ગુરુવાર, 19 નવેમ્બર, 2020

Doctors start your duty.

*ચલો ડોક્ટરો કામે વળગો....*
        (વ્યંગવ્યથા)
✒ *રાજેશ ઠાકર* ✒

ડોક્ટર બંધુઓ અમે અમારૂ કામ પુરૂ કર્યુ હવે તમારો વારો. દેશહીતમા દેહ સે દૂરી ની મજબુરી ફગાવવા ના અમારા સંનિષ્ઠ પ્રયાસ બાદ ની સ્થિતિ ને હવે તમારે થાળે પાડવાની છે.તો ચલો ડોક્ટરો કામે વળગો.

તબીબ મિત્રો,તમારી પ્રાથમિકતા કોરોના હશે અમારી પ્રાથમિકતા અર્થતંત્ર ની રક્ષા હતી.હૈયે હૈયુ દળાય એવી ભીડ વચ્ચે લોકલ ફોર વોકલ નો મંત્રજાપ કરી અર્થતંત્ર ને પાટે ચઢાવવુ જરૂરી હતુ. માટે  દબાવી ને ખરીદી કરી, માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સ ને ફગાવી અમારી જાન જોખમમા મુકી અર્થતંત્ર ની ગાડી પાટે ચઢાવી દીધી. બહુ  સમયથી ઘરે બેઠા કંટાળ્યા હતા , હરી ફરી લીધુ.આખરે ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝ ને પણ તો બચાવવાની હતી ! ઘરનુ ખાઈને ઉબકા આવવા લાગ્યા હતા તેથી હોટલો , રેસ્ટોરન્ટસ, રોડ સાઈડ ફુડ કોર્ટ બધાને વકરો પણ કરાવ્યો અને બેસ્વાદ જીંદગીમાં સ્વાદ પણ લાવ્યા. 

અર્થતંત્ર ની સાથેસાથે હીંદુ સંસ્કૃતિ અને કલ્ચર ને બચાવવાની જવાબદારી પણ અમારા શીરે જ તો હતી! નવરાત્રિ તો તમે ડોક્ટરો એ ભેગા મળી અમને ના માણવા દીધી પણ દીવાળી અમે ધૂમથી ઉજવી. સરકારી ફરમાન ભલે રાત્રે આઠ થી દસ નુ હોય અમે આખી રાત ફટાકડા ફોડી નવ વર્ષ ને વધાવવા ની પરંપરા જાળવી . શહેરથી ગામભણી અને ગામથી શહેરભણી બેરોકટોક સફર કરી સામાજીક અને પારિવારિક તાણાવાણા અકબંધ રહે તેની જહેમત ઉઠાવી.

અરે ! દીપોત્સવ પહેલાં લોકતંત્રનો લોકોત્સવ મા પણ એટલી જ ખુમારી થી અમે જનભાગીદારી કરી . ભલે ઘર આગણે લગ્ન પાંચ- પચાસ લોકોથી પતાવીએ પણ ચુટણીની રેલીઓ અને સભાઓ મા બેધડક હાજરી આપી.સત્તાની શતરંજ ના પ્યાદા બની રાજા અને વજીર ને બચાવવાની જહેમત મા અમે દેહ સે દૂરી ની મજબુરી સોય ઝાટકતા હોઈએ એમ ખંખેરી નાખી. હે તબીબો, તમને શું ખબર કે   દર્દીઓ અને દવાઓ ની બહાર પણ એક દુનિયા છે .કુવામા ના દેડકા જેવી નજર ઉચકી દવાખાના બહાર જુઓ તો ખ્યાલ આવે કે કોરોના થી બચવા કરતાં લોકતંત્રના આ સિપાહીઓ ને , હીંદુ કલ્ચર ને અને લડખડાતા અર્થતંત્ર ને બચાવવા વધુ જરૂરી હતા .

અમારી જીંદગી ના જોખમે લોકશાહી, અર્થતંત્ર અને સવિશેષ  હીંદુ સંસ્કૃતિ ની રક્ષા કાજે કોરોના ને ગળે લગાડ્યો હવે 
ડોક્ટર બંધુઓ તમારો વારો. તમારે અમારા જેવુ મલ્ટીપલ ટાસ્ક નથી નીભાવવાનુ , બસ હોસ્પિટલમા બેઠા બેઠા અમ જેવા ખરા  વોરીયર્સ ને બચાવવાના છે . તમારી પણ દેશ પ્રત્યે ફરજ ખરી કે નહી ? 
અમે અમારૂ કામ પુરૂ કર્યુ .તો ચલો ડોક્ટરો કામે વળગો. 

સુરક્ષાના સાધનો હોય કે ના હોય,  પુરતુ વળતર સરકાર આપે કે ના આપે , કામના કલાકો કે પરિવારની ચિંતા છોડી હવે અમને બચાવવાની જવાબદારી તમારી છે . બેડ , ઓક્સીજન, સ્ટાફ કે દવાઓની અછત ના બહાના બતાવ્યા વિના કામે વળગો. વેન્ટીલેટર નહી તો ધમણ સહી .સરકાર કહે એમ લાકડાની તલવારે પણ કોરોના સામે તમારે લડવુ જ પડશે. કેમ અમે એકદીવસ પુરતી તમારા માટે થાળીઓ ન્હોતી પીટી? દીવા ન્હોતા કર્યા ? અરે સરકારે પીએમ કેરફંડ ના ઉઘરાણા કરી તમારી પર પુષ્પવર્ષા કરી હતી, ભુલી ગયા ? તમે કોરોના વોરિયર્સ છો તો અમે આપેલી આ ચેલેન્જ તમારે ઉપાડવી જ પડે ને ! તમે વેકેશન નથી માણ્યુ એ તમારી ઈચ્છા .અમે વેકેશન પુરૂ કર્યુ હવે અનિચ્છાએ પણ સારવાર તો કરવી જ રહી.

અમે તમને લુટારા , ડાકુ કે મની માઈન્ડેડ કંઈપણ કહીએ એનુ ખોટુ થોડુ લગાડવાનુ હોય. ગાળો તો અમેય ખાઈએ છીએ .ઘેટા અને ભગતડા જેવા અપશબ્દો સાંભળીને પણ અમે ચલિત નથી થતા તો તમારે પણ તમારી ફરજ પ્રત્યે અટલ રહેવુ પડશે. 

*તો ચલો ડોક્ટરો કામે વળગો*

વ્યંગ-વ્યથાકાર,

*" રાજેશ ઠાકર"*

ટિપ્પણીઓ નથી: