સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

Medical practice in India

ભારત ની આરોગ્ય સેવા ની અધોગતિ :- 

ડો સચિન લંડગે ની પોસ્ટ નું ગુજરાતી ભાષાંતર અને વિચાર વિસ્તાર  ડો પ્રદીપ જોશી એમડી ભાવનગર દ્વારા 

જેમ હોટેલ શરૂ કરવા એમબીએ થવું જરૂરી નથી પણ પૈસા નું રોકાણ કરી અનેક એમબીએ ને નોકરી એ રખાતા તેમ હવે હોસ્પિટલ બનાવા કે ચાલુ કરવા ડોકટર હોવુ જરૂરી નથી !!

નફાખોર વેપારીઓ ધનપતિઓ અને માલેતુજાર કોર્પોરેટ્સ આ વાત સારી રીતે જાણે છે.મોટી મોટી ઇમારતો ને રૂડા રૂપાળા કે જીભે ન ચડે તેવા નામો આપી એડવાન્સ વર્લ્ડકલાસ હેલ્થકેર કે કોઈ દિવંગત વ્યક્તિ ના નામે હોસ્પિટલ બનાવી સદાવ્રત નો દેખાવ કરી કરોડો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધન સામગ્રી તથા ખોટા ઠઠારા પાછળ ખર્ચે પણ ડોકટરો ની ગુણવત્તા પાછળ સૌથી ઓછો ખર્ચ કરે .
સૌથી નવોદિત જુનિયર ડોકટરો કે જેઓ કમિશન અને શેરિંગ ના દળદલ માં જલ્દી ફસાઈ જાય તેને નોકરી અને શેરિંગ માં રાખવામાં આવે. આવા નવા પૈસા બનાવતા મશીનો ખુબ ચાલવા મંડ્યા સફળ પણ થયા કારણકે તેણે માલેતુજારો ને શ્રેષ્ઠ સારવાર ખરીદી શકાય ની ભ્રમણા માં નાખ્યા અને મધ્યમ તથા સમાજ ના પછાત લોકો ને મેડીકલેઇમ કેશલેસ અને અમૃતમ કાર્ડ ના લાભાર્થી તરીકે લપેટયા.માંદગી અને મૃત્યુ ના ખૌફ નું માર્કેટિંગ એટલી કુશળતા થી કરવામાં આવ્યું કે લોકો ડર કે આગે જીત નહિ હાર હૈ માં જીવવા લાગ્યા.

પરિસ્થિતિ માં વળાંક  1992 થી આવવાની શરૂઆત થયી

જ્યારે કોઈ હજારો લાખો કરોડ નું રોકાણ કરે ત્યારે નફો કરવો એ પહેલું લક્ષ સ્વાભાવિક જ હોય અને તે માટે સતત દર્દીઓ નો પ્રવાહ ચાલુ રાખવો પડે. ભરેલા ખાટલા બાટલા રિપોર્ટ્સ ઓપરેશનો અને પ્રોસીઝર્સ ની ભરમાર કરવી પડે. ભારતીય સમાજ જાહેરાત અને ભ્રષ્ટચાર ની અસર માં તરત આવી જાય તેવી તાસીર ધરાવતો સમાજ છે. દરેક માર્કેટિંગ ની આવડત અને યોજના તે દિશા માં વાળવી પડે..દર્દીઓ ને ખેંચી લાવવા,પ્રોસીઝર અને ઓપરેશન માટે તેમની પાસે પૈસા ભરાવવા અને આ માટે દૂર અંતરિયાળ વિસ્તારો માં ફ્રી કેમ્પ ના રૂપકડા નામે તિકડમ ચલાવાયા અને મફત શબ્દ જ એટલો આકર્ષક છે કે મોટા ભાગ ના કતલખાને જતા બકરા ની જેમ ફસાયા. 
વ્હોલ બોડી ચેકઅપ કોર્પોરેટ ચેક અપ જેવા રૂપકડા મથાળા હેઠળ ભણેલ ગણેલ ,આરોગ્ય પ્રત્યે બેફિકર અને આરોગ્ય સમસ્યા થી પેનિક અનુભવતા લોકો ના ટોળા ને આકર્ષવામાં આવ્યા.મેનેજરો પીઆરઓ ની ફૌજ પ્રાઇવેટ ડોકટરો ને મળી દાખલ કરવા ટેસ્ટ કરાવવા કે પ્રોસીઝર માટે દર્દીઓ મોકલી બદલામાં પ્રોફેશનલ ફી ના નામે તગડા કમિશનો ઓફર કરવા લાગ્યા. 

સામન્ય માંદગી જેનો ઈલાજ નાના ગામ ના દવાખાના કે નાની હોસ્પિટલ માં પણ થઈ શકે તેમ હોય તેને મોટા શહેરો માં રીફર કરી ઓછી મહેનતે વધુ રોકડી કરવાની માનસિકતા નાના ગામ ના ડોકટરો એ પણ કેળવી લીધી અને દર્દીઓ પણ ગર્વ થી સારવાર માટે કેટલા વીઘા જમીન કે કેટલા તોલા સોના ના ઘરેણાં વેચ્યા કે ગીરવે મુક્યા તેની વાર્તા ગર્વભેર કરવા માંડ્યા. સરકારી આરોગ્ય વ્યવસ્થા ની અપૂરતી સગવડતા કે સાવ ગેરહાજરી ને કોઈ સવાલ ના પૂછાયા. મેડીકલેઇમ હોય તે લોકો પોતે હોસ્પિટલ અને ડોકટરો ના માલિક હોય તેમ વર્તવા લાગ્યા. તેઓ હોસ્પિટલ અને ડોકટર ની પસંદગી કરી તેમના પર જાણે બહુ મોટો ઉપકાર કર્યો હોય તેવો અભિગમ રાખવા માંડ્યા અને ખર્ચો કરીએ એટલે સારું અને શ્રેષ્ઠ પરિણામ મળવું જ જોઈએ એ સર્વસામાન્ય અપેક્ષા બની ગઈ. ધમકીઓ,મારામાર     ,માથાકુટ અને ફિરોતી ની માંગણી રોજ નો ઉપદ્રવ બની ગયા

મેડિકલ સેવાઓ ને ગ્રાહક સુરક્ષા ના દાયરામાં લેવા નો ફેંસલો એ અલ્પશિક્ષિત,ગરીબી અને રાજકારણ ના ચંચુપાત પીડિત આરોગ્યસેવા ના કોફીન માં છેલ્લા ખીલા નું કામ કર્યું.ડોકટરો હવે ફક્ત ક્લિનિકલ જજમેન્ટ થી નિદાન અને સારવાર આપતા અચકાવા લાગ્યા કારણકે દર્દીઓ અને ન્યાયાલય સબીતી રૂપે રિપોર્ટ્સ માંગવા માંડ્યા. આ કારણે બિનજરૂરી રિપોર્ટ્સ કરવાની મજબૂરી ઉભી થયી. પ્રમાણભૂત નિદાન પ્રક્રિયા અને સારવાર એ પરંપરાગત ક્લિનિકલ મેડિસિન ના દાયકા જુના વિજ્ઞાન ને હરાવી દીધું.ડોકટર અને દર્દી વચ્ચે નો સબંધ શંકાશીલ બન્યો અને સબંધ નો દાયરો વધતો ગયો.

તેમ છતાં કેટલાક પ્રમાણિક એથીકલ ડોકટરો એ પોતાના નાના ક્લિનિક હોસ્પિટલ નર્સિંગ હોમ ચાલુ રાખી સમાજ ને જરૂરી સેવાઓ આપવી ચાલુ રાખી.વ્યાજબી નિમ્નત્તર ભાવ માનવતા અને આપસી સબંધો ને માન આપી દસકા ઓ અને દાયકાઓ ના સબન્ધ જાળવી રાખ્યા.
ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એકટ એ આવી સસ્તી સારી નાની હોસ્પિટલો ની કમર તોડી નાખી કારણકે આરોગ્ય સેવા નું આંધળું પશ્ચિમિકરણ ભારતીય હોસ્પિટલો માટે પશ્ચિમી ધારાધોરણ નો હઠાગ્રહ ને કારણે વધુ લાઇસન્સ, 30 થી વધુ પરમિશનો (ચા પાણી ના વહીવટ સાથે ) પેપર વર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના તોતિંગ ખર્ચાઓ ના કારણે આરોગ્ય સેવા વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરવી અશક્ય બની ગઈ. પશ્ચિમિકરણ નું આંધળું અનુકરણ તબીબી સેવાઓ ના ચાર્જીસ માં લાગુ ના કરાઈ. દર્દી અને સગાઓ તો આ વધતા ખર્ચ માટે કોઈ રાજકારણી કોર્પોરેટ કે વેપારી ને નહિ પણ ડોકટર નેજ જવાબદાર ગણે અને તેનેજ બલી નો બકરો બનાવી દેવાયા.બધા ડોકટરો વિલન તરીકે ચિતરાઈ ગયા .

નાના ક્લિનિક અને હોસ્પિટલો ને નેસ્તનાબુદ કરવાની યોજના સફળ થઈ રહી છે જે રીતે નાના દવાખાના કે હોસ્પિટલો ચલાવવામાં અડચણો ઉભી થતી જાય છે અને કામ કરવું અઘરું થતું જાય છે એ જોતાં આવતા દસકા માં ભાગ્યેજ કોઈ ડોકટર પોતાનું નાનું ક્લિનિક કે હોસ્પિટલ ચલાવવા રાજી હશે. અત્યારે જ અસંખ્ય નાના ક્લિનિક અને હોસ્પિટલો બંધ થઈ ચૂક્યા છે અને ડોકંટરો વિશાળ કોર્પોરેટ હોસ્પિટલો સાથે જોડાવા મને કમને મજબુર બન્યા છે. તેમનો હોસ્પિટલ પોલિસી કે બીલિંગ પર કોઈ કાબુ હોતો નથી કોઈ પણ પ્રશ્ન પૂછનાર કે આંગળી ચીંધનાર ને રાતોરાત પાણીચુ આપી દેવા માં આવે છે.મોટા ભાગ ના લોકો ને ખબર નથી કે પોતે જે લાખો ખર્ચ્યા બીમારી પાછળ તેના 10% થી પણ ઓછો ભાગ સારવાર કરનાર તબીબ ને મળતો હોય છે અને જો કોઈ ડોકટર દર્દી ની આર્થિક સ્થિતિ જોઈ બિલ ઘટાડવા અરજ કરે તો આ 10% જે તેનો હક છે તેમાંથી રકમ કાપી બિલ ઓછું દેખાડાય છે જ્યારે કોર્પોરેટ હોસ્પિટલ એક નયો પૈસો પણ જતો કરવા તૈયાર નથી હોતા. 

મેડીકલેઇમ ક્ષેત્રે પણ ઘણા પ્રશ્નો અને અડચણો છે. ઘણાખરા લોકો ને મેડિકલેમ કવરેજ હેઠળ લેવા કંપનીઓ તૈયાર નથી હોતી જ્યારે બીજા છેડે કેટલાક ડોકટરો દર્દીઓ અને કોર્પોરેટ હોસ્પિટલો તેનો દુરુપયોગ કરે છે. ખોટા મેડીકલેઇમ ના દાવા અને ચૂકવણીઓ અંતે તો સાચું કરી પ્રીમિયમ ભરનાર લોકો ની કમર જ તોડી નાખે છે કારણકે પ્રીમિયમ આવા દાવા ઓ ને કારણે સતત વધતા જાય છે. મેડીકલેઇમ કંપનીઓ ને પણ નફો કરવાનો હોય છે આથી તેઓ બિલ ની ઘણીખરી રકમ ચૂકવતા નથી આથી દર્દી અને હોસ્પિટલ વચ્ચે ઘર્ષણ વધે છે અને વિશ્વસનીયતા ઘટે છે વળી આવા ઓછી રકમ ના બિલ પાસ થયા હોવાથી કોર્પોરેટ હોસ્પિટલો તોતિંગ બિલ બનાવે છે જેથી ઓછી રકમ પાસ થાય તો પણ પોતાનો માર્જીન મેળવી શકે અને આ માટે તેઓ ડોકટર અને સારવાર નું અવમૂલ્યન કરતા જાય છે જેથી માર્જીન વધે.
મોટી કોર્પોરેટ હોસ્પિટલો ને એવા સ્પેશિયાલિસ્ટ તબીબો જોઈએ છે જે ઓછા દામે પોતાની શરત મુજબ વધુ કામ કરે અને હોસ્પિટલ ને કમાવી આપે. પ્રાઇવેટ મેડિકલ કોલેજો માંથી ડોનેશન આપી પાસ થયેલા, પરદેશ ની અજાણી મેડિકલ કોલેજો ની કોઈ અનુભવ કે ઓછું જ્ઞાન મેળવેલા ડોકટરો ઓછી આવડત આત્મવિશ્વાસ ધરાવતા હોય એ સામાન્ય પગારે હોસ્પિટલો ને મળી રહે છે. સરકારો એ પણ સરકારી મેડિકલ કોલેજ માં બેઠકો વધારવા ને બદલે રાજકારણીઓ ના પીઠબળ વાળી પ્રાઇવેટ મેડિકલ કોલેજો ને ઉત્તેજન આપ્યું અને સમાજે પણ મેડીકલ સીટ ખરીદી શકાશે અને પોતાનો દીકરો કે દીકરી ડોકટર બનશે એ સ્વપ્ન સાકાર થતા એનો કોઈ વિરોધ ન કર્યો. મેરીટ વગર કે ઓછા મેરીટ અને યોગ્યતા વગર માં બહુ ઓછા ડોકટરો પોતાના કૌશલ્ય થી દર્દીઓ કે સમાજ નું ભલું કરી શક્યા.

