાદી માટેની લડત એ ગાંધીજીના વિરાટ અને વિશાળ જીવનનો એક હિસ્સો હતી.* ફક્ત આઝાદી એમનું કાર્ય નહોતું અને જે આઝાદી મળી એમાં તો એ રાજી નહોતા જ. જુઠ જ ઓકવું છે એ તો કંઇ પણ કહે, બાકી દેશ આઝાદ જે રીતે થયો એ ભારત ગાંધીજીના સ્વપ્નનું હતું જ નહીં.
આપણે આપણા જ ચશ્મા પહેરીને બધું જોવા ટેવાયેલા છીએ. *રાષ્ટ્રવાદ શબ્દ કેવો સરસ છે? ગાંધીજી રાષ્ટ્રવાદી નહીં, રાષ્ટ્રપ્રેમી હતા.* દેશને બંધારણીય આઝાદી અપાવીને એમને સંતોષ નહોતો. ખરા અર્થમાં આર્થિક, સામાજિક, માનસિક આઝાદી એમનું લક્ષ્ય અને કલ્પના હતી. *એટલે આપણે ચલો ગાંધીજીને આઝાદીની ચળવળ માંથી કાઢી જ નાંખીએ.* અસહકાર આંદોલન, જેને લીધે વલ્લભભાઇ સરદાર બન્યા એ બારડોલી અને ખેડા સત્યાગ્રહ, 1909થી જેના બીજ રોપાયાં હતા અને અંગ્રેજ સરકાર હલી ગઇ એ મીઠાં સત્યાગ્રહ કે ભારત છોડો આંદોલન- આમાંનું કંઇ જ સફળ નથી. આ કંઇ કરવાથી આઝાદી નહોતી મળી એવું માની લઇએ. ગાંધીજીના અવસાન પછી 1948 પછી કદાચ દેશ આઝાદ થયો હોત. માની લઇએ. તો પણ ગાંધીજીનું જીવન જે સ્તર પર છે એવું બીજું કોણ જીવ્યું? *આ તો કેવું છે ખબર છે, કે કૃષ્ણે ગોપીના ઘરમાં જઇને માખણ ન ચોર્યું હોત તો?! તો ભગવત ગીતા ન મળત? તો કંસવધ ન થાત? તો મહાભારતના યુધ્ધમાં પાંડવોનો પરાજય થાત!! માણખ ચોરી વગરનું કૃષ્ણ ચરિત્ર કેવું લાગે?*
જે લોકો ગાંધીજી વિશે ભાઉ ભાઉ કરે છે એ લોકો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વિશે તો બોલતા જ નથી. સર, વિચાર તો કરો અહીંથી લંડન ગયેલો માણસ ત્યાં જઇને વેજિટેરીયનની મુવમેન્ટમાં જોડાય. આજે દુનિયાના અનેક દેશ આ ચળવળ અપનાવી ચૂક્યા છે. પછી એ જ વ્યક્તિ આફ્રિકા જાય, ત્યાં લાખો રુપિયાની પ્રેક્ટિસ છોડીને અન્યાય સામે લડે. એના પર ત્યાં હુમલો થાય. બેભાન થઇ જાય. ભાનમાં આવીને સૌથી પહેલો પ્રશ્ર્ન એ પૂછે કે મને મારનારનું શું થયું? એને છોડી મુકજો. કોઇ કામ એના પર ન ચલાવતા. એ હુમલો કરનાર પછી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સૌથી પહેલો ગાંધીજીની સાથે ઉભો રહે. ફિનિક્સ અને ટોલ્સટોય ફાર્મ. *ત્યાં પરદેશમાં ઇન્ડિયન ઓપિનીયન નામનું અખબાર અને અંગ્રેજ સરકાર એ છાપું બિલોરી કાચ રાખીને વાંચે.*
ત્યારે ક્યાં ભારતની આઝાદીની વાત પણ હતી?
1915માં ભારત આવ્યા પછી ટ્રેનના થર્ડક્લાસના ડબ્બામાં આ બારિસ્ટર મુસાફરી કરે, ગરીબોની અવદશા જોઇને બે-ત્રણ માસ બે જ વસ્ત્ર ધારણ કરવાની પ્રતિજ્ઞા લે અને પછી એ જીવનભર પાળે. એક કિસ્સો તો છેક મોડે મોડે બન્યો- *નોઆખલી જતા હતા એ સમયે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં વરસાદને લીધી પાણી ભરાયું. અધિકારીઓ કહેવા આવ્યા કે તમે બીજાં કમ્પાર્ટમેન્ટમાં બેસી જાઓ. ગાંધીજી કહે તો એ લોકો ક્યાં બેસશે? પેલા કહે એમને અહીં શિફ્ટ કરશું. તો ડોસા કહે, જો એમને અહીં બેસાડી શકાય તો મને શું વાંધો હતો? રાષ્ટ્રપિતા એટલે કહેવાયા. એમાં આરટીઆઇ કરવાની જરુર નહીં.* હિન્દુસ્તાનના સાત લાખ ગામડાંની આર્થિક આઝાદી માટે રેંટિયો શસ્ત્ર છે એવી સમજ. ખાદીનો વ્યાપ. “એક એક તાર કાંતું ત્યારે મારા મનમાં હિન્દુસ્તાનના કંગાળોનું ચિંતન છે.” –
આઝાદીની લડતમાં ગાંધીજીએ કંઇ નહોતું કર્યું બસ. પણ આ કોણે કર્યું?
જેલમાં પણ પ્રાર્થના, જેલમાં પણ સ્વાધ્યાય. અરે કેવી કેવી કૃતિઓ જેને ગાંધીજીએ પ્રાર્થના બનાવી દીધી. કેવા કેવા સાક્ષરો, સમર્થ લોકોએ ત્યાં જાણે શરણું લઇ લીધું.-બહુ બહુ લંબાણ થઇ જશે. વિનોબા હોય કે સ્વામી આંનદ. કે કાકા કાલેલકર કે ઉમાશંકર જોશી….ગાંધીજીના વિચારથી કોઇ કોઇ અલિપ્ત રહી ન શક્યા. એ પ્રાર્થનાના પડઘા હજી ક્યાંક વાતાવરણમાં છે. ઘોંઘાટ વધુ છે એટલે આપણને ઓછા સંભળાય છે. *કુષ્ટરોગીઓની સારવાર ક્યા સમાંતર નેતાએ ગાંધીજીના પ્રમાણમાં કરી? અને અસ્પૃશ્યતા નિવારણ માટે શેરી-શેરી પગપાળા ફર્યા ગાંધીજી. દેશ આઝાદ ન થયો હોત અને આ કલંક મટી ગયું હોત તો? દેશ આઝાદ થઇ ગયો તો પણ શું જો અસ્પૃશ્યતા યથાવત છે.*
ચંદ્રકાન્ત બક્ષી 1981માં પાકિસ્તાન ગયા ત્યારે લિયાકત અલીના પત્ની રાનાને મળ્યા હતા. *પાકિસ્તાનના એ મહિલાએ બક્ષીને કહ્યું હતું. “અમારે આજે (1981માં) મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં પરદેશ મોકલવી હોય તો વિચાર કરવો પડે છે. ગાંધીજી 1919માં મહિલાઓને દારુના અડ્ડા સામે પિકેટીંગ કરવા રસ્તા પર લાવ્યા હતા.*
પાકિસ્તાનની મહિલાનું આ અવલોકન છે. જેને પેલા એટલી જેટલી પ્રસિધ્ધિ નથી મળી. સ્ત્રી સશક્તિકરણના આવાં તો સેંકડો ઉદાહરણ ગાંધીજીની જીવન માંથી મળે છે.-
કબુલ માત્ર ગાંધીજીને લીધે દેશને આઝાદી નહોતી મળી. પણ આ બધું?
જે સ્વદેશી માટે ભાઇ રાજીવ દીક્ષિત જીંદગી ભર દેશમાં ફર્યા. એ સ્વદેશીની વાત ગાંધીજીએ તો વીસમી સદીના પહેલા બે દાયકામાં કરી હતી..
હિન્દુ વિરોધી ગાંધી- એવું હસવું આવે હો. અરે હિન્દુઓનો સૌથી મહત્વનો, મોટો ગ્રંથ ભગવત ગીતા. આના અનાસક્તિયોગ પર ગાંધીજનું ભાષ્ય વાંચ્યું છે? ભાષ્ય નહીં ફક્ત પ્રસ્તાવના જ વાંચીએ તો ખબર પડે કે આ કેટલા મોટા હિન્દુ હતા!!? રામનામ-એમના શ્વાસ હતું. અહિંસા આપણી સંસ્કૃતિ નથી. એવું પણ કોઇને લાગે છે. *અરે ભગવત ગીતાનો સાર શું? મહાભારત યુધ્ધનું શાસ્ત્ર નથી. ઊંડે જવું પડે. એ યુધ્ધની નિરર્થકતા કહેતું શાસ્ત્ર છે. સેંકડોના સંહાર અને ભીષણ રક્તપાત પછી પણ કોને શું મળ્યું? હેમાળે હાડ ગાળવા જ જવું પડ્યું ને? તો એ યુધ્ધ શું કામ નું? આ ભગવતગીતાનો સંદેશ છે. અશોકને લોકો સમ્રાટ કહે છે પણ એ તો પછી રાજપાટ છોડી ગયા. આ ભગવતગીતાને ગાંધીજીએ જીવનમાં ઉતારી હતી.* અને ગીતા હિન્દુઓનો ગ્રંથ નથી એ હિન્દુ શાસ્ત્રકાર દ્વારા વિશ્વને અપાયેલી જીવન જીવવાની જડીબુટ્ટી છે.
*ગાંધીજીની અહિંસા સામે આંગળી ચીંધવી એટલે મહાવીરની અહિંસા સામે શંકા, ગાંધીજીના સત્યને પડકારવું એટલે રાજા હરિશ્ચંદ્રના સત્યને પડકાર. ગાંધીજીના સર્વધર્મ સમભાવને પડકાર એટલે રામરાજ્યના કન્સેપ્ટ સામે સીધો સવાલ. ગાંધીજીની સહ્રદયતા સામે શંકા એટલે શ્રીમદ રાજચંદ્ર જેવા મહાપુરષ સાથે અસંમતિ. કારણ કે આ બધું એ કોઇને કોઇ વ્યક્તિ-વિભૂતિ કે વિભાવના પાસેથી પામ્યા હતા. હવે નક્કી આપણે કરવાનું આપણે આ બધા મહાન લોકોને માનવા કે કોઇ લલ્લુ ગાંધીજી વિશે કંઇ પણ બોલે એ માનવું?*
- આમાં ક્યાંય ગાંધીજીની આઝાદીની ચળવળ વાળી વાત નથી.
આહારના પ્રયોગ,કેળવણી. આજે વિશ્વના પ્રગતિશીલ દેશો નઇ તાલીમના કન્સેપ્ટને અનુસરવા દફતર તૈયાર કરી રહ્યા છે એના ગુરુ ગાંધીજી હતા.
આપણને પેલા એટલી- એટલી બધીવાર આંખ સામે ધરવામાં આવે છે કે ગાંધીજીની પ્રતિભાને આપણે એમની આંખે જોવા લાગીએ છીએ. *ગાંધીજી વિશે આઇન્સ્ટાઇને કહ્યું હતું એ તો બહુ જાણીતું છે. ફ્રેન્ચ નવલકથાકાર રોમા રોલાંએ ઇંગ્લેન્ડની યુવતી મેડલિન સ્લેડને કહ્યુઃ “ગાંધીજી તો બીજા જિસસ ક્રાઇસ્ટ છે.” અને મેડેલિન ભારત આવીને, મીરાં બનીને રહ્યાં.* ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો ગાંધીજીને ખાસ મળવા જાય. એ ગાંધીજી ગોળમેજી પરિષદમાં જાય ત્યારે લેન્કેશાયરની મીલના મજુરોને મળે અને કહે કે “હું તમારું બૂરું નથી ઇચ્છતો પણ હિન્દુસ્તાનનો ભુખમરો ય નથી ઇચ્છતો.” પોતડી પહેરીને જ બધાને મળે. સંદેશ સ્પષ્ટ કે હું તો ગરીબ દેશના લોકોનો પ્રતિનિધી છું. *અને કોઇ બાળક પૂછે કે તમને મારી મા કપડાં સીવી દે? તો કહે ચાલીસ કરોડ લોકોના સીવી શકશે?*
-ગાંધીજીએ જ માત્ર દેશને આઝાદ કરાવ્યો એવું નથી.
આજે આપણને ગાંધી માંથી આપણા મનમાં રહેલી કાયરતાની, આપણા મનમાં રહેલી અનેક વૃત્તિની ગંધ આવવા લાગી છે, ગાંધીજીનો વિચાર ક્યાં સુધી એવું આપણે પૂછીએ છીએ. પણ વિશ્વના અનેક દેશમાં ગાંધીજી ખીલી ચૂક્યા છે. ગાંધીજી મહેકી રહ્યા છે. *અમેરિકન પત્રકાર લુઇ ફિશરે લખ્યું હતુઃ હું લેનિન, ચર્ચિલ, રુઝવેલ્ટ, સ્તાલિન, એટલી, આઇન્સ્ટાઇનને મળ્યો છું. પણ ગાંધી કરતાં વધારે ચમત્કારિક માણસને હું મારી જિંદગીમાં મળ્યો નથી, અમેરિકન સાપ્તાહિક ટાઇમે મેન ઓફ ધ મિલેનિયમ -એક હજાર વર્ષના મહાપુરુષોની સૂચિમાં એક ડઝન નામ મુક્યાં હતાં એમાં જ્યોર્જ વોશિંગ્ટન પછી તરત ગાંધીજીનું નામ હતું અને પછી નામ હતાં કોલંબસ, ચર્ચિલ, હિટલર, સિગમંડ ફ્રોઇડ.*
*ઇંગલેન્ડના સામ્રાજ્ઞી એલિઝાબેથના લગ્ન પ્રસંગે ગાંધીજીએ હાથે વણેલી ખાદીનું ટેબલ કવર ભેટ મોકલ્યું હતું- રાજ પરિવારે વર્ષો સુધી એ સાચવ્યું. મુંબઇના ભૂતપૂર્વ ગવર્નર બેરન લોઇડ ઓફ ડોલોબ્રાએ દાંડીકૂચ વિશે કહ્યું હતુઃ ગાંધીએ અમને ખરેખર ધ્રુજાવી નાંખ્યા. દુનિયાના ઇતિહાસમાં આ સૌથી વિરાટ પ્રયોગ હતો.*
– ગાંધીજીને લીધે જ દેશને આઝાદી મળી એવું કોણ કહે છે?
*બીજા વિશ્વ યુધ્ધ પછી અમેરિકાના મોટરકાર ઉદ્યોગના માંધાતા હેનરી ફોર્ડને ગાંધીજીએ ભેટ રુપે રેંટિયો મોકલ્યો હતો. હોંગકોંગના એશિયાલિક સાપ્તાહિકે ગાંધીજીની હત્યા પછીના પચાસમાં વર્ષે લખ્યુઃ મહાત્મા ગાંધીને હવે શાંતિ માટેનું મરણોત્તર નોબેલ પારિતોષિક આપીને નોબેલ કમિટિએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી લેવું જોઇએ*
*જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં એક રોડનું નામ મહાત્મા ગાંધી રોડ છે. બર્લિનની એક શાળાને ગાંધીજીનું નામ આપવામાં આવ્યું છે. જ્યોર્જિયાના આટલાન્ટામાં માર્ટિન લ્યુથર કિંગ સેન્ટરમાં ગાંધીજીની છ ફૂટની કાંસ્ય પ્રતિમા ઊભી કરાઇ છે. નેલસન મંડેલાની આત્મકથા છે લોંગ વોક ટુ ધ ફ્રીડમ એમાં એમણે લખ્યું છેઃ અંધારાના એ દિવસોમાં ગાંધી પ્રેરક પ્રકાશ હતા. મેક્સિકોના ખેત મજુરોના નેતા સિઝારેએ ગાંધીજીની પરંપરાને અનુસરીને આંદોલન ચલાવ્યું હતું. ઇઝરાયલના સ્થાપક ડેવિડ બેન ગુરિયોના ઘરની દીવાલ પર ગાંધીજીનો ફોટો હોવાની વાત ચંદ્રકાંત બક્ષીએ 3 ઓગસ્ટ 1998ના ચિત્રલેખામાં લખી હતી.*
આ બધા દેશોની આઝાદીમાં ગાંધીજીનું શું યોગદાન હતું? કંઇ નહીં. છતાં વિશ્વ એમને વંદન કરે છે. *જનરલ સ્મટ્સનું નામ સાંભળ્યું છે? દક્ષિણ આફ્રિકામાં જેલમાં એમણે ગાંધીજીને હેરાન કર્યા હતા. પછી પ્રમુખ પણ બન્યા. ગાંધીજીએ એમને હાથે બનાવેલા ચપ્પલ મોકલ્યા. સ્મટસે લખ્યું છે, એ ચપ્પલ મેં સાચવી રાખ્યા છે.ગાંધીના પેંગડામાં પગ નાખવાનું મારું ગજું નથી.*
*સુરાહવરદી- કટ્ટર મુસ્લિમ. કોલકતામાં હજારો હિંદુઓની કતલ કરાવવાનો એમના પર સંગીન આરોપ હતો. એ પછી તો પાકિસ્તાન ગયા. ત્યાં ગાંધીજીના રસ્તે આંદોલન કર્યું. એટલે એમની હત્યા થઈ.*
ગાંધીજી રાજ્ય,રાષ્ટ્રના સીમાડા વટાવી ચૂકેલા વિશ્વ માનવ હતા. આપણને અમુક ક્વોટેશનનું ઝેર પીવડાવવામાં આવે છે. ગાંધીજી વિશે અમૃત કહી શકાય એવા અવતરણો,કવિતાઓ,દુહાઓ પણ છે. ગાંધીજી એટલે ફક્ત કોંગ્રેસ નહીં, ગાંધીજી એટલે ફક્ત આઝાદીની લડત અને નહેરુની પસંદગી નહીં. ગાંધીજી અને સરદાર, ગાંધીજી અને કસ્તુરબા એ પણ વિષયો છે. ગાંધીજી અને પર્યાવરણ પણ વિષય છે. *અને આનંદ છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તો આ પર્યાવરણ સહિતના અનેક મુદ્દે ગાંધીજીનું વારંવાર સ્મરણ કરે છે. એ લાલ કિલ્લા પરથી પણ ગાંધીજીને યાદ કરે છે અને ડિસ્કવરીના શો માં પણ એમને યાદ કરે છે.*
દેશને ફક્ત ગાંધીજીને લીધે જ આઝાદી નહોતી મળી. એવું કહેવા વાળા મિત્રોને ખમ્મા-ઘણી ખમ્મા. પણ આટલા ચિંતકો, દેશનેતાઓ, પરદેશનેતાઓ એમને અનુસરે-વખાણે એ કંઇ ફક્ત દેશની આઝાદી માટે થોડું હોય? જે અન્ય કોઇ નેતા વિચારી પણ ન શકે એ ગાંધીજી જીવ્યા. એટલે હજી જીવે છે.
આપણે લાગી પડ્યા છીએ ગાંધીજીને કંઇ પણ કહેવા. ચલો, *ગાંધીજીને આઝાદીની ચળવળના ઇતિહાસમાંથી અલવિદા કહી દો. પણ માનવતાના ઇતિહાસમાંથી એમનું નામ નહીં નીકળી શકે* ગાંધીજી માનવતાના શરીરમાં ફક્ત રક્ત નથી ડીએનએ છે. જે લોકોને ગાંધીજી નથી ગમતા એમને મારી વિનંતિ છે. એમના વિશે જાણીને વિરોધ કરાય, કરારી ટીકા કરાય. ગાંધીજીની ટીકા કરનારા લોકો થોમસ આલ્વા એડીસનના ૯૯૯ પ્રયોગની ટીકા કરે છે. ગાંધીજી સ્વાવલંબી હતા - ટીકામાં પણ.
*ગાંધીજીને ધક્કો મારવાના બહુ પ્રયાસ થાય છે.ગાંધીજીને ધક્કો મારવાથી શું થાય? એક રેલ અધિકારીએ પીટર મારિત્ઝબર્ગ રેલવે સ્ટેશન પર ગાંધીજીને ધક્કો માર્યો હતો. તો એક ક્રાંતિ સર્જાઇ. ધક્કો મારવાથી બેસી પડે એ ગાંધીજી નહીં. એને ધક્કો લાગ્યો તો એમણે સરકારોને ધકેલી દીધી.* એટલે પ્લીઝ ગાંધીજીને ધક્કો મારવાનું રહેવા દો. એ બેઠા છે ત્યાં બેસવા દો, કાંતતા હોય તો કાંતવા દો. ધક્કો મારશો તો વળી ક્રાંતિ થશે.
----------------------------
ટીમ
✍🏼
*Limited 10પોસ્ટ* વતી
મહેન્દ્ર મેરવાણા
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)
[34 ગ્રુપ, 8000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
.