જમીન ના મોંઘા ભાવ, બિલ્ડીંગ ના ભાવ, ઘરવેરો,વ્યવસાય વેરો, લાઈટ ના બિલ વગેરે વગેરે વ્યવસાયિક ધોરણે કોઈ સબસીડી વગર ભરતા તબીબો પાસે થી સમાજ અને સરકારે હમેશા આર્થિક ઉપાર્જન ને મહ્ત્વતા આપ્યા વિના સતત સેવા કરે એવીજ અપેક્ષા રાખી.ડોકટરો પણ એ સમાજ નું પ્રતિબિંબ છે જેમાં આપ સૌ રહો છો. કદાચ તે સાચી અને સારી રીતે જીવવા માટે પણ લાંચ રીશ્વત આપવા મજબુર બને છે અને વિવશ પણ.
આનો અર્થ એવો જરા પણ ના કરશો કે બધા ડોકટરો પ્રમાણિક અને દૂધે ધોયેલા છે.કેટલાક કોર્પોરેટ બ્રાન્ડસ્ બની ચૂકેલા મોટા ડોકટરો ની નીતિ રિતી પણ આલોચના ને પાત્ર હોય છેજ.
ભૂતકાળ માં મોટાભાગ ના ડોકટર લોકો સીધી કે આડકતરી રીતે પુષ્કળ કમાતા હતા.હવે એ દિવસો ગયા જ્યારે આખા શહેર માં આંગળી ના વેઢે ગણાય તેટલા નિષ્ણાતો ધનકુબેર બની જીવતા. હવે તો દરેક ક્ષેત્રમાં કેટલાક સારું કમાય કેટલાક ઠીકઠીક અને કેટલાક મુશ્કેલી માં જીવતા હોય તેવુ પણ બને. મોટા ભાગ ના નાના ક્લિનિક કે હોસ્પિટલ ધરાવતા ડોકટર માંડ માંડ બે છેડા ભેગા કરી રહ્યા છે અથવા મેડિકલ પ્રોફેશન છોડી ચુક્યા છે


હાલ તો દર્દીઓ પણ સાચી સારી અને એથીકલ સારવાર ની સરાહના નથી કરતા.એમને જોઈએ છે એક છત નીચે બધી લકઝરી સગવડો અને સવલતો, તાલીમ બદ્ધ સ્ટાફ,કેશલેસ મેડીકલેઇમ અને છતાં તળિયાના ભાવ....હવે આમાં નાની હોસ્પિટલો મોટી હોસ્પિટલો સામે કઇ રીતે ટકી શકે ???
થોડા મહિનાઓ કે વરસ માં નાની હોસ્પિટલ ક્લિનિક્સ પ્રાઇવેટ ડોકટરો શોધ્યા નહિ જડે.ફક્ત બેજ વિકલ્પ હશે લોકો પાસે મોટી કોર્પોરેટ હોસ્પિટલ્સ અથવા સરકારી હોસ્પિટલ્સ....
પ્રજા અને ડોકટરો ને એકબીજા ના દુશ્મન બનાવી તેમની વચ્ચે ની ખાઈ પહોળી કરી મોટી ક્રોપોરેટ હોસ્પિટલ્સ અને મેડીકલેઇમ કંપનીઓ તગડા નફા કમાતી રહેશે 


ડો સચિન લંડગે 
એનેસ્થેટીસ્ટ એહમદનગર ની પોસ્ટ નું ગુજરાતી ભાષાંતર અને વિષય વિસ્તાર ડો પ્રદીપ જોશી એમડી ફિઝિશિયન ભાવનગર ગુજરાત દ્વારા

ટિપ્પણીઓ નથી: